ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ છોડી દઈશ: અશોક ગહલોત

09 October 2019 10:18 AM
Rajkot Crime Government Gujarat India Politics
  • ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ છોડી દઈશ: અશોક ગહલોત

અશોક ગહલોતે કહ્યુ, ગુજરાતના લોકો પણ જાણે છે કે રાજ્યમાં દારૂ સરળતાથી મળે છે

જોધપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિશાના પર વળતો હુમલો કરતાં પોતે પડકાર આપ્યો છે. ગહલોતે કહ્યુ કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસોથી દારૂબંધીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે.

ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે : ગહલોત
આ પહેલા 5 ઑક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, દારૂબંધીથી કોઈ ફાયદો નથી થતો. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યુ હતું કે, ગહલોત આવું નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, તેમને માફી માંગવી જોઈએ.

મોદી કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે : રૂપાણી
સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ હતું કે, કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.

જોધપુરમાં અશોક ગહલોતે વિજય રૂપાણીની વાતોનો જવાબ આપી રહ્યા હતા. ગહલોતે વળતો હુમલો કરતાં કહ્યુ કે, રૂપાણી પુરવાર કરી દે કે ગુજરાતમાં દારૂ સરળતાથી નથી મળતો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો ત્યાં દારૂ સરળતાથી મળવાની વાત પુરવાર થઈ તો રૂપાણી પણ રાજકારણ છોડી દે. ગહલોતે કહ્યુ કે, ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.


Loading...
Advertisement