સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીના મીની-વેકેશનમાં ધસારો થશે: રોજ 40,000 પ્રવાસી ઉમેરવાનો અંદાજ

19 October 2019 11:17 AM
Ahmedabad Business Gujarat Saurashtra
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીના મીની-વેકેશનમાં ધસારો થશે: રોજ 40,000 પ્રવાસી ઉમેરવાનો અંદાજ

પ્રવાસીઓમાં આકર્ષવા માટે નવી સુવિધા અને વધારાની વ્યવસ્થા ગોઠવાઈ: 80 ટકા ઓનલાઈન બુકીંગ થઈ ગયા: 500 જવાનો તૈનાત : ડબલસીટર સાયકલ તથા નર્મદા ડેમમાં બોટીંગની સુવિધા: 31 ઓકટોબર પછી જંગલ સફારી-ન્યુટ્રીશન પાર્ક ખુલ્લા મુકાશે

અમદાવાદ તા.19
દિપાવલીના તહેવારોને આડે માંડ એકાદ સપ્તાહ બાકી રહ્યું છે અને મીની વેકેશનમાં પ્રવાસ-ફરવાનો ટ્રેન્ડ છે ત્યારે રાજયમાં સૌથી મોટુ આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યાના સંકેત છે. તહેવારોની રજા દરમ્યાન દરરોજ 40000 પ્રવાસીઓ ઉમેરવાનો અંદાજ છે.
પ્રવાસન વિભાગના સૂત્રોએ કહ્યું કે દર્શક ગેલેરીના 80 ટકા બુકીંગ થઈ ગયા છે. દિવાળી પુર્વે જ ઓનલાઈન બુકીંગ હાઉસફુલ થઈ જવાનો અંદાજ છે. સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે બંધ રાખવામાં આવતુ હોય છે. પરંતુ તહેવારો-પ્રવાસીઓના ધ્યાને રાખીને આ વખતે તા.28મીના સોમવારે ખુલ્લુ રાખવામાં આવનાર છે.
નર્મદા જીલ્લાના કેવડીયાનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી આકર્ષક પ્રવાસધામ બની જ ગયુ છે. વિશ્ર્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમા ઉપરાંત કેકટસ ગાર્ડન, બટરફલાઈ પાર્ક તથા એકતા નર્સરીનું પણ જબરુ આકર્ષણ છે. 31મી ઓકટોબર પછી જંગલ સફારી તથા ન્યુટ્રીશન પાર્ક પણ ખુલ્લા મુકવામાં આવનાર છે.
પ્રવાસીઓમાં આકર્ષણ ઉભુ કરવા માટે બે સીટની સાયકલ પણ મુકવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડાયરેકયર રાજીવ ગુપ્તાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ ડેમ પર પણ જાય છે. ડેમમાં બોટીંગ સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે. દિવાળી પુર્વે જ શરૂ કરી દેવામાં આવશે.
દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસીઓના સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને બસની સંખ્યા 40થી વધારીને 80 કરવામાં આવી છે. પાર્કિંગની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.
3000 વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા થઈ છે. સ્વચ્છતા માટેના તથા પીવાના પાણીના પણ વિશેષ પગલા લેવામાં આવ્યા છે. 40000 પ્રવાસીઓ આવવાની ગણતરીને ધ્યાને રાખીને 200 ટ્રાફીક જવાનો સહીત 500 પોલીસ કર્મીઓને તૈનાત રાખવામાં આવશે.
1થી5 નવેમ્બર દરમ્યાન અર્ધલશ્કરીદળોની પરેડ અને પ્રદર્શન પણ યોજાશે.


Loading...
Advertisement