નવરાત્રી રમેલા મેઘરાજા દિવાળીમાં ગાજવીજના ફટાકડા ફોડવા તૈયાર

22 October 2019 01:28 PM
Rajkot Gujarat Saurashtra
  • નવરાત્રી રમેલા મેઘરાજા દિવાળીમાં ગાજવીજના ફટાકડા ફોડવા તૈયાર

ભાવનગરમાં જોરદાર ઝાપટુ વરસી ગયા બાદ સતત બીજા દિવસે સવારથી જ ભારે અષાઢી માહોલ છવાયો:અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલુ લો પ્રેસર વેલમાર્ક લો પ્રેસરમાં બદલાયુ ત્યા બીજી સીસ્ટમ બનવાની શરૂ થવાથી આગામી સપ્તાહના પ્રારંભ સુધી છુટોછવાયો હળવો મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી:જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, સોમનાથ જીલ્લામાં જોર વધુ રહેવાનો સંકેત: લંબાયેલા ચોમાસાથી માંડ કળ વળે તે પહેલા જ નવી આગાહીને પગલે પાકને નુકશાન જવાની દહેશતથી ફરી ધરતીપુત્રો મુકાયા ચિંતામાં

રાજકોટ તા.22
મેઘરાજાને ચાલુ વરસે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર અતિશય હેત ઉભરાયુ હોય તેમ નવરાત્રીના નવ દિવસ રમ્યા બાદ હવે દિવાળીમાં પણ ગાજવીજ સાથે ફટાકડા ફોડવા તૈયાર હોય તેવો માહોલ બની રહ્યો છે.કુદરતની કરામત રૂપ ચાલુ વરસે સૌરાષ્ટ્ર કચ્છમાં ઋતુ ચક્ર જ ફરી ગયુ હોય તેમ શિયાળો બેસી ગયા બાદ ઠંડીનું આક્રમણ મોડુ ચાલુ થયુ હતું. બાદ મિશ્ર હવામાન ચાલુ રહ્યું હતું અને ફાગણ મહિનાના અંતિમ દિવસો બાદ ઉનાળાએ આગમન કર્યુ હતું પરંતુ ચૈત્ર મહિનાનીમધ્યાહન સુધી દનૈયા તપ્યા ન હતા. લગભગ બે માસ 40-44 ડીગ્રી નજીક તાપમાન નોંધાયા બાદ વાવાઝોડાની અસર હેઠળ જેઠ મહિનાના મધ્યાહન બાદ ચોમાસાનું આગમન થયુ હતું.


જોકે અષાઢ મહિનાના મધ્યાહન સુધી સાર્વત્રિક વરસાદ નહીં વરસતા જનતા સાથે સરકાર પણ ચિંતિત બની હતી અને અછતની તૈયારીમાં લાગી ગઈ હતી. ત્યાં અષાઢ મહિનાની અંતિમ સપ્તાહથી મેઘરાજાએ અંતે સૌરાષ્ટ્ર કચ્છમાં મુકામ કર્યો હતો. જે લગભગ એકધારો 85 દિવસ સુધી યથાવત રાખી ત્રણેક રાઉન્ડમાં સાર્વત્રિક જયારે બાકી કોઈને કોઈ જીલ્લામાં તો વરસવાનું ચાલુ રાખ્યું હતું.જેની અસરથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ જીલ્લામાં 125 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો હતો તો સૌરાષ્ટ્ર કચ્છની સરેરાશ પણ 140 સુધી રહી હતી. એટલુ જ નહિ મેઘરાજાએ નવરાત્રીમાં પણ વરસવાનું ચાલુ રાખતા ગરબીના આયોજકો, રાસોત્સવના સંચાલકો, ખેલૈયાઓને વારંવાર નિરાશ કર્યા હતા. બાદમાં શરદ પુનમના દિવસથી ચોમાસાએ સતાવાર વિદાય લઈ લીધી હતી અને મોટાભાગના સ્થળોએ પવનની દિશા બદલીને ઉતર પૂર્વ કે ઉતરની થવાની સુકુ વાતાવરણ બનતા રાતે ઠંડી દિવસે ગરમીની મીશ્ર ઋતુનો લોકોને અહેસાસ થતો હતો.


તેવામાં છેલ્લા બે દિવસથી ફરીને સૌરાષ્ટ્ર કચ્છના ઉતરના ભાગે ચક્રાવાતી દબાણ સાથે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયુ હતું. જે હવાનું હળવુ દબાણ રાત્રે જ વેલમાર્ક લો પ્રેસરમાં ફેરવાઈ ગયું છે જેની અસરથી ગઈકાલે સવારથી જ ભારે મેઘાવી માહોલ થયો હતો તે આજે ચાલુ રહેતા આ લખાઈ રહ્યું છે તે સમયે પણ આકાશમાં અષાઢી વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે.માત્ર એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવાતી વિગત મુજબ હાલમાં અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેસર ડીપ્રેશનમાં ફેરવાઈ જવાની તૈયારીમાં છે તેવા સમયે વધુ એક લો પ્રેસર આકાર લઈ રહ્યું છે. જે સીસ્ટમની અસર હેઠળ આજથી બે દિવસ છુટોછવાયો હળવો મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી ગયા બાદ ફરીને કાળી ચૌદશથી ત્રણેક દિવસ પોરબંદર, જામનગર, દ્વારકા, સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લામાં હળવો મદ્યમ તો અમુક સ્થળે ભારે વરસાદ વરસી જવાની આગાહી હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.


તેવામાં આજે પુરા થતા 24 કલાક દરમિયાન ભાવનગરમાં રાત્રીના સમયે જોરદાર ઝાપટુ વરસી ગયુ હતું અને આજે સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા છે અને બપોરથી સાંજ સુધીમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ કોઈક સ્થળે વરસી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.એક બાજુ ચોમાસુ લંબાયા બાદ ખેડૂતોને માંડ કળ વળી હતી ત્યાં દિવાળીના દિવસોમાં પણ કેટલાક સ્થળે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહીથી ખેડુતોને મોટુ નુકશાન જવાની દહેશતથી ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે.


રાજકોટમાં ગઈકાલે સવારે ભારે મેઘાવી માહોલ છવાઈ ગયા બાદ બપોરે ઉઘાડ નીકળતા જ સૂર્યનારાયણ દેવે રંગ દેખાડવાનું ચાલુ કરતા દિવસે લોકો ગરબી અને બફારાથી પરેશાન જોવા મળ્યા હતા. ગઈકાલે મહતમ તાપમાન 33.5 ડીગ્રી રહ્યા બાદ આજે સવારે ન્યુનતમ તાપમાન 24.2 ડીગ્રી રહ્યું હતું. હવામાં સવારે 70 ટકા ભેજ નોંધાયો હતો. અને પવનની ઝડપ 9 કીમી પ્રતિ કલાકની રહી હતી તો આજે પણ સવારથી જ અષાઢી માહોલ છવાશઈ રહ્યો છે. જો કે ભેજનું વાતાવરણ હોઈ બપોર સુધીમાં ખુલ્લુ થવાની સંકેત હવામાન વિભાગે આપેલ છે.


Loading...
Advertisement