હળવદ તાલુકામાં ત્રણ મારામારી

09 October 2019 02:57 PM
Morbi Crime
  • હળવદ તાલુકામાં ત્રણ મારામારી

યુવાનને છરીના ઘા ઝીંકાયા : બે મહિલાને માર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.9
હળવદ તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ મારામારીના બનાવ બન્યા હતા જેમાં એક યુવાનને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા તો બીજા બે બનાવમાં મહિલાઓને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાન ચોક ખાતે ગરબીનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યા દિનેશભાઈ ત્રિભોવનભાઇ સોનાગ્રા (ઉંમર વર્ષ 26)એ જયેશભાઈ જીવણભાઈ કોળીને ઓટલા ઉપરથી દૂર ઊભા રહેવા માટે કહ્યું હતું જે જયેશભાઇને સારું નહીં લાગતાં તેણે પોતાની પાસે રહેલ છરી દિનેશભાઈને ખભા ઉપર મારી દેતા તેઓને ખભાના ભાગ ઉપર 15 ટાંકા આવે તેવી ગંભીર ઇજા થઇ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને તેની ફરીયાદના આધારે વેણાસર ગામના રહેવાસી જયેશભાઇને પકડવા માટે તજવીજ હાથધરી છે.

મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા સોનલબેન દિલીપભાઈ ગોસાઇએ તેના ઘર પાસે ચંદુભાઈ પ્રભુભાઈ પટેલને ગાળો બોલવાની ના કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. અગાઉ સોનલબેનના પરિવાર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને તેઓને ધોકા વડે સોનલબેનને માર મારી ધમકી આપી હતી જેથી સોનલબેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથધરી છે.

મહિલાને મારમાર્યો
હળવદના ભવાનીનગરમાં રહેતા સુભાનબેન મયુદ્દીનભાઈ ફકીર (ઉં.42) ના દીકરાને મુકેશભાઇ ગોગજીભાઇ કુરીયાના દિકરાએ મારમાર્યો હતો જેથી સુભાનબેન ઠપકો આપવા માટે મુકેશભાઈના ઘરે ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને મુકેશભાઈ, ચંદ્રિકાબેન, જાગૃતિબેન અને રેણુકાબેને સુભાનબેનને ઢીકાપાટુનો માર મારી મુકેશભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Loading...
Advertisement