ભાદરવો અંતે તપવા માંડયો; બફારામાં અસહ્ય વધારો

18 September 2019 12:38 PM
Rajkot Gujarat Saurashtra
  • ભાદરવો અંતે તપવા માંડયો; બફારામાં અસહ્ય વધારો

આવતીકાલથી બે-ત્રણ દિવસ અમરેલી, સોમનાથ, ભાવનગર જીલ્લામાં છુટાછવાયા વરસાદનો સંકેત : ચોમાસાની વિદાય પહેલા તાલાલા-ઉનામાં વરસ્યો હળવો વરસાદ: સતત બીજા દિવસે ઝાકળવર્ષાથી આહલાદક હવામાન સવારે માણવા મળ્યું: ગરમીનો પારો ઉચકાયો: 35 ડીગ્રીને પાર

રાજકોટ તા.18
સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની વિદાય પહેલા મિશ્ર ઋતુનો દૌર ચાલુ થવા સાથે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો નવો દૌર શરૂ થયો છે તો આગામી ત્રણ દિવસમાં ફરી કેટલાક સ્થળે મેઘ મહેર થવાના સંકેત વચ્ચે ગરમી અને બફારાથી પ્રજા ત્રાહીમામ જોવા મળી રહી છે.
સતત આશરે બે મહિના સુધી મોડેથી શરૂ થયેલી મેઘ મહેર અવિરત ચાલ્યા બાદ મોટાભાગના જળાશયોમાં દોઢથી બે વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયુ છે. બાદ છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ કોઈક સ્થળે છુટાછવાયો વરસાદ વરસાવી રહ્યા છે. જયારે અન્યત્ર તાપમાન ઉચકાવા સાથે દક્ષિણી પવનની અસર હેઠળ હવામાં વધતા ભેજથી લોકો ગરમી અને બફારાથી પરેશાન થઈ રહ્યા છે.
ચોમાસાએ વિરામ લેવા વચ્ચે જ છેલ્લા ત્રણથી ચાર દિવસથી અવિરત પણે ક્રમશ: ઉચકાતા તાપમાનથી ગરમી વધવા લાગી છે અને લોક વાયકા પ્રમાણે અંતે મોડે મોડે પણ શરૂ થયેલી ગરમીથી ભાદરવો તપવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી તો પારો ઉચકાયો અનેક સ્થળે 35 ડીગઈને પાર પહોંચી ગયો છે. તો આજે પણ સવારથી જ સૂર્યનારાયણ દેવે રંગ દેખાડવાનું ચાલુ કરી દેતા સવારે સાડા આઠ વાગ્યે પારો 30 ડીગ્રી નજીક પહોંચી ગયો હતો.
દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં આવતીકાલથી ત્રણેક દિવસ માટે છુટો છવાયો હળવો મધ્યમ વરસાદ વરસી જવાની સંભાવના સાથે આજે વહેલી સવારે પુરા થતા 24 કલાક દરમિયાન તાલાલામાં દિવસભર હળવા ભારે ઝાપટા સાથે આઠ મીમી અને ઉનામાં એક મીમી વરસાદ વરસી ગયાના વાવડ મળ્યા છે.
તેવામાં ગઈકાલે રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લામાં ફરીને ગરમીએ માથુ ઉચકતા પારો 35 ડીગ્રી નજીક કે તેથી ઉપર પહોંચી ગયો હતો. વળી પશ્ર્ચિમના ભેજવાળા પવનની સવારથી હવામાં અતિશય ભેજ વધતા બફારો પણ શહેરીજનોને ત્રાહીમામ બોલાવતો હતો વળી રાત્રીના સમયે હવામાં ભેજ વધવા સાથે રાત્રીના પવન પડી જવાથી સવારે મોડે સુધી ઝાકળવર્ષા થતા સામાન્ય ઠંડક સાથે લોકોને ખુશ્નુમા હવામાનનો આનંદ માણવા મળ્યો હતો. તો આજે પણ સવારથી જ સૂર્યનારાયણ દેવે રંગ પકડાતા લોકો ગરમી અને બફારાથી ત્રાહીમામ જોવા મળે છે.
રાજકોટ
રાજકોટમાં છેલ્લા અઠવાડીયાથી અવિરતપણે ફરી ગરમી અને બફારાએ માથુ ઉચકતા શહેરીજનો ત્રાહીમામ જોવા મળે છે. તો આજે પણ વહેલી સવારથી જ સૂર્યનારાયણ દેવે રંગ દેખાડવાનું ચાલુ કરતા સવારે મોડે સુધી ઝાકળવર્ષાની અસર હેઠળ ન્યુનતમ તાપમાન 25 ડીગ્રી નજીક નોંધાયા બાદ સવારે 8-30 વાગ્યે સૂર્યદેવના આકરા મિજાજની અસર હેઠળ તાપમાન 30 ડીગ્રી નજીક પહોંચી જતા આજેપણ લોકોને ગરમી અને બફારાનો અનુભવ યથાવત રહેશે તેવો સંકેત જોવા મળે છે.


Loading...
Advertisement