સિવિલ હોસ્પિટલનું નવું અદ્યતન બિલ્ડીંગ શરૂ કરવા મુર્હુત કયારે નિકળશે? પ્રજા રોગચાળાના ભરડામાં : તંત્રનું મૌન

22 October 2019 06:42 PM
Rajkot Saurashtra
  • સિવિલ હોસ્પિટલનું નવું અદ્યતન બિલ્ડીંગ શરૂ કરવા મુર્હુત કયારે નિકળશે? પ્રજા રોગચાળાના ભરડામાં : તંત્રનું મૌન
  • સિવિલ હોસ્પિટલનું નવું અદ્યતન બિલ્ડીંગ શરૂ કરવા મુર્હુત કયારે નિકળશે? પ્રજા રોગચાળાના ભરડામાં : તંત્રનું મૌન

ઓપરેશન થીયેટરનું અધુરૂ કામ : વિગતો ખોટી આપવી અને છુપાવવા જેવી ગુનાહિત બેદરકારી : ગાયત્રીબા વાઘેલાની રજુઆત

રાજકોટ તા.22
રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના ઉદઘાટનમાં વિલંબ, દર્દીઓના છુપાવાતા આંકડા, ઓપરેશન થીયેટરોના અધુરા કામ સહિતના મુદાઓને લઇ મનપાના નગરસેવિકા ગાયત્રીબા વાઘેલા, મહિલા કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને સવિસ્તાર કરાયેલી રજુઆત એવી છે કે રાજકોટ શહેરમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રોગચાળો બેકાબુ બન્યો છે. રાજયનાં આરોગ્ય કમિશ્નર દ્વારા તા.16/10ના રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ રોગચાળાની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે પણ અમોએ સરકારી સિવિલ હોસ્પિટલના તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર, દર્દીઓને પડતી મુશ્કેલીઓ બાબતની વિસ્તૃત પત્ર પાઠવી રજૂઆત કરેલ હતી.
પરંતુ આરોગ્ય કમિશ્નર દ્વારા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તંત્ર દ્વારા સાચી માહિતી પુરી પાડવામાં આવી હોય તેવું લાગતુ નથી અને રોગચાળાની તેમજ સિવિલ હોસ્પિટલનાં વ્યવસ્થા તંત્રની માહિતી બખૂબી રીતે છૂપાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. કા.કે.રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્ર જયારે રોગચાળાના ભરડામાં હોય ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી જાય છે.
લોકોની જાહેર આરોગ્ય સુવિધાને ઘ્યાને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 240 થી 250 બેડની સુવિધા સાથે અદ્યતન આઠ ઓટીની સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી નવુ બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ: છે.
આ નવા બિલ્ડીંગનું સિવિલ વર્ક ડિસેમ્બર-2018માં પૂર્ણ થઇ ગયું છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્ર અને સિવિલ સર્જનની લાપરવાહીના કારણે તેમજ આ બિલ્ડીંગમાં અદ્યતન જે આઠ ઓપરેશન થીયેટરો તૈયાર કરવાના હતા તે તૈયાર કરનાર જવાબદાર એજન્સી અધવચ્ચેથી કામ છોડી જતી રહી હોવા છતાં જવાબદારી પૂર્વકના કોઇ જ પગલાઓ ભરવામાં ન આવ્યા? જેથી સૌરાષ્ટ્રના હજારો ગરીબ દર્દીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળી શકયો નહી. જેની જવાબદારી સિવિલ હોસ્પિટલનાં જવાબદાર તંત્ર ઉપર ફિકસ કરવામાં આવે અને પગલાઓ ભરવામાં આવે કારણ કે ગત તા.2 ઓબટોર 2019નાં રોજ દેશનાં વડાપ્રધાનના વરદ હસ્તે આ બિલ્ડીંગનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને સરકારી તંત્ર દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓની લાપરવાહીના કારણે આ લોકાર્પણનો કાર્યક્રમ શકય બની શકયો ન હતો અને સરકાર પણ જાણે આવા અધિકારીઓ પાસે લાચાર બની જતી હોય તેવી પ્રતિતિ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે ઉપરોકત વિગત અને વિષયે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાના આરોગ્યના વ્યાપકે જનહિતને ઘ્યાને લઇ તેમજ વકરતા રોગચાળા સમયે આ સુવિધા સભર બિલ્ડીંગનો ઉપયોગ થઇ શકે અને લોકોનાં પરસેવાનં કમાણીનાં ટેક્ષના પૈસાથી તૈયાર થતી સુવિધા સાદાઇથી લોકાર્પણ કરી લોકોને પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન કરવા અને આ લોકાર્પણમાં વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા અમારી રજુઆત છે.


Loading...
Advertisement