કેશોદમાં રસ્તાઓ પર ખૂંટિયાના યુધ્ધ અને ડેરા તંબુ; મહિલાને હડફેટે લેતા મૃત્યુ

21 October 2019 05:07 PM
Junagadh
  • કેશોદમાં રસ્તાઓ પર ખૂંટિયાના યુધ્ધ અને ડેરા તંબુ; મહિલાને હડફેટે લેતા મૃત્યુ

રખડતા રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવામાં પાલિકા તંત્રની નિષ્ફળતા

(પ્રકાશ દવે દ્વારા) કેશોદ તા.21
કેશોદમાં કેટલાય મહિનાઓથી શહેરીજનો વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરી શહેરી વિસ્તારોમાં રખડતા પશુઓ અને ખાસ કરીને આખલાઓને બજારમાંથી પકડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી અનેક માંગણીઓ રજુઆતો મીટીંગો યોજવામાં આવી હતી. વેપારી મંડળ રાજુભાઈ બોદરે મુખ્યમંત્રી ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજુઆત કરવામાં આવી હતી. વેપારીઓની મીટીંગ યોજાઈ હતી. બાદમાં વેપારીઓ શહેરીજનો સાથે નગરપાલિકા દ્વારા મીટીંગ મળી હતી જેમાં નગરપાલિકા દ્વારા પશુઓના સાચવવા માટે કોઈ તૈયાર થાય તેને ખર્ચ તથા જગ્યા ફાળવવાની જાહેરાત કરી હતી. જેમાં જીવદયાપ્રેમી નરેન્દ્ર ચુડાસમાએ તમામ રખડતા પશુઓને સાચવવાની તૈયારી બતાવી હતી. જેમાં નગરપાલિકા દ્વારા જગ્યા નિભાવ ખર્ચ આપવાની જાહેરાત કરીહ તી જે બાબતે નગરપાલિકા તંત્રએ હાથ ઉંચા કરી દીધા છે જેથી રખડતા પશુઓ આખલાના ત્રાસથી અનેક રાહદારીઓ વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં પશુઓ પણ અવારનવાર ઈજાગ્રસ્ત થયા હતા. શહેરી વિસ્તારમાં પશુઓના મોત બાદ પણ નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામા આવતો ન હોય ત્યારે નગરપાલિકા તંત્ર સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બાઈક સવાર મહિલાઓને આખલાએ હડફેટે લેતા ધોરાજીના શાંતાબેન ધનજીભાઈ માવાણીને ગંભીર ઈજા થઈ હતી. જેને કેશોદની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવેલ જયાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં લઈ જવાતા હતા પણ કેશોદની હોસ્પિટલેથી બહાર નીકળયા ત્યાં જ શાંતાબેનનું મોત નીપજયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક રજૂઆતો છતા રખડતા પશુઓનો નિકાલ કરવામા નગરપાલિકા તંત્ર નિષ્ફળ જતા લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. છતા નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. શહેરીજનોનો આક્રોશ વધી રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર આંદોલનો કરવા લોકો મજબૂર થશે કે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી તાત્કાલિક અસરથી રખડતા પશુઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું.


Loading...
Advertisement