જામનગરમાં ડેન્ગ્યુનો ડંખ યથાવત: વધુ 32 દર્દી નોંધાયા

09 October 2019 05:32 PM
Jamnagar
  • જામનગરમાં ડેન્ગ્યુનો ડંખ યથાવત: વધુ 32 દર્દી નોંધાયા

ગ્રામ્ય વિસ્તારના પાચ દર્દીને ડેન્ગ્યું પોઝીટીવ આવતા જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા: રોગચાળા નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા ઉંધે માથે: શહેરના હજુ પણ કેટલાક કોમ્પ્લેક્ષોના પાર્કિંગમાં ભરાયા છે પાણી

જામનગર.તા.9
જામનગરમાં રોગચાળાના કહેર વચ્ચે ડેન્ગ્યુનો આતંક સતત વધતો જાય છે. શહેરી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડેન્ગ્યુના દર્દીઓનો ગ્રાફ સતત વધ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 32 દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જામનગરમાં ડેન્ગ્યુનો કહેર વધુ છે. રોજે રોજ 25 થી વધુ દર્દીઓ ડેન્ગ્યુની બીમારીમાં સપડાય રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી દવાખાનાઓમાં અસંખ્ય દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ રહ્યા છે. શહેરની સરકારી જી.જી. હોસ્પીટલમાં છેલ્લા 24 દરમ્યાન ડેન્ગ્યુના વધુ 32 દર્દી નોંધાયા છે. તાવની સારવાર માટે આવેલા દર્દીઓના લોહીના નમુના લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા જેમાં 32 દર્દીનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી અને મચ્છરજ્ન્ય રોગચાળાએ ઉપદ્રવ મચાવ્યો હોય લોકો માંદગીના બિછાને પડ્યા છે. જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાચ દર્દીને ડેન્ગ્યું પોઝીટીવ આવતા જી.જી. હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ ઉપરાંત તાવ, શરદી અને વાઈરલ ઇન્ફેકશનના પણ અસંખ્ય દર્દીઓથી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. ભેજવાળું વાતાવરણ રહેતું હોય મચ્છરોનો ઉપદ્રવ ઓછો થતો નથી.
આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના ગામડાઓમાં ઘરે-ઘરે સર્વે કરવામાં આવે છે અને પાણી ભરાયેલા ખાડાઓમાં મચ્છરોના લાર્વાનો નાશ કરવા વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. જયારે શહેરમાં પણ જે વિસ્તારોમાં ડેન્ગ્યુના વધુ પોઝીટીવ કેસ છે તેવા વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવો, પત્રિકા, દવાઓ વિતરણ કરવી જેવી કામગીરી કરવામાં આવી રહી છે.
રોગચાળો વકર્યો છે ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી બની છે. ડેન્ગ્યુના મચ્છરો ચોક્ખા પાણીમાં થતા હોય પાણી ભરેલા વાસણો ઢાંકીને રાખવા, આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા વગેરે જેવી સાવચેતી રાખવી જોઈએ.


Loading...
Advertisement