અલગ નામ-ચહેરાઓ સાથે રાવણ મોજુદ છે પણ સરકાર સામનો કરવા તૈયાર : નિતિન પટેલ

09 October 2019 03:39 PM
Bhavnagar
  • અલગ નામ-ચહેરાઓ સાથે રાવણ મોજુદ
છે પણ સરકાર સામનો કરવા તૈયાર : નિતિન પટેલ

ભાવનગરમાં રાવણદહન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત : દહન કરાયું

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.9
ભાવનગર ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે હજારો વર્ષ જૂની હિન્દુ સંસ્કૃતિની યાદ તાજી થાય તેમજ આપણો પૌરાણિક ઇતિહાસ નવી પેઢી ના જીવનમાં ઉતરે તેવા શુભ આશયથી યોજવામાં આવેલ આ કાર્યક્રમ બદલ ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી ને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ હંમેશા આસુરી શક્તિ સામે પવિત્ર શક્તિઓનો તેમજ અસત્ય સામે સત્યનો વિજય થાય છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યારે પણ અલગ નામ અને ચહેરાઓ સાથે રાવણો હાજર છે પરંતુ તેમનું દહન કરવા સરકાર હર હંમેશ સજ્જ છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે પાડોશી દેશ પાકિસ્તાન પણ આસુરી શક્તિનો જ એક ભાગ છે જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલમ 370 હટાવી તેમજ તેના સીમાડામાં જઈ જડબાતોડ જવાબ આપી આ આસુરી શક્તિ પર વિજય મેળવ્યો છે એમ કહી વધુમાં ઉમેર્યું હતું કે રાવણ વિદ્વાન હતો પરંતુ તેનામાં આસુરીવૃત્તિ હતી જેના કારણે તેનું પતન થયું આજના દિવસે આપણે પણ આપણામાં રહેલી નાની મોટી આસુરીવૃત્તિ દૂર કરી સત્યના માર્ગે ચાલીએ.


Loading...
Advertisement