રાજકોટ સહિત રાજ્યભરમાં એટીએમ, વાહન, ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બેલડી ઝબ્બે

11 September 2019 02:03 PM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત રાજ્યભરમાં એટીએમ, વાહન, ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બેલડી ઝબ્બે

રાજકોટમાં છ અને નડિયાદ, આણંદ અને વિદ્યાનગરમાં સાતથી વધુ ગુના: ગેસ વેલ્ડીંગના બાટલા ચોરી, ચોરાઉ ઇકો કારમાં એટીએમ તોડવા જતા: ટોળકીમાં સામેલ અન્ય એક સાગરીતની શોધખોળ

રાજકોટ, તા. 10:
રાજકોટ સહિત રાજ્યભરમાં એટીએમ, વાહન,કેબીન અને ઘરફોડ ચોરીના 13થી વધુ ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતાં. આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા રાજકોટમાં છ અને નડિયાદ, આણંદ અને વિદ્યાનગરમાં સાતથી સહિત 13 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ ટોળકીમાં સામેલ અન્ય એક શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.પી.ઉનડકટ, પી.એમ. ધાખડા, વી.એ.પરમાર તથા સ્ટાફના જે.પી.મેવાડા, મયુર પટેલ, યોગરાજસિંહ, કુલદીપસિંહ, સંજય રૂપાપરા વગેરે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી ચોકકસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અગાઉ રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાછળ ચાર માળિયા કવાર્ટરમાં રહેતા અને હાલ આણંદના સામરખા ગામે સ્થાયી થયેલા રીઢા શખ્સ અજય જગદીશભાઇ નાયકા અને સામરખા ગામના જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા આ બન્ને શખ્સે રાજકોટના યુનિવર્સિટી, કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા અટીકા ફાટક પાસે વિજય કોમર્શીયલ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાનું ખુલ્યું હતું. આ ઉપરાંત આણંદના અજજુરપુરા ગામે દેના બેંકનું એટીએમ તોડીને રૂ. પાંચ લાખની ચોરી કરી હતી.
આ ઉપરાંત નડિયાદમાં યુનિયન બેંક અને વિદ્યાનગરના એટીએમમાં ચોરીનો પ્રયાસ,ઇકો કાર અને બાઇકની ઉઠાંતરી તથા દુકાન અને કેબીનમાં મળીને 13થી વધુ ગુના કર્યાની કબુલાત આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ગેસ વેલ્ડીંગના બાટલાની ચોરી કરીને તેને સાથે લઇ જઇને ચોરી કરેલી ઇકો કારમાં જઈ એટીએમ તોડવાનો પ્રયાસ કરતાં હતાં.
અજય નાયકા અગાઉ 20થી વધુ ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે જયારે જીજ્ઞેશ ઉર્ફે જીગો રાઠોડ અગાઉ 30થી વધુ ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં પકડાયો છે. આ બન્ને સાથે રાજકોટનો અજય માધવસિંગ પરમાર નામનો શખ્સ પણ સામેલ હોઈ પોલીસે તેની ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.


Loading...
Advertisement