ડિસ્લેક્સિયા મુશ્કેલી હોઈ શકે, મનોરોગ નહીં!

07 October 2019 06:22 PM
Health
  • ડિસ્લેક્સિયા મુશ્કેલી હોઈ શકે, મનોરોગ નહીં!
  • ડિસ્લેક્સિયા મુશ્કેલી હોઈ શકે, મનોરોગ નહીં!

ખો ન જાએ યે, તારે ઝમીં પર : આલ્બર્ટ આઇન્સ્ટાઇન, ગ્રેહામ બેલ, લિયોનાર્ડો દ વિન્ચી, રિચાર્ડ બ્રાન્સન, વોલ્ટ ડિઝની સહિત કેટલાય સાયન્ટિસ્ટ્સ, આર્ટિસ્ટસ, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ તથા અન્ય ક્ષેત્રોના મહાનુભાવો ડિસ્લેક્સિયાનો ભોગ બન્યા હતાં : ડિસ્લેક્સિયાને શરૂઆતી કાળમાં ‘વર્ડ બ્લાઇન્ડનેસ’ (શાબ્દિક અંધાપો) તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાં શબ્દો પારખવાની ક્ષમતામાં મુશ્કેલી થાય. વ્યક્તિ આંકડાઓ અને બારાખડીના અક્ષરોને ઊંધા-ચત્તા લખે!

આલેખન
પરખ ભટ્ટ

આજથી 100-150 વર્ષ પહેલા ગ્રીસનાં બે ડોક્ટર્સ જ્યારે પોતાની હોસ્પિટલમાં એક દર્દીનો ઈલાજ કરી રહ્યા હતાં, એ વખતે કંઈક એવું બન્યું જેણે આધુનિક જગતને ડિસ્લેક્સિયાનો પરિચય કરાવ્યો! ઘટના એ હતી કે, તેમના દર્દીને અકસ્માતમાં માથાની ઈજા થઈ. ઓપરેશન બાદ જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેની વાંચવા-લખવાની સમજણ અચાનક ગાયબ થઈ ગઈ! બંને ડોક્ટર્સ વિમાસણમાં પડી ગયા કે આવું કેવી રીતે શક્ય છે? એક્સિડન્ટ પહેલા બધું જ નોર્મલ, અને બાદમાં એકાએક તેની અક્ષર-આંકડા-શબ્દો-વાક્યો સમજવાની ક્ષમતા કઈ રીતે ક્ષીણ થઈ જાય?

આજથી વિશ્ર્વભરમાં ‘ડિસ્લેક્સિયા-વીક’ શરૂ થઈ રહ્યું છે. દર વર્ષે 7 થી 14 ઓક્ટોબર સુધી દુનિયાના મોટાભાગના દેશોમાં ડિસ્લેક્સિયા પરત્વે જાગૃતિ ફેલાવવા માટે આ સાત દિવસ સુધી અલગ અલગ અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને યુનાઇટેડ કિંગ્ડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં! ભારત વિકાસશીલ દેશ હોવા છતાં એકવીસમી સદીમાં ભારતીયો ડિસ્લેક્સિયા વિશે અપૂર્ણ માહિતી ધરાવે છે. કેટલાક શહેરો અને ગામડાંઓમાં તો હાલત એટલી ખરાબ છે કે લોકોને ડિસ્લેક્સિયા જેવો કોઈ શબ્દ અસ્તિત્વમાં છે એ વિશે જ જાણ નથી! રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ડિસ્લેક્સિક બાળકો માટે ઉમદા કામ કરી રહેલા ડો.દીપા રાજા સાથેની વાતચીત દરમિયાન માહિતી મળી કે, ડિસ્લેક્સિયા એ વાસ્તવમાં બહુ જ મોટી ટર્મ છે. ઇટ્સ એન અમ્બ્રેલા! જેની નીચે બીજા ઘણા પ્રકારની મનોદશાનો સમાવેશ થાય છે.
શું આપણે કોઈવાર વિચાર કર્યો છે કે જ્યારે એક બાળકને પોતાના સહાધ્યાયી જેટલું પરિણામ ન લાવી શકવા માટે મારવામાં આવતો માર તેના મગજ પર કેવી ગંભીર અસર પહોંચાડી શકે છે? શું ક્યારેય આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે નાનકડું પાંચ વર્ષનું બાળક ક્યાંક ડિસ્લેક્સિયાનો શિકાર તો નથી ને? વાસ્તવમાં આવી સ્થિતિ ભૂલકાંઓ માટે અત્યંત પીડાદાયક નીવડે છે. કારણકે તે પોતાની વેદના અને વ્યથા માતા-પિતા સાથે વહેંચી નથી શકતો. તેના મનમાં મેથીપાકનો ડર પેસી જાય છે. એક બાળક, જે સામાન્ય પરિસ્થિતિમાં ખૂબ જ પ્રતિભાશાળી અને તેજસ્વી લાગે છે, તે જ્યારે ભણવા, વાંચવા કે લખવા સમયે પીછેહઠ કરવા લાગે એ અભાવને ડિસ્લેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ, ડિસ્લેક્સિયા વિશેની સાવ સાદી સમજણ!
આજથી શરૂ કરીને આગામી શનિવાર સુધી આપણે ડિસ્લેક્સિયાના લક્ષણોથી માંડીને એ થવાના કારણો અને ઇલાજ સુધીની તમામ ચર્ચાઓ અહીં કરીશું. આજના માટે ફક્ત આટલું જ, વધુ વાતો આવતીકાલે!
bhattparakh@yahoo.com


Loading...
Advertisement