પ્રજાના રોષનો વિજય: હેલ્મેટ સહીતના નવાટ્રાફીક કાયદાનો અમલ મુલત્વી

18 September 2019 05:05 PM
Rajkot Gujarat Saurashtra
  • પ્રજાના રોષનો વિજય: હેલ્મેટ સહીતના નવાટ્રાફીક કાયદાનો અમલ મુલત્વી

છેલ્લા બે દિવસમાં પોલીસના દંડારાજ સહિતના દ્દશ્યોથી લોક આક્રોશ ભડકો બને તે પહેલા સરકારની પીછેહઠ : તા.15 ઓકટો બાદ હવે હેલ્મેટ, પીયુસી સહીતના નવા કાનૂન- વધારેલો દંડ લાગુ થશે: કેબીનેટ નિર્ણયની જાહેરાત કરતા વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ : કાનૂનના અમલથી હેલ્મેટના કાળાબજાર થયા હોવાનું પીયુસીમાં સમય બરબાદી થઈ હોવાનો સ્વીકાર: 900 નવા પીયુસી સેન્ટર ખુલશે

રાજકોટ: ગુજરાતમાં લાગુ કરાયેલા નવા સુધારેલા મોટર વ્હીકલ એકટના અમલ સામે સર્જાયેલા જબરા લોકરોષ અને ખાસ કરીને શહેરી ક્ષેત્રમાં હેલ્મેટ ફરજીયાત કરવાના સામે તિવ્ર વિરોધ પછી રૂપાણી સરકારે કોઈ ભડકે થાય તે પુર્વે જ સમયસર પીછેહઠ કરીને નવા મોટર વ્હીકલ એકટનો અમલ તા.15 ઓકટોબર સુધી મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. રાજયના વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ એક પત્રકાર પરિષદમાં રાજયની કેબીનેટના આ નિર્ણયની જાહેરાત કરી હતી.
આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં વાહન વ્યવહાર ના નવા નિયમો અંગે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું . આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ભારત સરકારના નવા કાયદાના અમલીકરણ માટે જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ ગુજરાતમાં હેલ્મેટ માટે ઠેર-ઠેર લાઈનો જોવા મળી હતી .જ્યારે કેટલીક જગ્યાએ હેલમેટના ડબલ ભાવ લેવામાં આવતા હોવાની અને હેલ્મેટ નો કાળો બજાર થતો હોવાની વિવિધ પ્રકારની ફરિયાદો સરકારના ધ્યાને આવતા આજની કેબિનેટ બેઠકમાં હેલ્મેટ ના કાયદા માં 15 ઓકટોબર સુધીની મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
એટલે કે હેલ્મેટ પહેરવા માટેની મુદત15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી. જ્યારે વાહનોના પીયુસી અમલીકરણ માટે કરેલા નિર્ણય અંગે જાહેરાત કરતા આર.સી.ફળદુ અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કરેલી જાહેરાત બાદ પીયુસી સેન્ટરોમાં લાંબી લાંબી લાઈનો લાગતી હતી. એટલું જ નહીં વાહનચાલકો નો સમય પણ વેડફાતો હતો. પરિણામે આ મામલે નાગરિકોની અનેક રજૂઆતો સરકારના ધ્યાને આવતા આજની કેબિનેટમાં પણ પીયુસી મામલે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં પીયુસી માટે આગામી 15 દિવસની સમયમર્યાદા વધારવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી . આ ઉપરાંત જણાવ્યું હતું કે માત્ર દસ દિવસના સમયગાળામાં રાજ્ય સરકાર દ્વારા 900 જેટલા નવા પીયુસી સેન્ટરો માટેની શોર્ટ નોટીસ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે . અને આવનાર દિવસોની અંદર મહત્તમ પીયુસી સેન્ટર કાર્યરત થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે જાહેરાત કરી હતી .
પરિણામે સરકાર દ્વારા મુદત વધારવાની જાહેરાત કરવાના કારણે અને પીયુસી સેન્ટરો વધારવાથી હવે પછી વાહનચાલકોને હાડમારી ભોગવી નહીં પડે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત નવા નિર્ણયની જાહેરાત કરતા આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછી નવા ટુ વ્હીલર ડિલરો એ દ્વિ ચક્રી (ટુ વીલર ) વાહન ખરીદનાર વ્યક્તિને આઈએસઆઈ માર્કનું પ્રમાણિત કરેલું હેલ્મેટ નિશુલ્ક ફરજિયાત આપવાનું રહેશે અને આ માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર થી જાણ કરવામાં આવશે એટલે દરેક ટુ વ્હીલર વિક્રેતાએ નાગરિકોને સારી કંપનીનું આઇએસઆઇ માર્કા વાળો હેલ્મેટ ફરજીયાત ફ્રી માં આપવું પડશે. અને આ માટેનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં લેવાયો હોવાની સ્પષ્ટતા કરી હતી.
આમ રાજ્ય સરકાર દ્વારા આજથી કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા એટલું જ નહીં હેલ્મેટ અને પીયુસી ની સમય મર્યાદા (મુદત) માં વધારો કર્યો હતો કારણકે રાજ્ય સરકાર દ્વારા અચાનક ટ્રાફિક નિયમનો કાળો કાયદો લાગુ કરતા રાતોરાત હેલ્મેટના કાળા બજાર શરૂ થઇ ગયા હતા જ્યારે પીયુસી માટે નિયત કરેલા દર થી વધુ રકમ લેવાતી હતી. એટલું જ નહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં પીયુસી સેન્ટર ના કારણે લાંબી લાંબી લાઈનો લાગતી હતી.પરિણામે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો બીજી તરફ રાજ્ય સરકારની સમગ્ર ઘટના ધ્યાને આવતા મહત્વના મુદ્દાઓની મુદતમાં વધારો કરવાની ફરજ પડી હોવાનું મનાઇ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન ટ્રાફિકના કાળા કાયદાનો વર્તમાન સ્થિતિનો રિપોર્ટ વડાપ્રધાન ને મળ્યો હતો અને તેના અનુસંધાનમાં નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સરકારની કેટલાક સૂચનો કરવા થી સરકાર ને કાળા કડક કાયદામાં ઢીલી નીતિથી અપનાવવાની ફરજ પડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.


Loading...
Advertisement