મહારાષ્ટ્રમાં ગઠબંધનની મજબૂરી વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા શિવસેનાના મરણીયા પ્રયાસો

09 October 2019 07:02 PM
India
  • મહારાષ્ટ્રમાં ગઠબંધનની મજબૂરી વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા શિવસેનાના મરણીયા પ્રયાસો

ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના કાર્યકર્તાઓની માફી માંગી: સોરી તમને ટિકિટ આપી શકયો નથી : ભાજપ મોદીની ઈમેજ, કલમ 370 અને મરાઠા અનામત મુદે પ્રચાર કરશે: શિવસેનાને તેનો લાભ મળવા અંગે પ્રશ્ર્ન : આગામી વર્ષે દશેરાએ તમે શિવસેનાના મુખ્યમંત્રીને જોશો: સંજય રાઉતના વિધાનથી નવો સંકેત

મુંબઈ તા.9
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ચૂંટણી સમજુતી થઈ છે પરંતુ શિવસેના માટે આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. સૌ પ્રથમ તો શિવસેનાએ બેઠક સમજુતીમાં ફીફટી-ફીફટી ની ફોર્મ્યુલા મુકયા બાદ તેને ભાજપ કરતા ઓછી બેઠકો સ્વીકારવી પડી હતી અને હવે તેણે પોતાની વોટબેન્ક જાળવી રાખવા માટે તથા વધુમાં વધુ બેઠક જીતવા માટે અલગ ફોર્મ્યુલા અપનાવવી પડી છે. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈમેજ ફડનવીસ સરકારની કામગીરી ઉપરાંત કલમ 370ની નાબુદી જેવા મુદાઓ તથા મરાઠા અનામત અને ભાજપની સંગઠન તથા નાણાકીય તાકાતના આધારે મેદાન મારી જશે અને અમિત શાહનો વ્યુહ એ જ છે કે 144 થી થોડી વધુ બેઠક ભાજપ જીતે પછી શિવસેનાને મજબૂત કરી શકાશે અને આથી જ ઉદ્ધવ ઠાકરે ઈમોશ્નલ ઈસ્યુ ચગાવી રહ્યા છે. ગઈકાલે તેણે ભાજપ સાથે ગઠબંધન કર્યા બદલ શિવસેનાના કાર્યકર્તાની માફી માંગી લીધી અને કહ્યું કે જોડાણને કારણે જેઓને ચૂંટણી લડવાની તક નથી મળી તેઓની માફી માંગુ છું. બીજી તરફ શિવાજી પાર્કમાં એક વિશાળ રેલીમાં પક્ષના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે એવું નિવેદન કર્યુ કે આગામી વિજયાદશમીએ તમે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેની બાજુમાં શિવસેનાના મુખ્યમંત્રી બેઠા હોય તે જોઈ શકશો. વાસ્તવમાં ભાજપ અને શિવસેના વચ્ચેના ગઠબંધનમાં મુખ્યમંત્રીપદ ભાજપને મળવાનું છે તે નિશ્ર્ચિત છે પણ શિવસેનાના પ્રવકતાએ કરેલુ વિધાન તોફાની છે. ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદીત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી બની શકે છે પણ મુખ્યમંત્રી પદ સુધીની વાત કરીને સંજય રાઉતે ભાજપની છાવણીમાં પણ તરખાટ મચાવી દીધો છે.
શિવસેનાએ આ ઉપરાંત આરે કોલોનીના વૃક્ષ છેદન મુદે સરકારે પરિણામ ભોગવવા પડશે તેવુ વિધાન કર્યુ છે. તેનો હેતુ પણ મુંબઈમાં આરે મુદે જે આક્રોશ છે તેનો લાભ લેવાનો છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે અવારનવાર મંદી અને રોજગારી મુદે મોદી સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે. તે જોતા ગઠબંધનની મજબૂરી સ્વીકાર્યા બાદ પણ શિવસેના અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે તે નિશ્ર્ચિત છે.


Loading...
Advertisement