જામનગરમાં ડેન્ગ્યુથી માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો: બે દી’માં બીજું મોત

22 October 2019 02:08 PM
Jamnagar Gujarat Saurashtra
  • જામનગરમાં ડેન્ગ્યુથી માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો: બે દી’માં બીજું મોત

બે દિવસમાં ડેન્ગ્યુના 202 જયારે ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના બે હજારથી વધુ ડેન્ગ્યુના દર્દી નોંધાયા: ડેન્ગ્યુના દાનવને અંકુશમાં લેવો મુશ્કેલ બન્યો: દર્દીઓમાં થતો સતત વધારો: લોકોએ પણ જાગૃતિ રાખવી જરૂરી: મૃત્યુ આંક 16 ઉપર પહોંચ્યો

જામનગર.તા.22
જામનગર શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુને નિયંત્રણમાં લેવા વ્યાપક પ્રમાણમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં ડેન્ગ્યુના દાનવને અંકુશમાં લઇ શકાતો નથી અને ડેન્ગ્યુથી આજે એક માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે ડેન્ગ્યુના વધુ 99 પોઝીટીવ કેસ સરકારી હોસ્પીટલમાં નોંધાતા હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. જયારે 53 દર્દીને રજા આપવામાં આવી હતી. ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના 2000થી વધુ કેસ નોંધાવા પામ્યા છે. જામનગરમાં ડેન્ગ્યુથી મોતનું તાંડવ યથાવત રહ્યું હોય તેમ આજે પણ વધુ એક મોત થતાં કુલ મૃત્યુ આંક 16 ઉપર પહોંચ્યો છે.


જામનગરમાં ડેન્ગ્યુનો દાનવ હવે જીવલેણ બની ગયો છે. સરકારી જી.જી. હોસ્પીટલમાં છેલ્લા બે દિવસમાં બે દર્દીના મોત થયા છે. ગઈકાલે દ્વારકાના યુવાન બાદ આજે જામનગરની 6 વર્ષીય માસુમ બાળકીએ પણ ડેન્ગ્યુની બીમારીથી દમ તોડ્યો છે. શહેરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી શહેરના ખાખીનગર વિસ્તારની ભૂમિ નંદાનિયા નામની બાળકીએ ડેન્ગ્યુમાં જીવ ગુમાવ્યો છે. બે દિવસમાં દર્દીઓના મોત થતા ડેન્ગ્યુને કારણે કુલ મૃત્યુ આંક 16 ઉપર પહોચી ગયો છે. જામનગર શહેર-જીલ્લામાં ડેન્ગ્યુના વધતા કહેર વચ્ચે ગઈકાલે વધુ 99 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રવિવારે 103 જયારે ગઈકાલે એટલે કે સોમવારે વધુ 99 દર્દીને ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવતા માત્ર બે દિવસમાં જ 202 દર્દી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયા છે. આ ફક્ત સરકારી હોસ્પીટલનો જ આકડો છે જયારે ખાનગી દવાખાનાઓમાં તો આ આકડો એક દિવસમાં જ 100થી વધુ દર્દીઓનો હોય શકે છે.


જામનગર શહેર અને જીલ્લામાં ચાલુ સિઝનમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ડેન્ગ્યુનો આતંક સતત વધતો રહ્યો છે.શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુનો કહેર વધતા રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના અધિક નિયામક સહીત સાત જીલ્લામાંથી સુપરવાઈઝરો, હેલ્થ વર્કરો, ડોકટરો ફાળવવામાં આવ્યા હતા. બાદમાં ભરૂચથી વધુ સાત ડોકટરો ફાળવવામાં આવ્યા છે. જયારે ડેન્ગ્યુના દર્દીઓમાં વધરો થતા સરકારી જી.જી. હોસ્પીટલમાં દર્દીઓ માટે ખાટલા પણ ખૂટી પડ્યા હતા તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે તાત્કાલિક દર્દીઓ માટે ખાટલા અને પલંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં રાજ્યના આરોગ્ય કમિશ્નર પણ જામનગર દોડી આવ્યા હતા અને રોગચાળાની સ્થિતિથી વાકેફ થયા હતા.


મહત્વનું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો વકરતા અને તેમાં પણ ડેન્ગ્યુનો આતંક વધતા ડોર ટુ ડોર સર્વે, પોરા શોધન તથા પોરા નાશક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં ક જ્યાં પાણી ભરાયેલા છે તેવા વિસ્તારોમાં ઓઈલ અને દવાઓનો છંટકાવ કરવો તેમજ વિવિધ વિસ્તારોમાં અને શાળાઓમાં જઈને લોકોને ડેન્ગ્યુથી બચવાના ઉપાયો વિષે તેમજ ડેન્ગ્યુને ફેલાતો કઈ રીતે અટકાવી શકાય તેના વિષે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે તેમ છતાં રોજે રોજ ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે.


શહેરમાં ડેન્ગ્યુની બિમારે દિવસે ને દિવસે વધુ કહેર મચાવી રહી છે ત્યારે તંત્રની ડેન્ગ્યું નિયંત્રણની કામગીરી નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. ડેન્ગ્યુને નિયંત્રણમાં લેવા માટે લોક જાગૃતિ પણ જરૂરી છે. લોકોએ પોતાની ઘરીની સફાઈ રાખવી, પાણી ભરેલા વાસણોને ઢાંકીને રાખવા પાણી ઢોળવું નહી જેથી પાણીનો ભરવો ન થાય વગેરે જેવી કાળજી રાખવી જરૂરી છે.


Loading...
Advertisement