રાવણ વિશ્ર્વાસથી ભરેલો, આશામુક્ત અને દાસત્વ ધરાવતો સંન્યાસી હતો

07 October 2019 10:56 AM
Dharmik
  • રાવણ વિશ્ર્વાસથી ભરેલો, આશામુક્ત અને  દાસત્વ ધરાવતો સંન્યાસી હતો

બાપ ! થોડાં વર્ષો પહેલાં ભગવત કૃપાથી માનસરોવર ખાતે રામકથા થઈ હતી. એ પછી ભુશુંડિસરોવર ખાતે કથા થઇ હતી અને આજે આ ત્રીજી કથા અહીં રાક્ષસતાલમાં થઇ રહી છે. ‘માનસ’ની દૃષ્ટિમાં રાવણ કોણ છે ? એનું દર્શન હું ને તમે સાથે બેસીને કરીએ. આ મહારાજ લંકેશની તપોભૂમિ છે. નવ દિવસો માટે અહીં બેસીને મહારાજાધિરાજ મહાત્મા રાવણની તપસ્થલીમાં બેસી સંવાદ કરશું. કેવો માણસ રહ્યો હશે આ રાવણ ? પૂરી જિંદગી રહે છે દક્ષિણમાં ને સાધના કરે છે ઉત્તરમાં ! એની દિશાની પસંદગી જુઓ. ભોગ દક્ષિણમાં કર્યા અને યોગ ઉત્તરમાં ! આ એની યોગની ભૂમિ છે. અહીં ‘રાક્ષસતાલ’ લખ્યું છે. તાલનો એક અર્થ થાય છે સંગીતનો તાલ. રાવણે જ્યારે અહીં બેસીને શિવતાંડવ ગાયું હશે ત્યારે ખ્યાલ આવે કે તે કેટલો બધો તાલબદ્ધ આદમી હશે ! રાક્ષસનો અર્થ છે જેનામાં રામ પણ હોય અને સીતા પણ હોય. આનો થોડો અર્થ સમજી લઈએ. વિજ્ઞાનમાં એક કિરણનું નામ છે, ક્ષ-કિરણ, એક્ષ રે. કોઈ વાતો એવી હોય છે જે ક્ષ-કિરણોથી જાણી શકાય છે. રાક્ષસ એ છે જેનામાં રામ અને સીતા બંને છે પણ તેને જાણી શકાશે ક્ષ-કિરણોથી. રાવણનું જ્ઞાન અને તેનો ન દેખાતો વિવેક છે તેને જોવા માટે ક્ષ-કિરણોની મદદ લેવી પડે. અહીં હું રાવણને મંડિત કરવા નથી માંગતો પણ સંસારમાં અશુભ થી અશુભ વસ્તુમાંથી પણ શુભને શોધી શકાતું હોય છે. જીન્હ ખોજા તિન્હ પાઈયાં...‘માનસ’ની બે પંક્તિઓ વચ્ચે જે ખાલી જગ્યા છે તેમાં જે શોધશે તેને શુભ મળશે. રાવણનું જીવન લીલા પણ નથી અને ચરિત્ર પણ નથી, ફક્ત જે છે, એ છે. ‘રામચરિતમાનસ’ એને કહે છે જેમાં કોઈ બુરી વાત ન આવે. તો પછી જ્યારે એ ‘રામચરિતમાનસ’ માં જો રાવણની કથા આવે તો એ માણસ બૂરો કેવી રીતે હોઈ શકે ? ‘માનસ’ પ્રેમાંમ્બુપુરં શુભમ, શુભ સિવાય કશું નથી પરંતુ તેને સમજવા ક્ષ-કિરણો જોઈએ.
વિશ્ર્વાસ, આશામુક્તિ અને દાસત્વ, આ તુલસીનાં ત્રણ પગલાં છે. એકવાર બલિની સભામાં વામન આવ્યો હતો જેણે ત્રણ પગલામાં બ્રહ્માંડને માપી લીધું હતું. મને કહેવા દો કે મારા રાજાપુરના તુલસીએ આ ત્રણ શબ્દોમાં જગતની આધ્યાત્મિકતાને માપી લીધી છે ! વામનના ત્રણ પગલાં છે જેનાથી તેણે અધ્યાત્મજગતનાં બ્રહ્માંડને માપી લીધું છે. ગોસ્વામીજી પ્રાસમાં ત્રણ વસ્તુ કહે છે-
बिस्वास करि सब आस परिहरि दास तव जे होई रहे |
जपि नाम तव बिनु श्रम तरहिं भव नाथ सो समरामहे ||
પહેલું સૂત્ર છે- આપણામાં વિશ્ર્વાસ હોય. કેટલાયે લોકો વિશ્ર્વાસ તો રાખે છે પણ આશા પણ રાખે છે કે અમેં તેનામાં આટલો વિશ્ર્વાસ રાખ્યો છે તો એ અમારું આ કામ કરી આપશે ! તુલસી કહે છે કે તમે આશા ફેંકી દો. આપણી સ્થિતિ શું છે કે વિશ્ર્વાસના સુંદર કપડામાં આશારૂપી બદસુરતીને આપણે છુપાવી રાખીએ છીએ. હું એવું નથી માનતો કે વિશ્ર્વાસ નથી. લોકોમાં ખૂબ વિશ્ર્વાસ હોય છે શાસ્ત્રો પર, ધર્મ પર, દેવ-દેવીઓ પર,ગુરુજનો પર, એમનાં વચનો પર, પૂજા-પાઠ પર, કર્મકાંડ પર, પરંતુ આ વિશ્ર્વાસની પાછળ આશા નામનો એક રાક્ષસ છુપાયેલો હોય છે. આપણે શરતી વિશ્ર્વાસ રાખીએ છીએ કે આમ થાય તો વિશ્ર્વાસ રાખશું નહીતર પાછો લઈ લેશું. બ્રહ્મની વાતો આપણે કરીએ છીએ પણ પોષવામાં આવે છે ભ્રમ. બ્રહ્મમાં ભરોસો ક્યાં ? અને આશા, આશા તો કેટલી છે કે આ કરો, તે કરો, પેલું આયોજન કરો...તુલસીદાસજી કહે છે કાચો ઘડો સંન્યાસ બગાડશે.
વામનનું બીજું પગલું છે -આશામુક્તિ. કોઈ આશા નહીં. આશા છોડવી બહુ મુશ્કેલ છે. એને ભજવો અને આશા ન રાખવી એ બહુ મુશ્કેલ છે. કોઈને કોઈ જગ્યાએ આશા આપણને બાંધી દે છે. અને ક્યારેક વિશ્ર્વાસ હોય, આશામુક્તિ હોય તો દાસત્વ નથી હોતું. બુલિયાએ કહ્યું હતું કે મારો ગુરુ શું છે તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી, મારો ગુરુ મારા માટે વિશ્ર્વાસ છે અને મને કોઈ આશા નથી. ક્યારેક ક્યારેક સાધક બે કદમ ઉપર ઊઠે તો તેને તેનામાં કોઈ આશા નથી તેનો અહંકાર આવી જાય છે ! એટલે તુલસી કહે છે કે દાસ બનીને પડ્યો રહે. હા, મેં ભરોસો કર્યો છે,મને કોઈ આશા નથી અને તેનો અહંકાર નથી એથી દાસ બનીને રહું છું. રાવણમાં આ ત્રણે છે. મોટા-મોટા દંડી સંન્યાસીઓમાં મેં આ નથી જોયું. એમની વાક્યાંજલી જોઈએ તો એમ થાય કે આ હા હા શું વાત છે ! ઉપનિષદનું ભાષ્ય થાય છે પણ વિશ્ર્વાસ ક્યાં ? બે ડિગ્રી તાવ આવી જાય તો કાંપવા લાગે છે કે શું થશે ? આશ્રમનું શું થશે ! અને એવી આશા રાખીને બેસે છે કોઈ સેવકગણ આશ્રમમાં એક રૂમ બનાવી આપશે ! અને દાસ તો થવું જ નથી ને ! સ્વામી દાસ તો કેમ બની શકે ? એટલે તો આપણે કહીએ છીએ કે ફલા સ્વામી અને ફલા સ્વામી...દાસ નહીં. એટલે હું કહું છું કે સંન્યાસમાં દંડી સ્વામી એને કહે છે જેનાં હાથમાં દંડ હોય છે. રાવણના હાથમાં એક નહીં પરંતુ દસ શિર અને વીસભુજા- વીસ હાથમાં દંડ છે. રાવણ વીસ ગણો વધારે સંન્યાસી છે. તુલસીદાસજી કહે છે કે ગુલામ થઈને પડ્યો રહે. દાસ થઈને પડ્યો રહે. અને તે ભરોસો કર્યો છે તો છાતી ઠોકી-ઠોકીને જાહેરાત ન કર કે મેં વિશ્ર્વાસ કર્યો છે !
સંકલન: જયદેવ માંકડ


Loading...
Advertisement