લઘુશંકા કરવા ગયેલ યુવાનને દરીયાના મોજાની થપાટ : પાણીમાં ગરક થઇ જતા મોત

21 October 2019 05:30 PM
Junagadh
  • લઘુશંકા કરવા ગયેલ યુવાનને દરીયાના મોજાની થપાટ : પાણીમાં ગરક થઇ જતા મોત

ઊના તા.21
દરીયાના છોરૂ પર સીઝન શરૂ થતા ધાટ મંડાઇ હોય તેમ નવાબંદર દરીયાઇ સીમામાં ચાર-ચાર આશાસ્પદ યુવાનો ડુબી જતા મોતને ભેટ્યાની ધટનાની શાહી સુકાઇ નથી. ત્યાંજ ઊના તાલુકાના સૈયદ રાજપરાથી 20 નોટીમાઇલ દૂર ચાલુ બોટમાં પિતાની નજર સમક્ષ જવાન જોધ પુત્ર ટોઇલેટ કરવા જતાં અને દરીયાના ઉછળતા મોજાની થપાટ લાગતા ઉંડા પાણીમાં જળસમાધી લેતા આ યુવાનની 25 બોટના માછીમારો દ્વારા શોધખોળ કરાઇ રહી છે. પરંતુ ગરક થયેલ યુવાન હજુ સુધી મળી આવેલ ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.
બનાવની મળતી વિગત મુજબ ઊનાના સૈયદ રાજપરા બંદરેથી આજે સવારે 11.30 કલાકે 9 ખલાસી સાથે રાજપરા ગામના ભાણાભઇ બીજલભાઇની માલીકીની બોટ લક્ષ્મી પ્રસાદ નં.જીજે 11 એમ એમ 3168 સૈયદ રાજપરા બંદરેથી ફિસીંગ કરવા 20 નોટીમાઇલ દૂર ગયેલ હતી. અને તેમાં ખલાસી સંજયભાઇ ચિથરભાઇ રાઠોડ ઉ.વ.23 રે. માણેકપુર વાળાને ટોઇલેટ કરવા ગયેલ આ દરમ્યાન દરીયાઇ સીમામાં ભારે ઉછળતા મોજાની થપાટ આવતા કુદરતી હાજત કરી રહેલા આ ખલાસી દરીયા સીમામાં ઉંડા પાણીમાં ફંગોળાઇ જતાં તેના પિતા ચિથરભાઇ બચુભાઇ આજ બોટમાં ફિસીંગ કામે ગયેલ હોય પુત્રને પાણીમાં તણાતા અને જળસમાધી લેતા નજરે જોતા તાત્કાલીક બોટના તમામ ખલાસીઓએ બચાવવા પ્રયાસ કરવા છતાં હાથ લાગેલ નહી. આ કુદરતી અકસ્માત સર્જાતા તાત્કાલીક બોટના માલીક ભાણાભાઇ બીજલભાઇને જાણ કરાતા તેણે સૈયદ રાજપરા ગામના બોટ એસોસીયેશનના અગ્રણી મેધાભાઇ લાખાભાઇ બારૈયા, પટેલ અને ભીખાભાઇ રામસીભાઇ ડાભીને જાણ કરતા તુરંત સૈયદ રાજપરા ગામના માછીમાર સમાજની 25 જેટલી બોટો અને તેના ખલાસીઓ પાણીમાં ડુબી ગરક થયેલા યુવાનની શોધખોળ આરંભતા હજુ સુધી મળી આવેલ ન હોય આ બાબતે નવાબંદર મરીન પોલીસને તેમજ ફિસરીઝ ડિપાર્ટમેન્ટને જાણ કરતા તપાસ હાથ ધરેલ છે.


Loading...
Advertisement