ઘરઆંગણે બે ટકા ડીસ્કાઉન્ટ છતાં બેંકો દ્વારા ઉંચા ભાવે વિદેશોમાંથી સોનાની આયાત

16 September 2019 11:18 AM
Gondal Business India
  • ઘરઆંગણે બે ટકા ડીસ્કાઉન્ટ છતાં બેંકો દ્વારા ઉંચા ભાવે વિદેશોમાંથી સોનાની આયાત

બેંકીંગ રેગ્યુલેશન કાયદાને કારણે બેંકો ઉંચા ભાવ ચુકવે છે: એકટમાં સુધારા કરવા ભલામણ

મુંબઈ તા.16
દેશમાં કાયદાકીય જોગવાઈ કેવી સમસ્યાઓ પેદા કરે છે તેમાં પુરાવો સોનાની આયાતના આધારે બહાર આવ્યો છે. ઘરઆંગણે સોનુ બે ટકા સસ્તુ મળતુ હોવા છતાં બેંકોને મોંઘાભાવે સોનાની આયાત કરવાની ફરજ પડી છે.
મુંબઈ સહીત સ્વદેશી માર્કેટમાં સોનુ બે ટકા ડીસ્કાઉન્ટમાં મળી રહ્યું છે. વિદેશમાંથી આયાત કરવા માટે બે ટકા મોંઘુ પડે છે. બેંકોને બેંકીંગ રેગ્યુલેશન એકટ હેઠળ ભારતમાંથી સોનુ ખરીદ કરવાની છુટ નથી. બેંકો રિઝર્વ બેંકની પરવાનગીને આધીન ઝવેરીઓ-વપરાશકારોની જરૂરિયાત મુજબ વિદેશમાંથી સોનુ આયાત કરે છે. મુંબઈની ઝવેરી માર્કેટમાં દસ ગ્રામ સોનાનો ભાવ 37500 હતો તે આયાતી મૂલ્ય કરતા રૂા.1000 સસ્તો હતો. આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રતિઔંશ 40 ડોલર વધુ ચુકવવા પડે છે. દેશમાં જ જુદા-જુદા સ્થળોએ ડીસ્કાઉન્ટની માત્રા વધતી ઓછી છે છતાં સર્વત્ર બે ટકા કે તેથી વધુ છે.
ઝવેરીઓ તથા સોનાના વેપારીઓને આયાતી સોનુ ખરીદવા અથવા લોકો દ્વારા વેચાતુ જૂનુ સોનુ ખરીદવાનો વિકલ્પ હોય છે. સોનુ આયાત કરવા માટે કેટલીક બેંકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. આ બેંકો માત્ર સોનુ આયાત જ કરી શકે છે.
ઝવેરીઓએ જણાવ્યું હતું કે સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. છેલ્લા બે મહિનાથી ઘરઆંગણે સસ્તુ આયાતમૂલ્ય કરતા ઓછી ડીસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે. સોનાની ખાસ ડીમાન્ડ નથી. ઉપરાંત 12.5 ટકા જેવી ધરખમ આયાત ડયુટીને કારણે સોનાની દાણચોરીમાં વધારો હોવાની છાપ છે. ઘરઆંગણે સોનુ ડીસ્કાઉન્ટમાં મળતુ હોવા છતાં બેંકો ખરીદી કરી શકતી નથી. એકસચેંજ પ્લેટફોર્મ પરથી પણ તેને ખરીદીની છૂટ્ટ નથી.
કોમોડીટી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મોંઘી આયાતને બદલે ઘરઆંગણે સોનુ સસ્તુ મળતુ હોય તો બેંકોને ખરીદીનું છુટ્ટ મળવી જોઈએ. મોંઘા ભાવની ફરજીયાત આયાત અટકે તો વિદેશી હુંડીયામણમાં પણ લાભ થાય તેમ છે.
ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ ખાતેના ભારતના ગોલ્ડ પોલીસી સેન્ટરના વાર્ષિક રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે બેંકીંગ રેગ્યુલેશન એકટમાં સુધારા-ચોખવટ કરવાની જરૂર છે. બુલીયન માર્કેટનો વ્યાપ વધારવા માટે બેંકોની ભૂમિકા વધુ મોયી કરવી પડશે.
બેંકીંગ કાયદામાં સુધારા કરીને બેંકોને સોનાના લોકલ ખરીદ સ્ત્રોતની છુટ્ટ આપવા, સોનામાં આંતર બેંક વ્યવહાર કરવા દેવા, બુલીયનની નિકાસ માટે પણ પરવાનગી આપવા સહીતની ભલામણો કરવામાં આવી છે. ડીમેટમાં સોનુ નાખવા, સ્વદેશી તથા આંતરરાષ્ટ્રીય એકસચેંજમાં હેજીંગ કરવા દેવા તથા ગોલ્ડ રીફાઈનર્સને ફાઈનાન્સ કરવા વગેરેની છુટ્ટ આપવા પણ ભલામણ કરવામાં આવી છે.
બેંકોને લોકલ માર્કેટમાં સોનાની છુટ્ટ આપવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે. ઘરઆંગણે સોનુ સસ્તુ મળતુ હોય તો બીનજરૂરી ઉંચાભાવની આયાત રોકી શકાશે.


Loading...
Advertisement