કમલેશ તિવારીની હત્યામાં સુરતમાંથી ત્રણની ધરપકડ: હત્યારા ફરાર

19 October 2019 05:59 PM
Surat Crime Gujarat Saurashtra
  • કમલેશ તિવારીની હત્યામાં સુરતમાંથી ત્રણની ધરપકડ: હત્યારા ફરાર

યુપીમાં થયેલી હત્યા માટે મધરાતે ગુજરાત એટીએસએ દરોડાનો દૌર ચલાવ્યો : હત્યાનું ષડયંત્ર વાયા સુરત થઈ દુબઈમાં રચાયુ હતું: સુરતમાં કામ કરતા મોહસીન, ફૈઝલ અને રાશીદને ઉઠાવી લેવાયા :હત્યા સ્થળે મળેલુ સુરતની મીઠાઈ શોપના બોકસના કારણે ફકત 24 કલાકમાં હત્યાનું રહસ્ય ખુલ્યુ : મીઠાઈ શોપના સીસીટીવી ફુટેજ પરથી હત્યારાના ચહેરા જોવા મળ્યા હવે ઝડપી લેવા તૈયારી : હત્યારાઓ મીઠાઈના બોકસમાં રીવોલ્વર અને ચાકુ લઈને આવ્યા હતા: હત્યા બાદ બોકસ છોડી જતા તપાસમાં સફળતા

લખનૌ તા.19
ઉતરપ્રદેશમાં હિન્દુ મહાસભાના પુર્વ નેતા કમલેશ તિવારીની થયેલી હત્યાનું કનેકશન ગુજરાતમાં નીકળ્યું છે. ગઈકાલે બપોરે કમલેશ તિવારીને તેમના જ નિવાસસ્થાને બે વ્યક્તિઓએ ચાકુના ઘા મારીને તથા રીવોલ્વરની એક ગોળીથી વીંધીને ઠાર માર્યા હતા જેમાં યુપી પોલીસની માહિતી પરથી ગુજરાત એટીએસએ ગઈકાલે રાત્રે જ સુરતથી ત્રણ લોકોની ધરપકડ કરી છે જેઓએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યારાઓ જો કે હજુ પોલીસની પકકડથી બહાર છે. પરંતુ આ હત્યાનું ષડયંત્ર રચનાર સુરતના 24 વર્ષીય મોહસીન, 21 વર્ષીય ફૈઝલ તથા 25 વર્ષના રાશીદની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે સુરત પોલીસે યુપી પોલીસની ટીપ્સ પરથી સાત લોકોની અટકાયત કરી હતી. કમલેશ તિવારીની હત્યામાં સામેલ બે લોકોની ઓળખ હજુ જાહેર થઈ નથી. પરંતુ ગઈકાલે બંને હત્યારા તિવારીના નિવાસસ્થાને ગયા હતા અને ત્યાં લગભગ અડધો કલાક રોકાયા હતા અને બાદમાં ચાકુના ઘા મારી તથા રીવોલ્વરની એક ગોળીથી તિવારીની હત્યા કરી હતી. આ બંને હત્યારાઓ એક મીઠાઈના બોકસમાં ચાકુ તથા રીવોલ્વર લઈને ગયા હતા અને તેઓ હત્યા કરીને નાસી છુટયા તે સમયે આ મીઠાઈનું બોકસ છોડી ગયા તે ષડયંત્ર રચનારાઓ સુધી પહોંચવાનું માધ્યમ બની ગયું. આ મીઠાઈનું બોકસ સુરતની ધરતી મીઠાઈ શોપનું હતું અને તેમાં ઘારી ખરીદીનો કેશમેમો પણ હતો. યુપી પોલીસે તુર્ત જ આ અંગે ગુજરાત એટીએસને જાણ કરતા રાત્રીના ધરતી શોપના સીસીટીવી ફુટેજ ચેક કરાતા મીઠાઈ ખરીદવા આવેલા બે વ્યક્તિઓની ઓળખ મળી છે જે હત્યારા હોવાનું મનાય છે. બાદમાં સુરતના લીંબાયત વિસ્તારમાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી હતી જે મોહસીન તથા ફૈઝલ હોવાનું તથા તેઓએ આપેલી માહિતી પરથી રાશીદને પણ ઝડપી લીધો છે. મોહસીન એક સાડીની દુકાનમાં કામ કરે છે જયારે ફૈઝલ બુટના શોરૂમમાં કામ કરે છે અને રાશીદ એ દરજી કામ કરે છે પરંતુ તે કોમ્પ્યુટરનો નિષ્ણાંત માનવામાં આવે છે. આ ત્રણેયએ હવે કોના ઈશારે હત્યાનું ષડયંત્ર રચ્યું તે અંગે તપાસ થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનું કાવતરુ દુબઈમાં ઘડાયું હતું. ગુજરાત પોલીસ તથા યુપી પોલીસ હવે ત્રણેય લોકોની પુછપરછ કરીને વધુ માહિતી મેળવશે. આ ઉપરાંત યુપીમાંથી બે મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે.
સુરતથી જ પિસ્તોલ ખરીદવામાં આવી હતી
યુપીના હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યામાં ઉતરપ્રદેશ પોલીસે દાવો કર્યો હતો કે આ હત્યાનું ષડયંત્ર દુબઈમાં રચાયુ હતું. લખનૌમાં હત્યા થઈ અને ગુજરાત એટીએસ એ કરેલી તપાસમાં સુરતમાંથી જ ચાકુ અને દેશી તમંચા જેવી પિસ્તોલ ખરીદાઈ હતી. ષડયંત્રકારો બે મહિના પહેલા દુબઈ ગયા હતા અને ત્યાંથી બે હત્યારાને રોકવામાં આવ્યા હતા. સુરતમાંથી મીઠાઈ ખરીદનાર બંને શુટર છે અને તેમની શોધ ચલાવાઈ રહી છે.
કમલેશ તિવારીની હત્યા માટે રૂા.51 લાખનું ઈનામ જાહેર કરનાર બે મૌલાના પણ ગીરફતાર
તિવારીએ મહમદ પૈગમ્બર સાહેબ અંગે અણછાજતા વિધાનો કરતા ટારગેટ બન્યા હતા
ઉતરપ્રદેશના પાટનગરમાં હિન્દુ મહાસભાના પુર્વ નેતા કમલેશ તિવારીની હત્યામાં ઉતરપ્રદેશ પોલીસે બે મૌલાનાઓની પણ ધરપકડ કરી છે. મૌલાના અનવારુલ હકક તથા મુફતી નઈમ કાશમીની ધરપકડ કરવામાં આવી છે.
2015માં અનવારુલ એ કમલેશ તિવારીનું માથુ વાઢી લાવનાર પર રૂા.51 લાખનું ઈનામ જાહેર કર્યુ હતું. તિવારીએ મહમદ પૈગમ્બર સાહેબ અંગે કોઈ અપમાનજનક વિધાનો કરતા તેની સામે હત્યાનો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો અને માનવામાં આવે છે કે આ બંને મૌલાનાએ જ દુબઈમાં તેમના કોન્ટેક મારફત હત્યાનું ષડયંત્ર રચ્યું હશે. જો કે આ મામલામાં તિવારીને ભાજપના એક નેતા શિવકુમાર ગુપ્તા સાથે જમીન અંગે પણ વિવાદ ચાલતો હતો. પોલીસ તે એન્ગલથી પણ તપાસ કરી રહી છે.
કોઈ આતંકી સંગઠનની ભૂમિકા નથી: ડીજીપી
ઉતરપ્રદેશ પોલીસના વડા ઓ.પી.સિંહે આજે એક પત્રકાર પરિષદમાં આ હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનું જણાવીને ઉમેર્યુ હતું કે હત્યા કરનાર બંને લોકોની ઓળખ મેળવાઈ રહી છે પરંતુ તે હજુ પકકડથી બહાર છે. તેમણે આ હત્યામાં કોઈ આતંકી સંગઠનની ભૂમિકા નકારી હતી અને કહ્યું કે સ્થાનિક સ્તરે જે વિખવાદ હતો તેમાં જ આ હત્યા થઈ છે.


Loading...
Advertisement