બેદરકારી અને ભ્રષ્ટાચાર: મનપાના સાહેબો દૂધે ધોયેલા!?

09 October 2019 08:03 PM
Rajkot
  • બેદરકારી અને ભ્રષ્ટાચાર: મનપાના સાહેબો દૂધે ધોયેલા!?

પીજીવીસીએલ અને 108ના સ્ટાફ સામે કલાકોમાં પગલા પણ વર્ષે 2000 કરોડ વાપરતા કોર્પો.ના અધિકારીઓને લીલાલહેર : દર વર્ષે કરોડોના રસ્તાના ધોવાણ, ડ્રેનેજ સીસ્ટમ ફેઈલ, પાણી અને સ્ટ્રીટલાઈટની સેવામાં ધાંધીયા.. : કરોડોના પ્રોજેકટથી માંડી રોડ પર ભરાયેલા રહેતા પાણીમાં બેદરકારી છતા ‘એકશન’નો ઈતિહાસ ટૂંકો : પ્રજાના કરવેરાના કરોડો રૂપિયાનો વ્યય પણ પગલા લેવા જોઈએ 56ની છાતી: શાસકોનું શરણુ મોટા આશિર્વાદ

રાજકોટ તા.9
રાજકોટ શહેરમાં ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતે સરકારી કચેરીઓમાં દોડધામ બાદ હલચલ પણ મચાવી દીધી છે. મવડીમાં આવાસ યોજનાના લોકાર્પણ વખતે થોડી સેક્ધડ માટે વીજળી ગુલ થતા બેદરકારી ગણીને ઈજનેરની છેક કચ્છ બદલી કરી દેવામાં આવી છે તો 108ની સેવામાં બેદરકારી બદલ જીલ્લાના વડા એવા કલેકટરે તપાસ શરૂ કરાવી છે. આવી ઘટનાઓ આમ તો રોજીંદી છે પરંતુ બન્ને ઘટના મુખ્યમંત્રી સાથે જોડાયેલી હોય અમલદારોએ તત્કાલ પગલા લીધા છે. હવે આ સામે જ સરકાર અને ભાજપ શાસકોના પ્રતિનિધિઓની મુખ્ય બેઠક જેવા મહાપાલિકા તંત્ર દ્વારા વર્ષે કરવામાં આવતા અબજો રૂપિયાના વિકાસ કામો, તેમાં કરવામાં આવતા ભ્રષ્ટાચાર, રોડથી માંડી જુદી જુદી સેવાઓમાં પ્રજાના નાણાના વેડફાટ બદલ કયારેય કોઈ અધિકારી કે ચૂંટાયેલા વ્યકિત સામે પગલા લેવામાં આવ્યાનો ઈતિહાસ નથી.
મહાપાલિકા દર વર્ષે 2001 કરોડ જેવું બજેટ બનાવે છે. હવે તેમાં સ્માર્ટ સીટીના 1000 કરોડનો ઉમેરો થયો છે. સ્માર્ટ સીટી, સીટી બસ, ગાંધી મ્યુઝીયમ જેવા કામો માટે તો કોર્પો.એ પોતાની ખાનગી કંપની પણ બનાવી છે. કરોડોની જમીનમાં બિલ્ડર સાથે ભાગીદારી કરતી પીપીપી આવાસ યોજના માટે પણ સ્વતંત્ર કમીટી છે. પરંતુ કરોડોના ખર્ચ અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં થતા પાણીઢોલ બદલ કોઈ અધિકારીઓ જવાબદાર ઠરતા નથી તે મનપાની સીન્ડીકેટ વાળી સીસ્ટમના ચેડા દેખાડે છે.
રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્વારા પૂરી પડાતી પ્રાથમિક સુવિધાઓ સામે વર્ષે કોલ સેન્ટરમાં દોઢ લાખ જેટલી ફરિયાદો નોંધાઈ છે. ગઈકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તો ત્રણ ચાર સેક્ધડ માટે જ લાઈટ ગઈ હતી. તો 108 એમ્બ્યુલન્સ અગાઉ પણ ગોટે ચડી હશે. પરંતુ મહાપાલિકાના વહીવટમાં ચાલતી ગોલમાલ તો લગભગ દર અઠવાડીયે અને મહિને છાપરે ચડે છે. ટીપી, આરોગ્ય, ફૂડ, સોલીડ વેસ્ટ સહિતની શાખાઓ ફિલ્ડ અને સીધી પ્રજાને લગતી કામગીરી સાથે જોડાયેલી છે. સફાઈ વ્યવસ્થાપનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વિપક્ષ અવારનવાર કરે છે. ગેરકાયદે બાંધકામો મામલે ટીપી શાખા ઘેરાઈ જાય છે. રોગચાળાના આંકડા છૂપાવતી આરોગ્ય શાખાની ફૂડ વિભાગની કામગીરીમાં કોઠારીયા રોડ પર થયેલા તોડની તપાસ ખુદ વિભાગના ઉચ્ચ અધિકારીએ કરી અને ઢાંકી પણ દીધી.. આ તપાસની વ્યવસ્થા કોર્પો.માં છે.
કરોડો રૂપિયાના ડામરકામના અવારનવાર માલના સેમ્પલ લેવાઈ છે અને ફેઈલ જાય છે. પરંતુ ડામરના રીપોર્ટ નિયમીત જાહેર કરવાની હિંમત આજ સુધી કોઈ કમિશ્ર્નર નિયમીત કરી શકતા નથી. આ કાળા કામ સાથે શાસકો અને વિપક્ષના ઘણા લોકો ડામરમાં જેમ કપચી ભળે તેમ જોડાઈ ગયા છે. આથી પ્રજાના નાણાનો બગાડ થતો હોય તો પણ કોઈ કાઈ બોલતું નથી. પ્રસંગોપાત રાજકીય આક્ષેપબાજી થઈ જાય છે અને વિજીલન્સ રીપોર્ટ ફાઈલ થઈ જાય છે.
પાણીની કોઈ સમસ્યા ન હોવા છતા અનેક વિસ્તારમાં ઓછુ અને દુષિત પાણી મળે છે. ભાંગેલી પાઈપલાઈનમાંથી પાણી જાય તો કોઈની જવાબદારી નથી અને લોકો ફળીયુ ધોવે તો બહાદુર અધિકારીઓ દંડ કરે છે. એલઈડી સ્ટ્રીટલાઈટના ધાંધીયા વધ્યા છે. આ વિભાગના એક અધિકારી અગાઉ લાંચ લેતા પકડાયા હતા. આથી રોશની વિભાગના આ અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા. આમ એસીબી જેવી એજન્સી અધિકારીને પકડે તો જ પગલા લેવાય, બાકી કોઈ ચિંતા નહીં તેવો ઈતિહાસ છે.
ભૂગર્ભના અને વરસાદી પાણી રોડ પર ભરાયેલા છે. સેલરના પાણી ખાલી કરવા બદલ આસામીઓને દંડ કરતું કોર્પો. ઉભરાતી ગટર બદલ કોઈ અધિકારીને જવાબદાર ગણતું નથી. પ્રજાના કરોડો રૂપિયાનો વ્યય થતો રોકવા એકશનની જરૂર હોય છે. આવી હિંમત રાજકોટના કમિશ્ર્નરને અમદાવાદના મ્યુનિ. કમિશ્ર્નર વિજય નેહરા પાસેથી ભાડે મળી શકે છે. રોડ ભાંગવા બદલ તેમણે અધિકારીઓ સામે દાખલા રૂપ પગલા લીધા છે. પરંતુ રાજકીય ડખલબાજી પણ નડતી હોય છે. અંતે તો અધિકારીઓએ તેઓ પ્રજાના સેવક છે કે રાજકીય પક્ષના તે નકકી કરવું પડે. બાકી કરવું હોય તો બધુ થઈ શકે તે ગઈકાલની વીજ અધિકારીની બદલી અને 108 એજન્સી સામે તપાસના કલાકોમાં થયેલા હુકમોની ઘટના પરથી સમજી શકાય છે.


Loading...
Advertisement