આર્થિક મંદી: નૂર ભાડા પર 15 ટકાનો સરચાર્જ રદ કરતુ રેલવે

13 September 2019 12:52 PM
India Travel
  • આર્થિક મંદી: નૂર ભાડા પર 15 ટકાનો સરચાર્જ રદ કરતુ રેલવે

મીની રેક- નાના પાર્સલમાં વધુ પાંચ ટકાની રાહત: 1લી ઓકટોબરથી રેલવે વ્યસ્ત સિઝન ગણીને 15 ટકાનો સરચાર્જ ઉઘરાવતી હોય છે

નવી દિલ્હી તા.13
આર્થિક મંદી તથા વ્યાપાર ઉદ્યોગના ઘટેલા વ્યવહારોને ધ્યાને રાખીને રેલ્વે દ્વારા વ્યસ્ત સીઝનનો નુરભાડા પરનો 15 ટકાનો સરચાર્જ પાછો ઠેલાયો છે. ઉપરાંત રેકની સંખ્યામાં પણ વધારો કરવાનું જાહેર કર્યુ છે. વ્યાપાર ઉદ્યોગમાં ધમધમાટ આવી શકે અને માલસામાનની હેરફેર વધી શકે તેવા આશયથી રેક વધારવામાં આવી છે.
રેલવેએ જાહેર કર્યુ છે કે 1 ઓકટોબરથી 30 જૂનને વ્યસ્ત સિઝન ગણીને નૂરભાડા પર 15 ટકાનો સરચાર્જ વસુલવામાં આવતો હોય છે તે સ્થગીત રાખવામાં આવ્યો છે. રેલ્વે બોર્ડના સભ્ય પી.એસ.મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને તથાવ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને તેઓનો પરિવહન ખર્ચ ઓછો થાય તે માટે સરચાર્જ સ્થગીત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મીની રેક અથવા નાના પાર્સલોના નૂરમાં પાંચ ટકાની વધારાની રાહત પણ જાહેર કરવામાં આવી છે.
દેશનો ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ ભયંકર મંદીની હાલત ભોગવી રહ્યો છે તેને ખર્ચકાપ શકય બને અને વધુ હેરફેર કરી શકે તે માટે ઓટોક્ષેત્રને વધુ રેક આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ક્ષેત્રને 8 રેક ફાળવવામાં આવતી હતી તે વધારીને 26 કરવામાં આવી છે. વર્ષના અંત સુધીમાં તે વધારીને 50 કરવામાં આવશે. ઓટો ક્ષેત્રની માંગણીને ધ્યાને લેવામાં આવી છે.
રેલવેનો અંદાજ એવો છે કે હાલ ઓટો ક્ષેત્રનું રેલ્વે પરિવહન માત્ર બે ટકા છે જે વધારીને 8થી10 ટકા સુધી કરવામાં આવશે. ટુ-વ્હીલર તથા ફોર વ્હીલરના પરિવહન માત્ર ખાસ ડિઝાઈન સાથેના રેક તૈયાર કરવામાં આવશે. તેઓએ સ્વીકાર્યું હતું કે કોલસા જેવા ક્ષેત્રોના નૂર ટ્રાફીકનો ઘટાડો જોવા મળી જ રહ્યો છે. સરચાર્જ રદ કરાતા નૂર ટ્રાફીક વધવાની આશા છે. જો કે, નૂર આવકમાં હજુ કોઈ નકારાત્મક અસર માલુમ પડી નથી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહીનામાં લોડીંગમાં વધારો છે છતાં રેલવેના અંદાજ-અપેક્ષા મુજબ વૃદ્ધિ નથી.


Loading...
Advertisement