આંસુ લાવી દેતા ડુંગળીના ભાવો, શાકભાજીવાળાઓને પણ નડી મંદી!

20 September 2019 06:32 PM
Rajkot Gujarat Saurashtra
  • આંસુ લાવી દેતા ડુંગળીના ભાવો, શાકભાજીવાળાઓને પણ નડી મંદી!

ડુંગળીના ભાવો કિલોએ 40થી50 રૂપિયા: ચાર વર્ષમાં સૌથી મોટો ઉછાળો : દેશના સૌથી મોટા લાસલગાંવના હોલસેલ માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક ઘટી: યાર્ડમાં માલની આવક છે પણ માર્કેટમાં કોઈ લેવાલ નથી: ઉપરથી આવક ઓછી, વરસાદથી માલ બગડયો હોઈ ભાવ વધ્યા

રાજકોટ તા.20
શાકમાર્કેટમાં આજકાલ ડુંગળીના ભાવે વધુ એકવાર લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે. થોડા દિવસો પહેલા 20 રૂપિયે કિલો મળતી ડુંગળીના ભાવો આજકાલ કિલોના રૂપિયા 40થી 50 થઈગયા છે તો અન્ય શાકભાજીના વધેલા ભાવે મંદીનો માર સહન કરતી પ્રજા પર પડયા પર પાટુ સમાન બન્યા છે. શાકભાજીના છૂટક અને જથ્થાબંધ ધંધો કરતા ધંધાર્થીઓનો એવો સૂર છે કે મંદી અમારા ધંધાને પણ નડી છે. શાકભાજીના લેવાલ ઘટી ગયા છે તો બીજી બાજુ ભારે વરસાદને કારણે પાક ધોવાઈ જવાને કારણે પુરવઠાની અછતના કારણે ડુંગળી સહીત શાકભાજીના ભાવો વધી ગયા છે.
ડુંગળીના ભાવોએ છેલ્લા ચાર વર્ષનો વિક્રમ તોડયો છે. દેશની સૌથી મોટી હોલસેલ માર્કેટ લસલગાંવ એપીએમસીમાં ગુરુવારે ડુંગળીના કવીન્ટલ દીઠ ભાવમાં 1 હજાર વધવાની સાથે ડુંગળીનો 1 કવીન્ટલનો ભાવ હરાજીમાં રૂા.4500 એ પહોંચ્યો છે. 16 સપ્ટેમ્બર 2015માં ડુંગળીનો કવીન્ટલ દીઠ ભાવ રૂા.4300 હતો તો 22 ઓગષ્ટ 2015માં ડુંગળીનો એક કવીન્ટલનો ભાવ રૂા.5700 હતો.
લસલગાંવની હોલસેલ માર્કેટમાં ડુંગળીના વધેલા ભાવે રસોડાને અસર કરી હતી. ગયા અઠવાડીયે નાસીકની રીટેલ માર્કેટમાં ડુંગળીનો કીલોદીઠ 35 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયાએ પહોંચી ગયો હતો.
એપીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના જે વિસ્તારોમાં ડુંગળીનો પાક લેવા છે ત્યાં ડુંગળીની અછત ઉભી થઈ છે. અહીં અન્ય રાજયોમાંથી ડુંગળીની મોટી માંગ રહે છે.
તાજો ખરીફ પાક હજુ અપરિપકવ છે, તેની લણણી સમય લઈ શકે છે, આ પાક બહાર આવ્યા બાદ સ્થિતિમાં ફેર પડશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે લસલગાંવ એપીએમસીમાં ગત મહીને દરરોજ 15000 કવીન્ટલ ડુંગળીની આવક હતી, જેની જગ્યાએ આજે ઘટીને આ આવક માત્ર 10000 થી 12000 કવીન્ટલ થઈ છે. વારસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે નાસિક જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને ડુંગળીની આવકમાં મોટો ફટકો પડયો છે. વરસાદના પાણી ઘણી વાડીઓમાં ઘુસી ગયા હતા, ગઈકાલે ગુરુવારે માત્ર 7000 કવીન્ટલ ડુંગળીની આવક હતી તેમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.
જો કે માત્ર ડુંગળીના જ ભાવો નહીં અન્ય શાકભાજીના વધેલા ભાવોએ રસોડાને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભોજનની થાળીમાં શાકભાજી ઘટી ગયા છે.
આ અંગે રાજકોટના ડુંગળી, બટેટાના વેપારી કાંતિભાઈ સોલંકી હૈયાવરાળ ઠાલવતા કહે છે કે ડુંગળી અને શાકભાજીના વધેલા ભાવ અને મંદીએ અમારા ધંધાને ચોપટ કરી નાખ્યો છે. તેઓ વધુમાં જણાવે છે ડુંગળીના અહીં કિલોના ભાવ રૂા.40 છે. ઉપરથી આવક ઓછી છે. જેથી ભાવ વધુ છે. બીજું, વરસાદ બહુ પડયો હોવાથી આવક ઘટી છે.
કાંતિભાઈ કહે છે મંદીની અસર અમારા ધંધામાં પણ પડી છે. અમારી પાસે માલ છે પણ કોઈ ખરીદવાવાળા નથી.
માર્કેટયાર્ડમાંથી હોલસેલ ભાવે શાકભાજીના ખરીદનારાઓ છે પણ બજારમાં છૂટક ખરીદનારા નથી પાંચ હજાર રૂપિયાનો માલ અમે ખરીદ્યો હોય તો માંડ ત્રણ હજારનો માલ વેચાય છે. યાર્ડમાં અમને મળતા માલમાં કિલોએ માત્ર 5 રૂપિયા જ મળે છે.
કાંતિભાઈ જેવી જ રાવ શાકભાજીના ધંધાર્થી કીશોરભાઈ પટેલ કરે છે તેઓ કહે છે જોઈએ તેવી ઘરાકી નથી. માર્કેટયાર્ડમાં જથ્થાબંધ શાકભાજી વેચવા માટે એક બારી ખોલી હોય તો તે ખરીદવા 50 લોકો લાઈનમાં ઉભા હોય છે પણ જથ્થાબંધ શાકભાજી ખરીદનાર ધંધાર્થીને છૂટક ભાવે શાક વેચવા જાય તો બહુ ગ્રાહકો નથી મળતા.
કિશોરભાઈ કહે છે શાકભાજી ખરીદવામાં પણ ગ્રાહકોને મંદી નડે છે!
ડુંગળીના વધતા ભાવના સંદર્ભમાં કીશોરભાઈએ જણાવ્યું હતું કે ડુંગળીનું ઉત્પાદન ઓછું છે, ઉપરથી માલ ઓછો આવે છે. ડુંગળી સહીત અન્ય શાકભાજીના વધેલા ભાવોના
સંદર્ભમાં કીશોરભાઈ પણ એવું કહેવું છે કે વરસાદને કારણે શાકભાજીની ડુંગળીની આવક નથી.


Loading...
Advertisement