તાલાલાના ધારાસભ્યનું સસ્પેન્શન રદ કરતો હુકમ : વેરાવળમાં આતશબાજીથી ઉજવણી

07 November 2019 12:28 PM
Botad
  • તાલાલાના ધારાસભ્યનું સસ્પેન્શન રદ કરતો હુકમ : વેરાવળમાં આતશબાજીથી ઉજવણી

અદાલતે ધારાસભ્યને રાહત આપતો આપેલો ચૂકાદો

વેરાવળ તા.7
તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારતા તેમને ધારાસભ્ય પદે સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતા આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચેલ જેમાં કોર્ટે રાહત આપી વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્ય પદે યથાવત રાખવા હુકમ થતા વેરાવળ-તાલાલા વિસ્તારના ટેકેદારો અને કોગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડાની આંતશબાજી કરેલ હતી.
તાલાલા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ને સુત્રાપાડાની કોર્ટે ખનીજ ચોરીના ઇ.સ.199પ ના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા સાથે રૂા.2500 નો દંડ ફટાકાર્યો હતો જેના પગલે ગત માર્ચ માસમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ આ મામલે ધારાસભ્યપદ રદ કરવાના સરકારના નિર્ણય સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાયેલ હતી અને ગત જૂલાઇ માસમાં સજા પર હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો. આ અંગે ધારાસભ્ય ભગવાનભાઇ બારડે જણાવેલ કે મારૂં સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારે સેશન્સ કોર્ટ, હાઇકોર્ટમાં જતા સ્ટેના આધારે સરકારને અરજી આપી હતી અને કોર્ટના ચુકાદા અને કાયદા અંતર્ગત ફરીથી સભ્ય તરીકે કાર્યરત કર્યો છે અને કાનુન પર વિશ્વાસ હતો અને આજે પણ છે. ગુજરાત સરકાર અને સ્પીકર પાસે ધારાસભ્ય પદ ચાલુ રાખવા માંગણી કરેલ જે અનુસંધાને ગુજરાત સરકારના કાયદાકીય વિભાગ દ્વારા અભ્યાસ બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્ય પદે યથાવત રાખવા હુકમ થતા તાલાળા વિસ્તારના તેમના ટેકેદારોમાં ખુશીનો માહોલ પ્રસરેલ છે.


Loading...
Advertisement