શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40676

07 November 2019 11:42 AM
Business India
  • શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40676

હેવીવેઈટ-રોકડા સહિતના પસંદગીના શેરોમાં ધૂમ લેવાલી: નિફટી 12000ને પાર

રાજકોટ તા.7
મુંબઈ શેરબજારમાં તેજીનો દોર જારી રહેવા સાથે આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. સેન્સેકસ 40676ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. નિફટી પણ 12000ને વટાવી ગયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. શરૂઆત જ ગેપથી થઈ હતી. આર્થિક મંદીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે રાહતના પગલાઓ ચાલુ રાખતા સારી અસર હતી. નાણાપ્રધાને રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે 25000 કરોડની ફંડની જાહેરાત કરી હતી. હજુ આવા પગલા આવવાનો પણ આશાવાદ પ્રવર્તે જ છે. નાણાંપ્રધાને આર્થિક સુધારાના બાકી રહી ગયેલા પગલા પણ વ્હેલી તકે જાહેર કરવાનો સંકેત આપ્યો હતો. આવતા દિવસોમાં સરકાર દ્વારા આર્થિક મંદી- સ્લોડાઉન સામે વધુ પગલા લેવામાં આવશે તેવો આશાવાદ હતો. આ સિવાય નિષ્ણાંતો પણ મંદીનો સૌથી ખરાબ તબકકે પૂર્ણ થઈ ગયાની આગાહી કરવા લાગ્યા હોવાથી સારી અસર હતી. વિદેશી નાણાં સંસ્થાઓએ વેચવાલી અટકાવીને ખરીદી શરૂ કરતા તેજીને ટેકો મળી ગયો હતો.
શેરબજારમાં આજે પસંદગીના ધોરણે ધૂમ લેવાલી હતી. હેવીવેઈટ ઉપરાંત રોકડાના શેરો પણ લાઈટમાં હતા. બજાજ ફાઈનાન્સ, થોમસ કુક, એચડીએફસી, ઈન્ડુસ ઈન્ડ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, રીલાયન્સ, સ્ટેટ બેંક, ભારતી ઈન્ફ્રાટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંતા, ઈન્ડીયા બુલ્સ હાઉસીંગ વગેરે ઉંચકાયા હતા. હીરો મોટો, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન, મારૂતી, ટાટા મોટર્સ, ટીસીએસ, યશ બેંક, ગેઈલ, સીપ્લા જેવા શેરો નબળા હતા.
મુંબઈ શેરબજારનો
સેન્સીટીવ ઈન્ડેકસ 141 પોઈન્ટ ઉંચકાઈને 40611 હતો જે ઉંચામાં 40676 તથા નીચામાં 40421 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 36 પોઈન્ટના સુધારાથી 12002 હતો. જે ઉંચામાં 12021 તથા નીચામાં 11946 હતો. સેન્સેકસ એકધારી તેજી વચ્ચે નવી-નવી ઉંચાઈ બનાવી રહ્યો છે. જો કે, નિફટીને ગત જુનની 12103ની સપાટીને આંબવામાં હજુ છેટુ છે.


Loading...
Advertisement