વંથલીના સોનારડીના માજી સરપંચની નિર્મમ હત્યાના બનાવમાં 9 ઝડપાયા

21 October 2019 03:44 PM
Junagadh Crime
  • વંથલીના સોનારડીના માજી સરપંચની નિર્મમ હત્યાના બનાવમાં 9 ઝડપાયા

બે આરોપી રીમાન્ડ ઉપર; સાત જેલ ભેગા: હજુ 7ને ઝડપી લેવા તજવિજ

જુનાગઢ તા.21
વંથલીના સોનારડી ગામે યોજાયેલ રાત્રી સભા બાદ ઘરે જઈ રહેલા માજી સરપંચ દીલાવરભાઈ ઉર્ફે દાદાભાઈ મહેમદભાઈ પલેજા (ઉ.50)ની ગત તા.18-9ની રાત્રીના 16 શખ્સોએ પૂર્વ આયોજીત કાવત્રું રચી નિર્મમ હત્યા કરી નાખી ભાગી છુટેલા હત્યારાઓમાં વંથલી પીએસઆઈ ચૌહાણ સહિત સ્ટાફે તેજ રાત્રીમાં 6 આરોપીઓને દબોચી લીધા બાદ ગઈકાલે પણ વધુ 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ગઈકાલે ઝડપાયેલા આરોપીઓ ઈબ્રાહીમ મુસા પલેજા, હુસેન તૈયબ પલેજાને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
જયારે અસરફ મુસા યુનુસ મુસા અબ્બાસ પલેજા, યુસુફ નુરમહમદ, યુસુફ ઈબ્રાહીમ પલેજા જુસબ ઈસમાઈલ યુસુફ ઈબ્રાહીમ અને સબીર નુરમહમદ પલેજાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હજુ સાતને ઝડપી લેવા પોલીસે ઠેર ઠેર રેડ કરી કોમ્બીંગ હાથ ધર્યુ છે. જુનાગઢના વીજાપુર ગામે શિક્ષક તરીકે નોકરી કરતા શખ્સની આરટીઆઈ કરતા આ ઘટના ઘટવા પામી હતી.
સગીરાને ભગાડી ગયો
ગત શુક્રવારની સાંજે જુનાગઢ જીઆઈડીસી-2 માંથી 17 વર્ષની સગીરાને આજ વિસ્તારનો કલુ નામનો છોકરો ભગાડી ગયાની ફરીયાદ તાલુકા પોલીસમાં ગઈકાલે તેની માતાએ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ જીઆઈડીસી-2માં આવેલા કિશન કારખાનામાં કામ કરતી મહિલાની 17 વર્ષની દિકરીને જીઆઈડીસી-2માં આવેલ આઈકોનર કારખાનામાં કામ કરતો કલુ નામનો છોકરો ગત તા.18ને શુક્રવારની સાંજે 5 કલાકે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયાની ફરીયાદ સગીરાના માતાએ નોંધાવતા પીએસઆઈ વરીયાએ તપાસ હાથ ધરી છે.
ચોરી
ગત તા.1ની રાત્રીના વંથલીના સાંતલપુર ધારની સીમની વાડીના તાળા તોડી તસ્કરોએ ઓરડીમાં રાખેલ 30 હજારના સામાનની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ વંથલીથી 3 કીમી દુર સાંતલપુર ધાર ખાતે વાડી ધરાવતા હેમાંગભાઈ યોગેશભાઈ વાણવી (ઉ.29) રે. સુર્યકુંડ રોડ વંથલીની વાડીની ઓરડીના તાળા તોડી ઓરડીમાં રાખેલ મશીન રૂા.12 હજાર મશીન બોરી 2500 કોપર સર્વિસ વાયર 250 ફૂટ રૂા.8500 એલ્યુ. સર્વિસ વાયર રૂા.7 હજાર ઉપરાંત અન્ય વસ્તુઓ મળી કુલ 30 હજારની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા વંથલી હે.કો. વાળાએ તપાસ હાથ ધરી છે.
હદપારીનો ભંગ કરનાર ઝડપાયો
ગત સાંજે માણાવદર પોલીસે હદપારીનો ભંગ કરેલ યુવાનને દબોચી લીધો હતો.
માણાવદર બાવાવાડીમાં રહેતો નીસાર ઉર્ફે બાપુડી સીદીક મીયા કાદરી (ઉ.24)હદપારી કેસ 9/2019ના હુકમનો ભંગ કરી ગઈકાલે સાંજે 7-15 કલાકે માણાવદર એસટી બસ સ્ટેશન પાસેથી પોલીસ કોન્સ. વિપુલભાઈ રમેશભાઈને મળી આવતા તેને પકડી હદપારી ભંગની કલમો નીચે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ હીંગોરાએ હાથ ધરી છે.


Loading...
Advertisement