ધોરાજીમાં ડેંગ્યુના પોઝીટીવ કેસોના આંકડા જાહેર કરવામાં આરોગ્ય વિભાગની જાદુગરી

14 October 2019 12:01 PM
Dhoraji Health Saurashtra
  • ધોરાજીમાં ડેંગ્યુના પોઝીટીવ કેસોના આંકડા જાહેર કરવામાં આરોગ્ય વિભાગની જાદુગરી

પાલિકાના ઉપપ્રમુખ સહિતના અનેક નામો યાદીમાંથી ગાયબ : ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નિકળેલો આરોગ્ય વિભાગ!

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)
ધોરાજી તા.14
ધોરાજીમાં આરોગ્ય વિભાગ દ્વારા ડેંગ્યુ પોઝીટીવ ના કેસો જાહેર કર્યા છે. જેમાં જાદુગરી વાપરી અને જાહેર કરાયેલ યાદી માંથી અમુક નામો ચમત્કારિક રીતે ગાયબ થઇ જવા પામ્યા છે. ધોરાજી માં પાંચમા મહિનાથી ડેન્ગ્યુના કેસ ડિટેકટ થવા લાગ્યા હતા. જે પ્રતિમાસ ક્રમશ વધતા ગયા. 20/5/19 થી શરૂ થયેલ ડેન્ગ્યુ નો રોગચાળો ખુબજ વધતો ગયો. દર મહિને ડેન્ગ્યુના પોઝિટિવ કેસની સંખ્યા વધતી ગઈ. અને ડેંગ્યુએ સમગ્ર શહેરમાં ભરડો લીધો.
આરોગ્ય વિભાગના ડેંગ્યુ પોઝિટિવ કેસના આંકડા જોઈએ તો 20/5/19 થી 10/10/19 સુધીમાં 268 કેસ પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. જોકે આ આંકડા ખોટા હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે. કારણકે પોઝીટીવ ડેંગ્યુની યાદીમાં નગરપાલિકાના ઉપ પ્રમુખ મકબુલભાઇ ગરાણા અને તેમના પુત્રનું નામ નથી. આ બન્ને પિતા પુત્રને આઈ.સી.યુ.માં દાખલ કરી પ્લેટલેટ (ત્રાકણ) ચડાવવા પડેલ હતા. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે. પી. માવાણી ના માતાને પણ ગંભીર હાલતમાં પ્લેટલેટ ચડાવ્યા હતા.મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોઝભાઈ સહિત અનેક ડેન્ગ્યુના દર્દીઓના નામ આરોગ્ય વિભાગ ની યાદીમાં જ નથી. તો આ લોકોએ સારવાર શેની કરાવી હશે?
આરોગ્ય વિભાગ પોતાની નિષ્ફળતા છુપાવવા ડેંગ્યુનો સાચો આંકડો જાહેર કરતું ન હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં ધોરાજી ની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા જગ્યા મળતી નથી. સરકારી હોસ્પિટલમાં રોજની સાતસો પેશન્ટની ઓ. પી. ડી. હોય બે બે યુવાન જિંદગી ડેન્ગ્યુના કારણે મોતને ભેટી છતાં આરોગ્ય વિભાગ સમયસર પગલાં લેવામાં નિષ્ફળ રહેતા શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ વધારે વકરી હતી.
ખાનગી ડોક્ટરોના જણાવ્યા મુજબ રોજ ના 5 થી વધારે ડેંગ્યુ ના પોઝિટિવ કેસ છેલ્લા ત્રણ મહિનાથી બે થી ત્રણ હોસ્પિટલમાં નોંધાઇ છે. તો એ આંકડો 500 થી 700 જેવો થાય..છતાં આરોગ્ય વિભાગ હજુ પોતાની બેદરકારી ઢાંકવા મથી રહ્યું છે.
વિશેષ મળતી માહિતી મુજબ હાલ આરોગ્ય વિભાગ પોરા નાબુદી માટે વધારે ટિમો બનાવવા હંગામી ધોરણે રોજના વ્યક્તિદીઠ 140 રૂપિયા
લેખે ચૂકવી માણસો રાખવા પ્રયત્નો કરે છે. જો આવો પ્રયત્ન થોડા સમય પૂર્વે કરાયો હોત તો શહેરમાં રોગચાળો આટલા પ્રમાણ માં વિસ્તર્યો ન હોત.. આરોગ્ય વિભાગ પણ ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા નીકળ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.


Loading...
Advertisement