લખપતમાં તીડ પર દવા છાંટતા પાંચ કર્મચારીઓને ઝેરી અસર થતા દોડધામ

22 October 2019 08:13 PM
kutch
  • લખપતમાં તીડ પર દવા છાંટતા પાંચ કર્મચારીઓને ઝેરી અસર થતા દોડધામ

ગ્રામસેવક-તલાટીઓને દવા છાંટવાનું કામ સોંપાતા ચર્ચા : હોસ્પિટલ ભરતી કરાયા

ભૂજ તા.22
લખપતના મોટી છેર ગામે તીડના ઝુંડને કારણે ખેતરમાં થયેલાં તીડ નિયંત્રણની કામગીરી સાથે પાકની નુકસાનીનો સર્વે કરવા ગયેલાં ચાર ગ્રામસેવકો અને એક તલાટીની ઝેરી દવાની અસરથી તબિયત લથડતાં તમામને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં છે.
આજે સવારે સાડા 11 વાગ્યાના અરસામાં બનેલાં આ બનાવથી દોડધામ મચી ગઈ હતી. ગામના એક ખેડૂતે ખેતરમાં સવારે જંતુનાશક દવા છાંટી હતી. પાંચેય જણાં ભરતડકે ખુલ્લામાં ખેતરમાં વિચરણ કરતા હતા ત્યારે એકાએક તેમને શ્વાસમાં લેવામાં તકલીફ થવા માંડી હતી.
પાંચેય જણાંને પ્રથમ પાન્ધ્રો જીએમડીસી હોસ્પિટલ અને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ 108 મારફતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા. હાલ તમામની હાલત સુધારા પર છે. ઝેરી દવાની અસરનો ભોગ બનનારાઓમાં જગદીશ છોટાલાલ વાળંદ (ઉ.વ.35, ગ્રામસેવક, દયાપર), જયેશ ચંદુભાઈ છૈયા (ઉ.વ.36, ગ્રામસેવક, લખપત), ભરતસિંહ લાલુજી રાજપુત (ઉ.વ.28, ગ્રામસેવક, આધોઈ-ભચાઉ), કિંજલબેન નરેશભાઈ પટેલ (ઉ.વ.24, ગ્રામસેવક, મેઘપર) અને નાની છેરના 30 વર્ષિય તલાટી ભાવેશકુમાર મેઘજીભાઈ જાટનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement