સરક્રીક-લકીનાળામાંથી ડ્રગ્ઝના વધુ બે પેકેટ મળી આવ્યા

09 October 2019 11:46 AM
kutch Crime Gujarat
  • સરક્રીક-લકીનાળામાંથી ડ્રગ્ઝના વધુ બે પેકેટ મળી આવ્યા

બિનવારસુ બોટ પકડાયા બાદ સર્ચ ઓપરેશન દરમ્યાન મળી આવેલા જથ્થામાં તપાસનો ધમધમાટ

ભૂજ તા.9
પાકિસ્તાનની જળસીમાને અડકીને આવેલા કચ્છના અતિ સંવેદનશીલ ક્રીક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બિનવારસુ બોટ ઝડપાયા બાદ સરહદી સલામતી દળે શરૂ કરેલા સઘન સર્ચ ઓપરેશનમાં ર4 કલાકના સમયગાળામાં ડ્રગ્સના વધુ ર પેકેટ મળી આવ્યા છે.
સીમા સુરક્ષા દળે આપેલી માહિતી પ્રમાણે ક્રીક વિસ્તારમાંથી બિનવારસુ બોટ મળી આવ્યા બાદ સતર્કતાના ભાગરૂપે અને બોટમાં કોઈ ઘુસણખોર હતા કે કેમ તે માટે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી દરમ્યાન બીએસએફના જવાનોને લક્કી નાળામાંથી ગત રાત્રે એક ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું, જ્યારે આજે સવારે ક્રીક વિસ્તારમાંથી બીજું એક ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે. આમ ર4 કલાકમાં બીએસએફને ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા છે. ડ્રગ્સના પેકેટ મળ્યા બાદ તેની તપાસ હાથ ધરાશે. અગાઉ ઝડપાયેલા ડ્રગ્સના પેકેટ અંગે ડીઆરઆઈ અને પોલીસ દ્વારા તપાસ આદરાઈ છે ત્યારે આ જથ્થો સંબંધીત એજન્સીઓને સોંપવામાં આવશે.
વધુમાં જે બે બિનવારસુ બોટ મળી આવી હતી તેને અને આ ડ્રગ્સના પેકેટને કોઈ સંબંધ નથી. ઉલ્લેખનીય છે કે, કોસ્ટગાર્ડ દ્વારા ગત મે ર019માં પાકિસ્તાની અલમદીના બોટ દ્વારા ભારતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવાની પેરવી કરાઈ હતી, પરંતુ કોસ્ટ ગાર્ડે બોટમાંથી એક હજાર કરોડનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું. ડ્રગ્સ સ્મગલરો અને કેરિયર્સોએ એજન્સીઓને જોઈ કેટલાક પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા, ત્યાર બાદ પોલીસ અને બીએસએફ દ્વારા જે તે વખતે ડ્રગ્સના પેકેટ શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ, પરંતુ દરિયો તોફાની બનતા અને વાયુ વાવાઝોડાને કારણે સર્ચ ઓપરેશન પડતું મુકાયું હતું, ત્યાર બાદ પણ અવારનવાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે ફરી એક વાર બીએસએફને છેલ્લા ર4 કલાકમાં ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા છે.


Loading...
Advertisement