કચ્છમાં યમરાજાનો પડાવ : આપઘાત અને અપમૃત્યુના બનાવમાં આઠના કરૂણ મોત

18 September 2019 11:30 AM
kutch
  • કચ્છમાં યમરાજાનો પડાવ : આપઘાત અને અપમૃત્યુના બનાવમાં આઠના કરૂણ મોત

ભચાઉના કારીયાધામમાં પલળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

કચ્છ તા.18
કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન આઠ લોકોના વિવિધ દુર્ઘટનાઓને પગલે અકાળે મોત નિપજ્યા છે. ભુજ તાલુકાનાં કુકમા નજીક રેલવે ફાટક પાસે થાંભલામાં બાઈક ભટકાતાં ગાંધીધામના દીપક ધનજી ચારણ (ઉ.વ. 23) તથા મુન્ના ઉર્ફે સુરેશ જીવણ ચારણ (ઉ.વ. 25) નામના યુવાનોનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં તરુણ પ્રવીણ બારોટ (ઉ.વ. 22) નામના યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ભચાઉના કારિયાધામમાં દામજી દાના ફટક (પટેલ) (ઉ.વ. 62)ની જમીન પરથી પલળેલી લાશ મળી આવી હતી તેમજ આધોઈમાં અગાઉ દાઝી જનારા તેજલબેન રમેશ વણકર (ઉ.વ. 22) નામના પરિણીતાએ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા અને નખત્રાણા નાના કાદિયામાં મેગબાઈ જખુ દાફડા (ઉ.વ. 80)એ ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. તો વળી ઘાણીથરમાં દવાની ઝેરી અસરથી ખેતા જેસા કોળી (ઉ.વ. 25) નામના યુવાનનું મોત થયું હતું અને વોંધ-સામખિયાળી વચ્ચે ટ્રેન હડફેટે ચડતાં 35 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત થયું હતું.
ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં રહેનારા દીપક અને સુરેશ ચારણ ગઈકાલે રાત્રે મોટા યક્ષના મેળામાં જવા નીકળ્યા હતા તેવું પોલીસે જણાવ્યું હતું. આ બંને યુવાનો બાઈક નંબર જી જે 12 ડીડી 6164થી જઈ રહ્યા હતા. દરમ્યાન કુકમા નજીક રેલવે ફાટક પાસે થાંભલામાં તેમનું બાઈક ભટકાતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં દીપકે ત્યાં જ દમ તોડી દીધો હતો જ્યારે મુન્નાને સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.
આ બનાવમાં નરેશ લધારામ ચારણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં 7-બીના પ્લોટ નંબર 129માં રહેનારા તરુણ બારોટે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાનના માતા-પિતા બહારગામ ગયા હતા. પાછળથી તેણે અગમ્ય કારણોસર રસ્સી પંખામાં બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. વધુ એક મૃત્યુનો બનાવ ભચાઉના કારિયાધામમાં બન્યો હતો. મુંબઇમાં રહેનારા દામજી ફટક ક્યારેક અહીં આવતા હોય છે. ગઇકાલે તે પોતાના ઘરે હતા ત્યારે જમીનમાં પાણીથી પલળેલી અને અકડાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવી હતી. તેમનું કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક રીતે લાગે છે છતાં વિશેરા લેવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તેમજ ભચાઉના આધોઇ સેક્ટર-6માં રહેનારા તેજલબેન વણકર ગત તા. 4/9ના બપોરે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ પરિણીતા પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આ પરિણીતાએ અંતિમ શ્વાસ લીધા હતા. વધુ એક આપઘાતનો બનાવ નાના કાદિયામાં બન્યો હતો. મેગબાઇ નામના વૃદ્ધાએ પોતાના ઘરે આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. અપમૃત્યુનો એક બનાવ રાપરના ઘાણીથરમાં બન્યો હતો. ખેતા કોળી નામનો યુવાન મગના વાવેતરમાં દવા છાંટતો હતો. દરમ્યાન આ ઝેરી દવાની અસર થતાં આ યુવાનનું મોત થયું હતું. વોંધ અને સામખિયાળી વચ્ચે રેલવે પીલર નંબર 748/1 પાસે ટ્રેનની હડફેટે 35 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત થયું હતું. આ યુવાને બ્લૂ ટી-શર્ટ અને લાઇનિંગવાળું કાળું પેન્ટ પહેર્યું છે. આ યુવાન કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.


Loading...
Advertisement