ઉનામાં રાત્રે તાજીયા ઝુલુસમાં ફાયરીંગ : ચાર યુવાનો ઘવાયા

11 September 2019 12:08 PM
Veraval Crime Gujarat Saurashtra
  • ઉનામાં રાત્રે તાજીયા ઝુલુસમાં ફાયરીંગ : ચાર યુવાનો ઘવાયા

જૂથ અથડામણના પગલે દુકાનો બંધ : એસપી, એએસપી ઉના પહોંચ્યા : ચાર તાલુકાનું પોલીસ દળ ઉતારાયુ : બંદોબસ્ત ગોઠવાયો

ઉના તા.11
ઉનામાં ગઇકાલે રાત્રે મહોરમ નિમિતે નીકળેલા ઝુલુસ દરમ્યાન લુહાર ચોકમાં બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં થયેલા ગોળીબારમાં નાસભાગ થતા બાળક, મહિલા સહિત ત્રણને ઇજા થવા પામી હોવાની વિગતો બહાર આવી છે.

ઉનામાં મહોરમ નિમિતે શહેરમાં તાજીયાનું ઝુલુસ લુહાર ચોકમાં પસાર થતા મુસ્લિમ સમાજના બે જુથ વચ્ચે જુની અદાવતના કારણે ગોળીબાર (ફાયરીંગ) થતા નાસભાગમાં અયાન સલીમભાઇ સોરઠીયા, સમીરાબેન અબ્દુલભાઇ આરબ, હનીફ અલ્લારખાભાઇ અને સોહિલ કાસમભાઇને ઇજા થતા સારવારમાં દવાખાને ખસેડાયા હતા.

બજારમાં નીકળેલા ઝુલુસ દરમ્યાન અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા નાયા મુસ્તાકભાઇ, હનીફ ચોરવાડા, અમાન સલીમભાઇ, સોહીલ કાસમભાઇ નામના યુવાનોને ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં દવાખાને ખસેડાયેલા છે.

બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો અને બંદોબસ્ત જાળવ્યો હતો. બનાવના પગલે ઇન્ચાર્જ પીએસઆઇ સાબીરખાન બાબી, પીએસઆઇ રાજયગુરૂ સહિતના સ્ટાફે બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબુમાં લઇ લીધો હતો.
મહોરમ પર્વમાં આ ઘટના પાછળ થોડા દિવસો પહેલા થયેલી તકરાર જવાબદાર હોવાની પ્રાથમિક વિગતો બહાર આવ્યું છે. હાલ પોલીસ બંદોબસ્ત સાથે સ્થિતિ સામાન્ય રહી છે.

બનાવના પગલે એસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ઘ્યાને લઇ વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, વિ.સ્થળોએથી પોલીસ સ્ટાફ ઉના બંદોબસ્તમાં ગોઠવી પરિસ્થિતિ પર કાબુ મેળવવા સાથે શાંતિ જળવાય રહે તેવા પગલા લેવાયા છે.


Loading...
Advertisement