ઈન્દ્રનીલને ફરી કોંગ્રેસમાં લાવો-જુના જોગીઓને જગાડો: પ્રદેશમાં ધા

16 September 2019 06:59 PM
Rajkot Gujarat Politics
  • ઈન્દ્રનીલને ફરી કોંગ્રેસમાં લાવો-જુના જોગીઓને જગાડો: પ્રદેશમાં ધા

મનપા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિત 15 કોર્પોરેટરની અમીતભાઈ, અર્જુનભાઈ, સિધ્ધાર્થભાઈને રૂબરૂ રજૂઆત: ભાજપ સામે લડવા તાકાત વધાર્યા વગર છૂટકો નથી

રાજકોટ તા.16
વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારે ચાર બેઠક ગુમાવ્યા બાદ રાજકોટમાં અને મહાપાલિકામાં પણ કોંગ્રેસ હજુ જોમ જુસ્સા સાથે પ્રજા વચ્ચે રહી શકતી નથી અને મોંઘવારીથી માંડી નવા ટ્રાફિક કાનૂન સહિતના ત્રાસદાયક પ્રશ્ર્નો લોકો સામે મોં ફાડીને ઉભા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા આજે ફરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ રજૂઆત થઈ છે. રાજકોટથી કોર્પો.ના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિત 15 કોંગી કોર્પોરેટરો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ આજે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓને લેખીતમાં લાગણી પહોંચાડી છે.
કોંગ્રેસ પ્રમુખ સાથે પાર્ટી છોડનાર પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ જેવા લડાયક નેતાની મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં તાતી જરૂર છે. આ સહિતના નવા અને જુના કોંગ્રેસના અનેક નેતાઓને ફરી પાર્ટીમાં સક્રિય કરવા પ્રદેશ સંગઠન ફોનથી પણ સંપર્ક કરે તેવું સુચન થયું છે.
આજે રાજકોટથી જ વિપક્ષી નેતા વશમરાભાઈ સાગઠીયા, જુદા જુદા વોર્ડના 15 કોર્પોરેટરો, વિવિધ સેલ અને મોરચાના હોદેદારો અમદાવાદ પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા, સીનીયર નેતાઓ અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગેનો રીપોર્ટ આપ્યો છે તો બરાબર આવતા વર્ષે 2020ના અંતમાં મહાપાલિકાની ચૂંટણી આવતી હોવા અંગેની પણ સ્મૃતિ આપી છે.
પ્રદેશ પ્રમુખને પત્રમાં રાજકોટના આગેવાનોએ જણાવ્યું છે કે આગામી સમયમાં મહાપાલિકાઓ, તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ શહેરમાં ભાજપ સામે કાયમ લડતા આવેલા અને સતત લડી શકે તેવા વફાદાર, મજબૂત અને બાહોશ નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂને પક્ષમાં સક્રિય કરવા સૌની લાગણી છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં વિપક્ષને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આ માટે ઈન્દ્રનીલ રાજયગુરૂને જવાબદારી આપવી જોઈએ. પક્ષમાંથી રાજીનામુ આપ્યા બાદ પણ કોંગ્રેસને નુકશાન થાય તેવું એક પણ પગલું તેઓએ ભર્યુ નથી.
આ ઉપરાંત રાજકોટમાં વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા હોય અને પક્ષને વફાદાર રહ્યા હોય તેવા જુના નવા લોકોને પણ પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન કરીને સક્રિય રાજકારણમાં આવવા અને પાર્ટીને મજબૂત કરવામાં મદદ કરે તેવી લાગણી પણ રાજકોટના લોકોએ પહોંચાડી છે.
જે કોર્પોરેટરો આજે પ્રદેશમાં રજૂઆત કરવા અમદાવાદ ગયા છે તેમાં વશરામભાઈ સાગઠીયા, સ્નેહાબેન દવે, અતુલ રાજાણી, માસુબેન હેરભા, રસીદાબેન ગરૈયા, દિલીપ આસવાણી, હારૂન ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, રવજીભાઈ ખીમસુરીયા, ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.17), ગીતાબેન પૂરબીયા, મકબુલ દાઉદાણી, સીમીબેન જાદવ, ધર્મિષ્ઠાબા જાડેજા, માઈનોરીટી સેલના ચેરમેન યુનુસ જુણેજા, ઈન્દુભા રાઓલ, ગૌરવ પૂજારા, મીતુલ દોંગા, ગોપાલ અનડકટ વગેરેનો સમાવેશ થાય છે તેમ વશરામભાઈએ કહ્યું હતું.

પ્રજા માટે કામ કરવા દો, પાર્ટી માટે કામ કરવા કાયમ તૈયાર છું: રાજયગુરૂ
ગત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રમુખ પદ અને પાર્ટીમાંથી પણ રાજીનામુ આપી દેનારા ઈન્દ્રનીલ રાજયગુરૂને ફરી પક્ષમાં લાવી નવા પ્રાણ ફૂંકવા ફરી જીપીસીસીમાં રાજકોટે અવાજ પહોંચાડયો છે ત્યારે પૂર્વ ધારાસભ્યએ પોતે પ્રજા અને પાર્ટી માટે કાયમ તૈયાર જ હોવાનું કહ્યું છે.
મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનારા ઈન્દ્રનીલ રાજયગુરૂનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને કામ કરવાની પૂરતી સ્વતંત્રતા મળે એટલે પ્રજા તથા કોંગ્રેસના કામ માટે 24 કલાક અવેલેબલ જ છે. હાલ પ્રજા સામે ચિંતાભર્યા અનેક પ્રશ્ર્નો છે. મોંઘવારીથી માંડી હેલમેટના કાયદાના વિરોધ સમયે જનતા પણ પાર્ટીના ટેકામાં છે. પાર્ટીની કાર્ય પ્રણાલીની અમુક સીસ્ટમ સરળ બની જાય એટલે ફરી નવાજુના કોંગ્રેસીઓ પક્ષ માટે દોડવા તૈયાર છે.
પોતે નખશીખ કોંગ્રેસી છે અને બીજા પક્ષ તરફ કયારેય મોઢુ પણ કર્યુ નથી. પાર્ટીના કામોની જવાબદારી ઉપાડવા તેઓ તૈયાર છે. હાલ પક્ષમાં ન હોવા છતા પ્રજાના પ્રશ્ર્નો ઉપાડવાનું ચાલુ રાખ્યું છે. પક્ષ જે આદેશ આપે તે સંભાળવા પણ પરીપકવ તૈયારી છે તેમ કહ્યું હતું.


Loading...
Advertisement