રાજકોટના નવા એરપોર્ટમાં મનપા વિપક્ષી નેતાની જમીન : વધુ વળતર માંગ્યું

18 September 2019 05:25 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટના નવા એરપોર્ટમાં મનપા વિપક્ષી નેતાની જમીન : વધુ વળતર માંગ્યું

એરપોર્ટમાં હજુ સાત હેકટર ખાનગી જમીન સંપાદીત કરવાની બાકી : કિસાનોને રસ્તા-વારસાઇ-કુવાના પ્રશ્ર્ના : એરપોર્ટની જમીનમાં કુવા-ચેકડેમ, મોટાડેમ-વિજળી પોલ, વળતર વધુની માંગ સહિતના ડખ્ખા : ડખ્ખે ચડી જતો પ્રોજેકટ

રાજકોટ તા.18
રાજકોટના અમદાવાદ હાઇવે પર નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જમીન સંપાદનના મુદ્દે વાંધા વચકા વધી જતાં એરપોર્ટનો પ્રોજેકટ વિલંબ સાથે ડખ્ખો ચડી ગયો હોવાનું ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલું છે. રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હજુ સાત હેકટર ખાનગી જમીન સંપાદીત કરવાની બાકી છે. આ જમીનમાં 3 હેકટર ખાનગી જમીન રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની પણ જમીન આવતી હોય તેમણે પોતાની જમીનના વળતર માટે વધુ રકમ માંગી હોય અને આ સંદર્ભે તેમણે રાજકોટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આધાર પુરાવા સાથે રજુઆત પણ કરી હોવાની ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલું છે.
રાજકોટના અમદાવાદ હાઇવે પર હિરાસરમાં 2500 એકર સરકારી જમીન પર ઇન્ટરનેશનલ એરપોર્ટ કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથોરીટીએ મંજૂર કર્યુ છે. જેનું આજથી 3 વર્ષ પહેલા ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ડિજીટલ તકતીથી ખાતમુર્હુત પણ કરી નાંખ્યું છે. આ જમીનમાં હજુ સાત હેકટર ખાનગી કિસાનોની જમીન સંપાદીત કરવાની બાકી છે. જે પૈકીની 3 હેકટર ખાનગી જમીન રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની આવે છે. વશરામભાઇ સાગઠીયાએ પોતાની જમીન બીનખેતી થયેલી હોય તેનું વળતર રાજય સરકારે હાલ 1 ચોરસમીટરના 2200 રૂપિયા નક્કી કરેલા છે. તેની સામે પોતાને આ જમીનમાં પ્રતિ એક ચોરસ મીટરના 3100 રૂપિયા લેખે વળતર ચુકવવુ જોઇએ અને રાજકોટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા અમુક કિસાનોને આ મુજબ વળતર ચુકવી દીધા છે. તેવી પણ રજુઆત કરી પોતાને વધુ વળતર મળવું જોઇએ તેવી રજુઆત કરી છે.
હિરાસરના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ખાનગી ખેડૂતોની જે જમીન સંપાદીત કરવાની થાય છે તેમાં અમુક ખેડૂતોને પોતાના કુવા તેમજ વારસાઇ એનટ્રી સહિતના પ્રશ્ર્નો ઉભા છે. તદઉપરાંત રસ્તા અને વધુ વળતરની માંગ કરવામાં આવી રહી છે. એરપોર્ટ નજીક કુવા તેમજ ચેકડેમ અને મોટો ડેમ આવેલો હોય આ મામલે પણ હજુ કોઇ નિરાકરણ આવ્યું નથી. નવા એરપોર્ટ માટે ખાનગી જમીન સંપાદન કરવી માથાનો દુ:ખાવો બની ગયો છે. નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વીજળીના થાંભલા, વરસાદી પાણીનો નિકાલ સહિતના અનેક પ્રશ્ર્નો સામે ઉભા છે. એરપોર્ટની જમીનમાં કુવા સહિતની સમસ્યાઓ સામે ઉભી છે. તદઉપરાંત જે તે સમયે ખાનગી કિસાનોને જમીન સોંપી દેવા માટે સહમતી લેવામાં આવી હતી. તેમાં પણ અમુક કિસાનો વધુ વળતર માંગી રહ્યા છે. આમ રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જમીન સંપાદનનો મોટો પ્રશ્ર્ન સામે આવ્યો છે.
દરમ્યાન રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં શકિત સિમેન્ટ નામની એક પેઢીની બીન ખેતી થયેલી જમીનનો હુકમ તાલુકા વિકાસ અધિકારીએ રદ કરી નાંખ્યો છે. જેની સામે શકિત સિમેન્ટ પેઢી ખાસ સચિવ વિવાદ સમક્ષ પોતાનો કેસ લઇ ગઇ છે. બીજી તરફ બીન ખેતીનો હુકમ રદ થતાં આ જમીન હવે ખેતીની થઇ જતાં મૂળ ખેડૂત ખાતેદારે આ જમીનનું વળતર પોતાને મળવું જોઇએ તેવો પણ વાંધો ઉઠાવ્યો છે. આ વિવાદ કયારે નિકાલ થાય તે આવનારો સમય કહેશે. પરંતુ એરપોર્ટમાં ખાનગી ખેડૂતોની જમીન સંપાદનનો મામલો ડખ્ખે ચડી ગયો હોય ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેકટ વિલંબમાં પડે તેવા સંજોગો હાલ નિર્માણ થયા હોવાનું ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
અન્ય ખેડૂતોને પ્રિમીયમ વધુ ચુકવવામાં આવ્યું છે તે મુજબ મળવુ જોઇએ : વશરામભાઇ
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અન્ય કિસાનોને તેની માંગણી મુજબ વળતર વધુ ચુકવવાની માંગ સુરેન્દ્રનગર-રાજકોટ જિલ્લા તંત્રએ સ્વીકારી છે. મારી 3 હેકટર જમીન બિનખેતી થયેલ છે. તો તે મુજબ મને યોગ્યતા-વધુ વળતર મળવું જોઇએ. રાજકોટના એરપોર્ટ માટે જમીન આપવા સહમતી જ છે. પરંતુ જમીનનું યોગ્ય વળતર મળવુ જોઇએ તેવી મારી માંગણી છે તેવુ રાજકોટ મનપાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ સાંજ સમાચાર સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.


Loading...
Advertisement