અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાયુ; ડીપ્રેશન બનવાની શકયતા

20 September 2019 05:40 PM
Rajkot Gujarat
  • અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાયુ; ડીપ્રેશન બનવાની શકયતા

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ: વધુ એક લો-પ્રેશર ઉદભવવાની શકયતા; માસાંત સુધી વરસાદી માહોલના સંજોગો

રાજકોટ તા.20
નૈઋત્ય ચોમાસાના હજુ કોઈ એંધાણ નથી અને માસાંત સુધી વરસાદ કે વરસાદી માહોલ યથાવત રહેવાના સંકેત મળતા હોય તેમ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સીસ્ટમ ઉદભવી છે એટલુ જ નહી. વધુ એક નવી લો-પ્રેસર સર્જાવાની પણ શકયતા હોવાનો નિર્દેશ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આપ્યો છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં દીવ-વેરાવળ થી 130 કિલોમીટર દૂર દક્ષિણે લો-પ્રેશર સીસ્ટમ કેન્દ્રીત થઈ છે તે ઉતરીય કોંકણથી 225 કીમી પશ્ર્ચીમે થવા જાય છે. આ લોપ્રેસર સીસ્ટમ આવતા 48 કલાકમાં વેલમાર્ક તથા ત્યારબાદ વધુ મજબૂત થઈને ડીપ્રેસનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સીસ્ટમનો ટ્રેક પશ્ર્ચીમ ઉતર પશ્ર્ચિમ તરફનો છે જેથી વેરાવળથી દ્વારકાની દરિયાઈ પટ્ટીની સમાંતર આગળ વધે તેવી શકયતા છે.
આ સીસ્ટમ મજબૂત બને ત્યારે વાદળસમુહોનો ફેલાવો પણ વધશે અને ગુજરાત પરથી પસાર થઈ શકે અને તેના આધારે વરસાદ થાય.
તેઓએ કહ્યું કે સોમવારની આગાહીમાં દક્ષિણ-મધ્યપુર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જેવા દરિયાકાંઠાના ભાગોમાં હળવો-મધ્યમ વરસાદ થવાનું સૂચવ્યું હતું. હવે પોરબંદર જીલ્લો પણ આ શ્રેણીમાં આવી જશે અને 22મીને બદલે 23મી સુધી કાંઠાળ વિસ્તારોમાં વરસાદની શકયતા છે.
અશોકભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે હજુ બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં બીજુ એક લો-પ્રેસર સર્જાવાની શકયતા છે તેના અનુસંધાને 30 સપ્ટેમ્બર સુધી પણ વરસાદી માહોલ જ રહી શકે તેમ છે. જો કે,વધુ વિગતવાર અપડેટ હવે પછી આપવામાં આવશે.


Loading...
Advertisement