ક્રુડ-સોના-ચાંદી સળગ્યા: શેરોમાં કડાકો

16 September 2019 01:20 PM
Business
  • ક્રુડ-સોના-ચાંદી સળગ્યા: શેરોમાં કડાકો

વિશ્ર્વના સૌથી મોટા તેલ ક્ષેત્રમાં ડ્રોન હુમલાની સપ્લાય સંકટનો ગભરાટ : વિશ્ર્વ બજારમાં ક્રુડ બે મહિનાની ઉંચાઈ: સોનામાં રૂા.500 તથા ચાંદીમાં રૂા.1100 ની તેજી: સેન્સેકસ 150 પોઈન્ટ તૂટયો

નવી દિલ્હી તા.16
સાઉદી અરેબીયાના તેલક્ષેત્ર પર ડ્રોન હુમલાની અસર હેઠળ કુડતેલ ઉપરાંત સોના-ચાંદી સળગી ઉઠયા છે. જયારે શેરબજારમાં કડાકો સર્જાયો છે. ક્રુડતેલ 10 ટકા વધ્યુ છે સોનામાં 500 રૂપિયા તથા ચાંદીમાં 1100 રૂપિયા વધી ગયા છે સેન્સેકસમાં 150 પોઈન્ટથી અધિકનું ગાબડુ છે.
સાઉદી અરેબિયામાં સૌથી મોટા તેલક્ષેત્ર પર યમન વિદ્રોહીઓએ ડ્રોન હુમલો કર્યો હતો. તેને પગલે આ તેલક્ષેત્રમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક સદી જુના આ તેલક્ષેત્રમાં પ્રથમ વખત ક્રુડતેલની સપ્લાય મુદ્દે સંકટ સર્જાયું છે. આ હુમલાની અસર હેઠળ સપ્લાયમાં પ્રતિ દિવસ 57 લાખ બેબેરલનો ઘટાડો છે જે વૈશ્ર્વીક સપ્લાયમાં 6 ટકા થવા જાય છે. ઉત્પાદન-સપ્લાયમાં આ કાપને ધરખમ ગણવામાં આવે છે. અને સપ્લાય ચેઈન માટે તે ગંભીર પડકાર બને તેમ છે. અનિયંત્રીત યુધ્ધ જેવી હાલત ઉભી થઈ શકે છે.તેલ કંપની તેલ કુવાઓ પર વિદ્રોહીઓએ શનિવારે ડ્રોન હુમલા કર્યા હતા. તે પછી સાઉદી તેલ કંપનીએ ટ્રેડનુ ઉત્પાદન અર્ધુ કરી ગયુ હતું. આવતા દિવસોમાં સપ્લાયમાં કાપ જ રહેવાની અટકળો વ્યકત કરવામાં આવી હતી.
સપ્લાય સામેની આશંકાને પગલે વિશ્ર્વસ્તરે ક્રુડના ભાવ સળગ્યા હતા. આંતર રાષ્ટ્રીય કિંમત 10 ટકા વધીને બે મહિનાની ઉંચાઈએ પહોંચી હતી. બ્રેન્ટ ક્રુડ 66.34 ડોલર થયુ હતું. નાયમેકસ ક્રુડના 59.63 ડોલર હતા.
આ સિવાય સોના-ચાંદી પણ સળગ્યા હતા. ઉઘડતી માર્કેટમાં જ સોનું 500 રૂપિયા ઉંચકાઈ ગયુ હતું જયારે ચાંદીનાં ભાવમાં 1100 રૂપિયાની તેજી થઈ હતી.
વૈશ્ર્વીક ઘટનાક્રમની શેરબજારમાં કડાકો સર્જાયો હતો. સેન્સેકસ પ્રારંભીક કામકાજમાં 150 પોઈન્ટ ગગડયો હતો.


Loading...
Advertisement