નવરાત્રીના પ્રારંભિક બે-ત્રણ દિ’ વરસાદી વિધ્ન શકય; મંગળવાર પછી મેઘવિરામ

28 September 2019 06:24 PM
Rajkot Gujarat Saurashtra
  • નવરાત્રીના પ્રારંભિક બે-ત્રણ દિ’ વરસાદી વિધ્ન શકય; મંગળવાર પછી મેઘવિરામ

સૌરાષ્ટ્ર-કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર બે દિવસથી સક્રિય સરકયુલેશન મજબૂત થઈને લો-પ્રેસર બન્યુ:જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: મંગળવાર સુધી વરસાદ-વરસાદી માહોલ યથાવત રહેશે: અમુક સેન્ટરોમાં 150 મીમી (6 ઈંચ) થી પણ વધુ વરસાદ પડી શકે:1લી ઓકટોબરે વર્તમાન સાઉન્ડ પૂર્ણ થયા બાદ વરસાદનો વિસ્તાર અને માત્રા નોંધપાત્ર ઘટી જશે: ચોમાસાની વિધિવત વિદાયને હજુવાર હોવાનો નિર્દેશ

રાજકોટ તા.28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસતો સાર્વત્રિક વરસાદ હજુ તા.1લી ઓકટોબરને મંગળવાર સુધી યથાવત રહેવાની અને નવરાત્રીના બે-ત્રણ દિવસ વરસાદી વિધ્ન સર્જાવાની શકયતા છે. જો કે, ત્યારબાદ મેઘરાજા વિરામ લેશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે ગત આગાહીમાં સૌરાષ્ટ્ર તથા લાગુ ભાગોમાં સરકયુલેશન છવાવાનુ અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનું સૂચવ્યું હતું. બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છ તથા તેને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કી.મી.ની 5.8 કી.મી.ના લેવલ સુધીનુ અપર એર સાયકલોનિક સરકયુલેશન સક્રિય છે. આ સિસ્ટમ વધુ મજબુત બની છે અને આજે લો-પ્રેસરમાં પરિવર્તિત થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા લાગુ અરબી સમુદ્ર પર જ કેન્દ્રીત છે. આવતા બે દિવસોમાં ગુજરાત તરફ આગળ વધતી રહીને પુર્વ તરફ સરકી જવાની શકયતા છે.
તેઓએ કહ્યું કે અગાઉ જ 1લી ઓકટોબર સુધી વરસાદ રહેવાનું સૂચવ્યું હતું તે મુજબ મંગળવાર સુધી વરસાદ-વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જો કે, સિસ્ટમ મજબૂત બનીને લો-પ્રેસરમાં પરિવર્તિત થઈહોવાના કારણોસર વધુવરસાદવાળા સેન્ટરો પૈકી અમુકમાં 150 મીમી (6 ઈંચ)થી પણ વધુ વરસાદ થઈ શકે છે.
આગાહીના સમય દરમ્યાન પવન ફરતો રહેશે અને કયારેક 25થી35 કિલોમીટર જેવી ઝડપે પવન ફુંકાવાની શકયતા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત સિવાય દક્ષિણ ઉતરપ્રદેશ તથા તેને લાગુ ઉત્તરીય મધ્યપ્રદેશ પર 4.50 કિલોમીટરના લેવલ સુધી અપર હેર સાયકલોનીક સરકયુલેશન સક્રીય છે તેનો ટ્રફ 3.1 કીલોમીટરની ઉંચાઈએ ઝારખંડ તથા પશ્ર્ચિમ બંગાળ થઈને ઉતરપૂર્વિય બંગાળની ખાડી સુધી લંબાય છે.
હવામાન-સિસ્ટમની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ બે-ત્રણ દિવસ વરસાદી વિધ્ન ઉભુ થઈ શકે છે.
અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ દર્શાવતા એમ કહ્યું કે 1લી ઓકટોબરને મંગળવારે વરસાદનો વર્તમાન રાઉન્ડ પૂર્ણ થયા બાદ વરસાદનો વિસ્તાર તથા માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે. મેઘરાજાના વિરામથી સ્થિતિ સર્જાશે. જો કે, ચોમાસાની વિધિવત વિદાયને હજુ વાર છે. કારણ કે સૌપ્રથમ પશ્ર્ચીમ રાજસ્થાનથી ચોમાસુ વિદાય લ્યે છે ત્યાં હજુ પાછુ ખેંચાવાના કોઈ સંકેત નથી ત્યાંથી વિદાય બાદ કચ્છ, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજયના અન્ય ભાગોમાંથી પાછુ ખેંચાય છે.


Loading...
Advertisement