ઈમરાનના રાજીનામાની મુદત પુરી થયા પછી પાક. બંધની મૌલાનાની ધમકી

05 November 2019 12:36 PM
World
  • ઈમરાનના રાજીનામાની મુદત પુરી થયા પછી પાક. બંધની મૌલાનાની ધમકી

સંઘર્ષ ચાલુ રાખવાની જમિયતના નેતાની જાહેરાત

ઈસ્લામાબાદ તા.5
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને રાજીનામું આપવાનું આખરીનામું રવિવારે રાતે પુરુ થતાં જમાતના નેતા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાન બંધનું એલાન આપવા ધમકી આપી છે. જમિયત ઉલેમા એ ઈસ્લામ ફમેલ (જેયુઆઈ-એફ)ના પ્રમુખ રહેમાને બે દિવસની સમય સીમા પુરી થતાં જણાવ્યું હતું કે જયાં સુધી ઈમરાન રાજીનામું ન આપે ત્યાં સુધી દેખાવો જારી રહેશે.
તેમણે દેખાવકારોની રેલીને સંબોધતા જણાવ્યું હતું કે શાસકે જવું પડે અને લોકોને નિષ્પક્ષ ચૂંટણી દ્વારા નવા શાસક ચૂંટવાની તક આપવી પડશે. આ સ્પષ્ટ છે કે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું હતું કે અત્યારે ઈસ્લામાબાદ બંધ છે, પછી દેશ આખો બંધ રહેશે. અમે થોભીશું નહીં અને સંઘર્ષ ચાલુ રાખીશું.
ઉલ્લેખનીય છે કે રહેમાને ઈમરાનખાન પર રાજીનામાનું દબાણ વધારવા ગત સપ્તાહે ઈસ્લામાબાદ સુધીની આઝાદી કૂચનું નેતૃત્વ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ 2018ની ચૂંટણીમાં ગરબડ થઈ હતી, અને લશ્કરના સમર્થનથી જ ઈમરાનખાનને સતા મળી હતી.


Loading...
Advertisement