રાજકોટ તા.18
હેલમેટ સહિતના ટ્રાફીકના નવા કાળા કાયદાના વિરોધમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં તો વિપક્ષ કોંગ્રેસ અને પ્રજાની તાકાત એક થઇ જાય એ પૂર્વે પોલીસે કોંગ્રેસના ધારણાને મંજૂરી ન આપી નેતાઓની ધરપકડ કરી લેતા જનતાનો રોષ ભડકામાં ફેરવાઇ ગયો છે.
આજથી ત્રણ દિવસથી જિલ્લા પંચાયત ચોકમાં ધરણાની મંજૂરી શહેર કોંગ્રેસે માંગી હતી. જે પોલીસે આપી નથી. છતા પ્રજા માટે પ્રમુખ અશોક ડાંગર સહિતના નેતાઓ એકત્ર થતા પોલીસે તમામને ઉપાડી હેડ કવાર્ટર લઇ ગઇ હતી. ત્યાંથી અશોક ડાંગરે જણાવ્યું હતું કે પીયુસી માંગવાનો પોલીસને અધિકાર જ નથી. બાળક ત્રિપલ સવારીમાં આવવું ન જોઇએ તો શહેરી વિસ્તારમાં હેલમેટની જરૂર નથી. આ લાગણી અને માંગણી પ્રજાની જ છે. જેને પોલીસ સરકારના ઇશારે કચડી રહી છે. લોકોની અગવડતા કોઇ સાંભળતું નથી. આથી અટકાયત બાદ પણ હેડ કવાર્ટરમાં ધરણા અને રામધૂન ચાલુ રાખ્યા છે. હજુ ત્રણ દિવસ આવું જ આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ જંકશન અને ગાયકવાડી વિસ્તારના વેપારીઓએ આજે રોષ સાથે બંધ પાળ્યો છે.
પોલીસે જે કોંગી નેતાઓની અટકાયત કરી છે તેમાં પ્રમુખ અશોક ડાંગર, મનપા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, નગરસેવકો અને અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, મનસુખભાઇ કાલરીયા, મયુરસિંહ જાડેજા, ડો.દિનેશ ચોવટીયા, સુરેશ બથવાર, ઘનશ્યામસિંહ જાડેજા, હિરેન પટેલ, યુનુસ જુણેજા, પ્રવિણ સોરાણી, ભાવેશ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.
ખંભાળીયા
રાજયમાં સોમવારથી અમલી બનેલા ટ્રાફીક અંગેના નવા આકરા નિયમો સબબ ખંભાળીયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે બીજા દિવસથી પોલીસ એકશન મોડમાં આવી ગઇ છે. જિલ્લામાં વિવિધ પ્રકારના વાહનો પર તૂટી પડી પોલીસે 392 કેસો કરી, એક જ દિવસમાં રૂા.બે લાખથી વધુનો દંડ વસુલ કર્યો હતો.
ખંભાળીયા પંથકમાં નવા વાહન નિયમ અંગે સોમવારે પ્રથમ દિવસે પોલીસની કાર્યવાહી હળવી રહ્યા બાદ મંગળવારે બીજા દિવસે ટ્રાફીક પોલીસ તથા સ્થાનિક પોલીસે ઠેર-ઠેર કડક હાથે કાર્યવાહી કરી હતી.
અહીંના નગરગેઇટ, જોધપુર ગેઇટ, ચાર રસ્તા વિગેરે વિસ્તારોમાં જાણે પોલીસના ધાડા ઉતરી પડયા હતા. આટલું જ નહી શહેરમાં એએસપી તથા સ્ટાફે ફૂટ પેટ્રોલીંગ કરતાં શહેરમાં દેકારો બોલી ગયો હતો. તમામ સ્થળોએ વાહન ચાલકોના સીટ બેલ્ટ, આર.સી.બુક, લાયસન્સ વિગેરેનું સઘન ચેકીંગ કરતાં વાહન ચાલકોએ પોલીસને જોઇ રસ્તા બદલી નાંખ્યા હતા!!
ખંભાળીયા શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં આ આકરા નિયમના કડવા ડોઝ રૂપે જિલ્લા પોલીસ દ્વારા મંગળવારે 44 વાહનો ડીટેઇન કરાયા હતા. આ સાથે હેલમેટ, સીટબેલ્ટ કાગળો વિગેરે મળી કુલ 392 કેસો કરાયા હતા. જેમાં કુલ રૂા.બે લાખ નવ હજારનો તોતીંગ દંડ વાહન ચાલકો પાસેથી વસુલાતાં આ કમ્મરતોડ નિયમથી પ્રજાજનોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી.
નવાઇની બાબત તો એ છે કે આ બીન વ્યવહાર મનાતા અતિ કડક નિયમ સામે ઠેર-ઠેર રોષ સાથે વિરોધ પ્રદર્શીત થઇ રહ્યો છે. ત્યારે ખંભાળીયા અને જિલ્લામાં કહેવાતા નેતાઓનું આ બાબતે મૌન ભારે ટીકાસ્પદ બની રહ્યું છે.
અમરેલીમાં માનવતાવાદી વલણ
અમરેલી જિલ્લામાં નવા મોટર વ્હીકલ એકટને લઈને આમ આદમીમાં જે ફફડાટ હતો તે હવે ક્રમશ: દુર થઈ રહૃાો છે. ખાસ કરીને શહેરી વાહનચાલકોને હેલ્મેટ પહેરવાને લઈને જે નારાજગી હતી હવે તેમાં ઘટાડો થયો છે. કારણ કે અસામાજિક તત્વોને સીધાદોર કરનાર પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે હેલમેટના નિયમની અમલવારીમાં માનવતા દાખવતા હાશકારાની લાગણી ઉભી થઈ છે.
ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે મોટર વ્હીકલ એકટ અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં હેલ્મેટનાં નિયમને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે પોલીસ અધિક્ષકને પત્ર, ટેલફોનીક રજૂઆત કરી હતી કે ભભહેલ્મેટભભનાં નિયમની અમલવારીમાં માનવતા દાખવવી. જે અનુસંધાને પોલીસ અધિક્ષકે તમામ અધિકારીઓને હેલ્મેટને લઈને દંડ ન કરવા પરંતુ ભભહેલ્મેટભભપહેરવા માટે વાહનચાલકને સમજાવવા તેવી સુચના આપતાં શહેરી વાહનચાલકોમાં પોલીસ અધિક્ષકનાં માનવતાવાદી વલણની પ્રશંસા થઈ રહી છે.
વેરાવળ
વેરાવળ શહેરમાં ટ્રાફીકના નવા નિયમ મુજબની બીજા દિવસે ટ્રાફીક પોલીસ દ્વારા અમલવારી કરાવતા રૂા.બાવન હજાર જેવો દંડ વસુલ કરેલ હતો.
સરકાર દ્વારા ટ્રાફીકના નવા નિયમ મુજબ વેરાવળ શહેરમાં બીજા દિવસે ટ્રાફીક પોલીસના હેડ એ.એસ.આઇ. પેથાભાઇ ગલચર, એ.એસ.આઇ. દિનેશભાઇ ગોહેલ, રાજુભાઇ, વાળાભાઇ, મેરામણભાઇ કોડિયતર સહિત સ્ટાફ દ્વારા શહેરમાં સવાર થી જ કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં 105 જેટલા એન.સી. કેસો સાથે ચાર વાહનો ડીટેઇન કરી સ્થળ ઉપર રૂા.બાવન હજાર પાંચસો પુરા નો દંડ વસૂલવામાં આવેલ હતો અને આગામી દિવસોમાં આર.ટી.ઓ. તથા પોલીસ દ્વારા સંયુકત રીતે ટ્રાફીકના નવા નિયમ મુજબની અમલવારી માટે કડક કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.