ભીખમાં મળેલી ક્ષમા ન ખપે : રામકથાના સમાપન પ્રસંગે મોરારીબાપુનું માર્મિક નિવેદન

16 September 2019 04:40 PM
Jamnagar Dharmik
  • ભીખમાં મળેલી ક્ષમા ન ખપે : રામકથાના સમાપન પ્રસંગે મોરારીબાપુનું માર્મિક નિવેદન

હું વિવાદનો નહીં સંવાદનો માણસ છું તેમ કહી બાપુએ વિવાદમાં કોઇની દરમ્યાનગીરીની જરૂર ન હોવાનું જણાવ્યું : માફી માંગવી હોય તો મારી નહીં પરંતુ વ્યાસપીઠ અને સનાતન ધર્મની માંગવી જોઇએ

જામનગર તા. 16 :
નીલકંઠ અને લાડુડી મુદ્દે સંત મોરારીબાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનો રોષ સપાટી પર આવ્યો હતો. આ સંપ્રદાયના અમુક સંતોએ જાહેરમાં જ મોરારીબાપુ વિશે ઘસાતું બોલી વિવાદને વિસ્તૃત રૂપ આપ્યું હતું. દરમિયાન રાજ્યના કલાકારો અને લેખક મોરારીબાપુની તરફેણમાં આવી ગયા હતા.બીજી તરફ સાધુ સંતોએ બેઠક કરી વકરેલા વિવાદને સમાધાનમાં તબદીલ કરવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ સંપ્રદાયના કેટલાક લોકો તરફથી વિવાદિત વિડિઓ સામે આવતા જ કલાકારોએ સંપ્રદાયના એવોર્ડ પરત કર્યા હતા. જામનગર ખાતેની રામકથાના અંતિમ દિવસે મોરારીબાપુએ માર્મિક ટકોર કરી હતી કે, તપસ્વીનું રૂપ ક્ષમા છે. ક્ષમા મારુ કંધોતર છે, મારી ઘડપણની લાકડી છે, એના ખંભા પર સવાર થઈ ક્ષમા કરતો કરતો પાર ઉતરી જઈશ.
ઘણા કહે, બાપુ ક્ષમા માંગી લેવી જોઈએ, પણ જે બોલ્યા છે એને ક્ષમા માંગવી જોઈએ.ભીખમાં મળે એને ક્ષમા ન કહેવાય, નથી બોલ્યા એને સેની ક્ષમા ? મારે કોઇની પાસે ક્ષમા મંગાવવી નથી, મારે ક્ષમાની જરૂર નથી. જે કોઇએ ક્ષમા માંગવી હોય એણે આ વ્યાસપીઠ અને સનાતન ધર્મની માંગવી જોઇએ. ઘણા લોકો એવુ કહે છે કે મોરારિ બાપુ અમે વચ્ચે આવીએ,કોઇએ વચ્ચે આવવાની જરૂર નથી. મે કજીયો નથી કર્યો, હું વિવાદનો નહી પરંતુ સંવાદનો માણસ છું. હું દ્રષ્ટા બનીને કિનારે બેઠો છું, ખાબકો પણ જ્યાં ખબકાઈ ત્યાં. ડહાપણ કરવાની કોઈએ જરૂર નથી. એમ કહી કોઈને પણ પોતાની પાસે ન આવવાની વાત વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહી છે. જોકે હજુ સંપ્રદાય તરફથી કોઈ જવાબ આવ્યો નથી.


Loading...
Advertisement