હવે GST ડીફોલ્ટરો-ટેકસ ચોરોનુ આવી બનશે: ઘડાતો એકશન પ્લાન

14 October 2019 11:42 AM
India
  • હવે GST ડીફોલ્ટરો-ટેકસ ચોરોનુ આવી બનશે: ઘડાતો એકશન પ્લાન

નવો કાયદો હોવાથી અત્યાર સુધી હળવાશ રાખી પણ હવે કડક પગલાની તૈયારી : આવતીકાલે ખાસ પેનલની મહત્વપૂર્ણ બેઠક: ઈનપુટ ટેકસ ક્રેડિટના ખોટા દાવા તથા રીટેઈલ સ્તરે ટેકસ ચોરીના મુખ્ય પડકાર સામે રણનીતિ ઘડાશે

નવી દિલ્હી તા.14
જીએસટીની વસુલાતમાં સતત ઘટાડો તથા તેની ક્ષતિઓ વિશે ઉઠવા લાગેલા સવાલો વચ્ચે હવે કેન્દ્ર સરકારે ટેકસ ડીફોલ્ટરોની ગરદન પકડવાનો વ્યુહ અપનાવ્યો છે. નવી ટેકસ સિસ્ટમની છટકબારીઓનો લાભ લઈને કૌભાંડ આચરનારા અથવા ટેકસ નહીં ચુકવનારા કરદાતાઓને સાણસામાં લેવાનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
જીએસટી વસુલાત 19 મહિનાના તળીયે પહોંચી ત્યારે ફ્રોડ ડિટેકશન સોફટવેરની મદદથી ઓલખાયેલા ટેકસ ડીફોલ્ટરો પર ત્રાટકવા માટેનો વ્યુહ ઘડવા માટે સરકારીપેનલની આવતીકાલે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. 12 સભ્યોની ખાસ પેનલની બેઠકનું નેતૃત્વ મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડે કરશે.
કેન્દ્ર સરકારના આધારભૂત સૂત્રોએ કહ્યું કેજીએસટી કાયદો નવો હોવાના કારણોસર સરકારે અત્યાર સુધી હળવાશ રાખી હતી. પરંતુ વસુલાત અપેક્ષિત થતી ન હોવાના કારણોસર હવે વલણ આકરુ બનાવવાનો વ્યુહ અપનાવ્યા સિવાય વિકલ્પ નથી. હવે ટેકસ ડીફોલ્ટરો-ટેકસચોરો સામે કેવી રણનીતિ ઘડવી તે વિશે કાલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ટેકસ ડીફોલ્ટરો-ટેકસચોરો સામે આંકડાકીય રીપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ પેનલ વિવિધ રણનીતિ ઘડીને 15 દિવસમાં જીએસટી કાઉન્સીલને રીપોર્ટ આપશે.
કરવેરા નિષ્ણાંતોએ એમ કહ્યું કે રીટેઈલ સ્તરે ટેકસ ચોરી તથા વેપાર ઉદ્યોગકારો દ્વારા ઈનપુટ ટેકસ ક્રેડીટના બોગસ દાવા સૌથી મોટા પડકાર છે. ઈનપુટ ટેકસ ક્રેડીટના બોગસ દાવા રોકવા માટે કેટલાક પગલા લેવામાં આવ્યા હોવા છતાં તે હજુ ઘણા અપુરતા છે. નવી રીટર્ન ફાઈલીંગ પ્રક્રિયા એપ્રિલ 2020થી લાગુ થવાની છે. ટેકસ ચોરી રોકવા માટે જાન્યુઆરી 2020થી ઈ-બીલીંગ સિસ્ટમ પણ લાગુ થવાની છે.
જીએસટી તંત્ર દ્વારા વેપાર ઉદ્યોગકારોના આવકવેરા રીટર્ન ફંફોળવાનું શરૂ કરી દેવામાં આવ્યું જ છે. જીએસટી રીટર્ન સાથે ચકાસણી કરવામાં આવી રહી છે. બોગસ ટેકસ ક્રેડીટ પકડવાનો ઉદેશ છે. આના આધારે ટેકસ ચોરી કૌભાંડ પકડવામાં આવશે.

રીટર્ન ફાઈલીંગની નવી પ્રક્રિયા સાથેનું વર્ઝન 22મીએ લોંચ થશે
જીએસટી રીટર્ન ફાઈલીંગ પ્રક્રિયા સરળ બનાવવાના ઉદેશ સાથે જીએસટી નેટવર્ક આગામી 22મી ઓકટોબરે નવુ વર્ઝન લોન્ચ કરશે.
જીએસટીએમના સીઈઓ પ્રકાશકુમારે કહ્યું કે 22મીએ જીએસટી રીટર્ન ફાઈલીંગની નવી પ્રક્રિયા લોન્ચ કરાશે. તેમાં વેપાર ઉદ્યોગકારોના અનેકવિધ સૂચનોને આવરી લેવામાં આવ્યા છે.
જીએસટી હેઠળ હાલ 1.23 કરોડ વેપારીઓ નોંધાયેલા છે. ટેકસ ચોરી રોકવા માટે વેપારીઓના ટર્નઓવરના આંકડા ઈન્કમટેકકસ પાસેથી મેળવવામાં આવી રહ્યા છે. કરદાતાઓના ખર્ચમાં કાપ થાય તેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


Loading...
Advertisement