રોગચાળાનાં આંકડા ઢાંકતા કોર્પો.ના પાપે ડેંગ્યુથી 14 વર્ષના વિદ્યાર્થીનું મોત

09 October 2019 04:04 PM
Rajkot Health Saurashtra
  • રોગચાળાનાં આંકડા ઢાંકતા કોર્પો.ના પાપે ડેંગ્યુથી 14 વર્ષના વિદ્યાર્થીનું મોત

ફૂડ સેમ્પલ, પ્લાસ્ટીક, આરોગ્યલક્ષી કામ છૂપાવીને લોકોને અંધારામાં રાખવાનું કરૂણ પરિણામ : કડવીબાઈના પ્રિન્સીપાલ અને કપાસ ટ્રેડીંગના વેપારી આહયા પરિવારના સેન્ટમેરીમાં ભણતા પુત્ર પ્રિયાંશુનું ખાનગી હોસ્પિટલમાં અવસાન: તંત્ર શું કોઈને સસ્પેન્ડ કરશે?

રાજકોટ તા.9
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ધોધમાર અને વિક્રમી વરસાદ બાદ મહાપાલિકાએ ઢાંકી દીધેલા ડેંગ્યુ સહિતના ખતરનાક રોગચાળા વચ્ચે બે દિવસ પહેલા રાજકોટના આહયા પરિવારના 14 વર્ષના પુત્ર પ્રિયાંશુ પ્રદિપકુમાર આહયાનું ડેંગ્યુના કારણે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતા લોહાણા સમાજ સહિતના વર્ગમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા મહિનાથી મનપાએ રોગચાળાને લગતી કામગીરી કાં તો બંધ કરી દીધી છે અથવા લોકો જાગૃત થાય તે પ્રકારે જાહેર કરવાનું ઠપ્પ કરી દીધુ છે. આવા કારણે હકિકતથી દુર રહેતા સેંકડો પરિવારો ડેંગ્યુના ઓથાર હેઠળ આવી ગયાની વિગત પણ બહાર આવી છે.
રાજકોટની જાણીતી કડવીબાઈ વિદ્યાલય પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ ચેતનાબેન અને કપાસના ટ્રેડીંગ સાથે જોડાયેલા પ્રદિપભાઈ આહયાના પુત્રના અવસાનથી વિદ્યાર્થી આલમમાં પણ શોક ફેલાયો છે.
આ ઘટના અંગે બહાર આવેલી હકિકત અને 150 ફૂટ રોડના છેડે આવેલી ખાનગી હોસ્પિટલમાંથી મળેલી વિગત મુજબ કાલાવડ રોડ પર વોર્ડ નં.8માં આવેલી રામધામ સોસાયટી શેરી નં.6માં કપાસના ટ્રેડીંગ સાથે જોડાયેલા વેપારી પ્રદિપભાઈ ત્રિભોવનદાસ આહયા રહે છે. ફૂલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝા બિલ્ડીંગમાં તેમની જીનીંગના વેપારની ઓફિસ છે. તો તેમના પત્નિ ચેતનાબેન ઢેબર રોડ પર આવેલી કડવીબાઈ પ્રા.શાળાના પ્રિન્સીપાલ છે. તેમનો 14 વર્ષનો પુત્ર પ્રિયાંશુ કાલાવડ રોડ પર આવેલી સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.
13 દિવસ પહેલા પ્રિયાંશુને તાવની બીમારી સબબ ઉપરોકત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં તેને ડેંગ્યુના લક્ષણ હોવાનું નિદાન થયું હતું. લાંબી સારવાર છતા તેની તબીયતમાં સુધારો થયો ન હતો અને તા.7ના સોમવારે સાંજે હોસ્પિટલમાં જ પ્રિયાંશુએ અંતિમ શ્ર્વાસ લેતા પરિવાર શોકમાં ડુબી ગયો છે. આ વિદ્યાર્થી સેન્ટમેરી સ્કૂલમાં આશાસ્પદ છાત્ર તરીકે અભ્યાસ કરતો હોય સ્કુલ પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પરિવારના સભ્યો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સોસાયટીમાં બાળકો સાથે પ્રિયાંશુ નિયમીત રમતો હોય છે. આ દરમ્યાન તેને મચ્છર કરડવાથી તાવ આવી ગયાની પરિવારને શંકા થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાતા તેને સારવાર અપાતી હતી. પરંતુ સારવાર કારગત નિવડી ન હતી. આ બનાવથી પૂરો પરિવાર શોકમાં ડુબી ગયો છે.
સામાન્ય રીતે સામાન્ય તાવ આવે ત્યારે પણ મહાપાલિકાની ટીમ દોડીને મેલેરીયાને લગતી કામગીરી કરે છે. પરંતુ આ વિસ્તારમાં હજુ ટીમ ગઈ નથી અને ડેંગ્યુના આ કેસની નોંધ પણ લીધાનું કોઈના ધ્યાનમાં નથી. આમ પણ મહાપાલિકા રોગચાળાના દિવસોમાં લોકો જાગૃત થાય એ રીતે આંકડા કે કામગીરી જાહેર કરવાને બદલે આ આંકડા ફિલ્ટર કરવા અને દબાવી દેવામાં ખાસ પ્રવૃત હોવાનું ખુદ ભાજપના પદાધિકારીઓ સ્વીકારી રહ્યા છે.
ગઈકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં થોડી સેક્ધડ માટે લાઈટ ગઈ તો વીજ અધિકારીની છેક અંજાર બદલી કરી દેવામાં આવી છે. તો તંત્રની બેદરકારી અને લોકોને જાગૃત નહીં રાખવાની બેદરકારી બદલ મુખ્યમંત્રી કાર્યાલય શું રાજકોટ કોર્પો.ના કોઈ અધિકારી સામે સસ્પેન્ડ જેવા પગલા લેવાની સૂચના મોકલશે તે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ તો તંત્ર શહેરમાં હાલત બહુ ગંભીર નહીં હોવાના દાવા કરે છે ત્યારે ઘણા વિસ્તારમાં આ પ્રકારે કોઈના જીવ ગયા નથીને તે પણ તપાસનો વિષય બની ગયો છે.


Loading...
Advertisement