10 ઓકટોબરથી સહેલાણીઓ માટે કાશ્મીરના દ્વાર ખુલશે

08 October 2019 12:34 PM
India Travel
  • 10 ઓકટોબરથી સહેલાણીઓ માટે કાશ્મીરના દ્વાર ખુલશે

પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોવાને પગલે પ્રશાસનનો નિર્ણય : કલમ 370 હટાવવાને પગલે પર્યટકોને આતંકવાદી ખતરાને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ હતી, જે 2 મહિને પાછી ખેંચાશે

શ્રીનગર તા.8
જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવા ઉત્સુક પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ છે. જમ્મુ-કાશ્મીરમાં હાલત ઝડપથી સામાન્ય થઈ રહી છે ત્યારે રાજય પ્રશાસન સહેલાણીઓને ઘાટી છોડવા અને ત્યાં ન જવા સંબંધી એડવાઈઝરીને લગભગ બે મહિના પછી પાછુ ખેંચી રહ્યુ છે અને 10મી ઓકટોબરે આ સિકયોરીટી એડવાઈઝરી પાછી ખેંચાઈ જશે ત્યારે પર્યટકો ફરી કાશ્મીરમાં ફરવા જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના ત્રણ દિવસ પહેલા એટલે કે 2 ઓગષ્ટે એડવાઈઝરી જાહેર કરીને પર્યટકોને ઝડપથી કાશ્મીરની ખીણ છોડી જવાનુ કહેવામાં આવ્યુ હતુ. ત્યારે આતંકી ખતરાનુ કારણ બતાવાયુ હતુ.
જમ્મુ-કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે ખીણમાં ગૃહ વિભાગ તરફથી જાહેર ટ્રાવેલ એડવાઈઝરી હટાવવાનો નિર્દેશ આપ્યો છે અને આ નિર્દેશ 10મી ઓકટોબરથી લાગુ પડશે.

Image result for Kashmir tourists
દરમ્યાન ઉપરોકત મામલે ગવર્નર મલિકે સોમવારે સિકયુરીટી રિવ્યુ મીટીંગ કરી હતી. જેમા સલાહકારો અને મુખ્ય સચિવ પણ સામેલ થયા હતા.
બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીર હંમેશા કેન્દ્રશાસિત પ્રદેશ નહી રહે, ત્યાં પરિસ્થિતિ સુધર્યા બાદ તેને રાજયનો દરજજો અપાશે. શાહે વધુમાં જણાવ્યુ હતુ કે કાશ્મીરમાં 196માંથી માત્ર 10 પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં કલમ 144 લાગી છે. કઠોર પરંતુ ખરો નિર્ણય લેવા પર ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે ઘેરાઈ જવાના ડરની પરવાહ કર્યા વિના લોકોના હિતમાં સાહસિક નિર્ણય લેવો જરૂરી છે અને તેમણે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કલમ 370 ઉપર લેવાયેલા નિર્ણયનો હવાલો આપ્યો હતો.


Loading...
Advertisement