રાજકોટ માર્કેટયાર્ડના 25 કરોડના સબસીડી વિવાદમાં સરકારને લપડાક: નાણાં ચુકવી દેવા હાઈકોર્ટનો આદેશ

18 September 2019 02:26 PM
Rajkot Saurashtra
  • રાજકોટ માર્કેટયાર્ડના 25 કરોડના સબસીડી વિવાદમાં સરકારને લપડાક: નાણાં ચુકવી દેવા હાઈકોર્ટનો આદેશ

રાજકોટ તા.18
રાજકોટ માર્કેટયાર્ડના અંદાજીત 25 કરોડના સબસીડી વિવાદમાં સરકારને લપડાક મળી છે અને હાઈકોર્ટે યાર્ડ તરફી ચુકાદો આપ્યો છે. સબસીડી પાછી ખેંચવાનું પગલુ ગેરકાયદે ગણાવીને તે નાણાં ચુકવી દેવાનો આદેશ કર્યો છે.
રાજકોટમાં બેડી ખાતે 250 કરોડથી અધિકના ખર્ચે નવા અત્યાધુનિક માર્કેટયાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સરકારે મળવાપાત્ર સબસીડી ચુકવી હતી. પરંતુ સેસનો વિવાદ ઉભો થતા તે પાછી ખેંચી લીધી હતી તેના પગલે યાર્ડ પર અંદાજીત 25 કરોડનો લોનબોજ આવી ગયો હતો.
યાર્ડ સતાવાળાઓ દ્વારા અનેકવિધ દલીલો સાથે સરકારમાં સૌથી વધુ વખત રજુઆતો કરી હતી. યાર્ડ સતાવાળાઓ અનેક વખત રૂબરૂ દિલ્હી ગયા હતા. કૃષિપ્રધાન તથા સંબંધીત વિભાગોનું ધ્યાન દોર્યુ હતું. પરંતુ બાંહેધરી સિવાય વાત આગળ ધપતી ન હતી.
સરકારમાં ધા નાખવાની સાથોસાથ સમગ્ર મુદે હાઈકોર્ટમાં કાનુની લડત પણ માંડી હતી. રાજકોટ માર્કેટયાર્ડના પ્રમુખ ડી.કે.સખીયાએ કહ્યું હતું કે હાઈકોર્ટે યાર્ડની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને સબસીડીના નાણા યાર્ડને ચુકવવાનો આદેશ કર્યો છે.
સબસીડીનો આંકડો અંદાજીત 25 કરોડ જેવો થવા જાય છે જે મળવાના સંજોગોમાં મોટી નાણાંભીડ ભોગવતા યાર્ડને મહત્વની રાહત મળશે અને ખેડુતલક્ષી નવા વિકાસકાર્યો કરી શકશે.
સબસીડીનાં નાણાં પાછા ખેંચાઈ જવાના કારણોસર યાર્ડ દેણાના બોજ હેઠળ આવી ગયું હતું. આવક કરતા જાવક વધી ગઈ હતી. બેંક લોનના વ્યાજપેટે જ અંદાજીત 15 લાખ ચુકવવા પડતા હતા. ઉપરાંત અન્ય ખર્ચાને લક્ષ્યમાં લેવામાં આવે તો બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ થઈ ગયું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે સબસીડી પાછી ખેંચવામાં સરકારે સેસનો મુદો ઉભો કર્યો હતો. શાકભાજી પર સેસ નહીં ઉઘરાવવા સરકારના આદેશ છતાં તેની વસુલાત કરવામાં આવી હતી. યાર્ડ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી. યાર્ડ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે રાજય સરકારે જાહેરનામુ જ મોડુ બહાર પાડયું હતું. તેમાં યાર્ડનો કોઈ વાંક નથી. હવે હાઈકોર્ટે સબસીડીનો માર્ગ મોકળો કરી દીધો છે ત્યારે યાર્ડની નાણાં કટોકટી દુર થઈ જવાનું નિશ્ર્ચિત છે. રાજકોટ યાર્ડમાં ભાજપનું શાસન છે. સરકાર પણ ભાજપની છે છતાં આંતરિક જૂથવાદ અને ટાંટીયાખેંચને કારણે સબસીડી મુદો વિવાદમાં પડયો હોવાનું કહેવાતું હતું.


Loading...
Advertisement