ભૂજના સુમરાસર શેખ ગામે બાથરૂમમાં ગળાફાંસો ખાઇ પરિણીતાનો આપઘાત

11 September 2019 02:53 PM
kutch
  • ભૂજના સુમરાસર શેખ ગામે બાથરૂમમાં ગળાફાંસો ખાઇ પરિણીતાનો આપઘાત

કિડાળા ગામના તળાવમાંથી યુવાનની લાશ મળી : એક દિવસ અગાઉ યુવતીનો મૃતદેહ મળ્યો હતો

ભૂજ તા.11
ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે 28 વર્ષિય પરિણીત મહિલાએ બાથરૂમના શાવર સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આપઘાતની ઘટના ગત મંગળવારે સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યાના સમય દરમિયાન બન્યો હોવાનું મૃતક ગીતાબેન ભારાણીના પતિ વિક્રમભાઈ ભારાણીએ પોલીસને જણાવ્યું હતું.
ગીતા અને વિક્રમનો લગ્નગાળો ચાર વર્ષનો છે અને સંતાનમાં બે વર્ષનો એક પુત્ર છે. વિક્રમ ભુજોડી નજીક શ્રૃજન સંસ્થામાં નોકરી કરે છે. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
દરમ્યાન,ગત સવારે ગાંધીધામ નજીક કિડાણા ગામના તળાવમાં મળેલો મૃતદેહ ગાંધીધામના યુવકનો હોવાનું બહાર આવ્યું છે. તપાસકર્તા પોલીસના જણાવ્યા મુજબ મરનાર યુવક કીર્તિ ગોવિંદભાઈ પાતારીયા (ઉ.વ.24) ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતો હતો. કીર્તિ પરિણીત હતો અને ચામુંડાનગર ખાતે વાહનોનું સર્વિસ સ્ટેશન ચલાવતો હતો. બે દિવસ અગાઉ તે લાપત્તા થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ જ તળાવમાંથી ગોમતીબેન જગાભાઈ કોળી નામની યુવતીની લાશ મળી હતી. ગોમતી પણ 8મીથી લાપત્તા થઈ હતી. યુવક-યુવતીએ સજોડે તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસ સૂત્રોએ દર્શાવી છે.


Loading...
Advertisement