બોટાદની હત્યામાં ભાગતો ફરતો આરોપી સુરેન્દ્રનગરથી પકડાયો

18 September 2019 04:11 PM
Botad
  • બોટાદની હત્યામાં ભાગતો ફરતો આરોપી સુરેન્દ્રનગરથી પકડાયો

અગાઉ આ કેસમાં ત્રણ આરોપી પકડાઇ ચુકયા છે

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
બોટાદ સાળંગપુર રોડ પર સરકારી ગોડાઉન પાસે ગત 8 સપ્ટેમ્બરને રવિવારે અગાઉ કરાયેલા ખૂનનો બદલો લેવા ચોકડી ગામના શખ્સ સહિત અન્ય 3 અજાણ્યા શખ્સોએ બોટાદ શંકરપરાના દલવાડી આધેડ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઝડપાયેલા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેયને જેલ હવાલે કરાયા છે. જ્યારે અન્ય એક આરોપીને બોટાદ એલ.સી.બી પોલીસે સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડયો હતો.
શહેરના શંકરપુરા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા શૈલેષભાઈ ડાયાભાઈ ચૌહાણ દલવાડી ઉવ-33 ના પિતા ડાયાભાઈ ચૌહાણ તથા તેના દાદાએ ચોકડી ગામે રહેતા ઋતુરાજભાઈ લાલજીભાઈ આલના દાદાનું 30 વર્ષ પહેલા ખૂન કર્યું હતું. તેનો બદલો લેવા ગત તા 8 સપ્ટેમ્બરને રવિવારે સાંજે 5:15 કલાકે બોટાદ સાળંગપુર રોડ ,અનાજના સરકારી ગોડાઉન પાસે ઋતુરાજભાઇ લાલજીભાઇ આલ તથા ત્રણ અજાણ્યા માણસોએ ડાયાભાઈ ચૌહાણને મારી મોત નિપજાવતાં શૈલેષભાઈ ચૌહાણે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઋતુરાજ ભાઇ લાલજીભાઇ આલ રહે,ચોકડી જિલ્લો સુરેન્દ્રનગર તથા ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે ફરિયાદને પગલે રૂતુરાજભાઇ લાલજીભાઇ આલ રબારી, કેવલભાઇ રમેશભાઇ કલોતરા - રબારી, ધર્મેશભાઇ ભરતભાઇ રબારીને એક દેશી બનાવટની પિસ્ટલ સાથે ત્રણેય શખ્સોને અટક કરી પોલીસે ત્રણેયના 5 દિવસના રિમાન્ડ મેળવતા રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય ને જેલ હવાલે કરાયા છે. જ્યારે આ કેસનો ફરાર આરોપી રવિરાજ મરીયાને બોટાદ એલસીબીએ ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement