હાર્દિક ઝહિરખાનને જન્મ દિવસે શુભકામના પાઠવી કે ટિકા કરી?

09 October 2019 11:24 AM
Sports
  • હાર્દિક ઝહિરખાનને જન્મ દિવસે શુભકામના પાઠવી કે ટિકા કરી?

હાર્દિક પંડયાએ ફરી લખણ ઝળકાવ્યા : હાર્દિકની હરકતથી ફેન્સ નારાજ

નવી દિલ્હી તા.9
અવારનવાર વિવાદમાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડયાએ ક્રિકેટર ઝહિરખાનનાં 41 માં જન્મદિવસે જન્મદિવસની શુભકામના વિવાદાસ્પદ ભાષામાં આપતાં યુઝર્સ નારાજ થયા હતા અને પંડયાને યુઝર્સે લખ્યુ હતું કે હાર્દિક ભલે ગમે તેટલો મોટો માણસ બની જાય પણ તે કોઈનું માન રાખવાનું કયારેય નહિં શીખે.
આ અંગેની વિગત એવી છે કે ઝહિરખાન જેવા સન્માનિત ક્રિકેટરનાં 41 માં જન્મદિને શુભકામના આપતા હાર્દિક પંડયાએ એક વિડીયો સાથે કેપ્શનમાં લખ્યુ "હેપ્પી બર્થ-ડે જેક...આશા છે કે આપ પણ પાર્કની બહાર આ રીતે હિટ કરશો’ આ વિડીયોમાં ઝહિરખાનની બોલ પર પંડયા સિકસર મારી રહ્યો છે આ વિડીયો કોઈ આઈપીએલ સીઝનનો છે.
પંડયાની આ પ્રકારની વીશથી અનેક ફેન્સ નારાજ થઈ ગયા અનેક યુઝર્સે લખ્યુ હાર્દિકે ઝાહિર માટે સન્માન દેખાડવુ જોઈતુ હતું અને યુઝર્સે યાદ દેવડાવ્યુ કે ઝહિરખાને 2011 ના વર્લ્ડ કપમાં 21 વિકેટ લીધી હતી. કેટલાંક યુઝર્સે ‘કોફી વીથ કરન’ની કોન્ટ્રોવર્સીને યાદ કરીને લખેલું કે હાર્દિક ભલે ગમે તેટલો મોટો માણસ બને, પણ તે કોઈનું માન રાખતા નહિં શીખે. ઉલ્લેખનીય છે કે ‘કોફી વીથ કરન’માં હાર્દિકે મહિલાઓને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી.


Loading...
Advertisement