પુરવઠા ના.મામલતદાર મહિને રૂા.પાંચ હજાર માંગી ‘ઉપર’ પહોંચાડે છે : સ્ફોટક સોગંદનામુ

11 September 2019 12:04 PM
Amreli Crime Saurashtra
  • પુરવઠા ના.મામલતદાર મહિને રૂા.પાંચ હજાર માંગી ‘ઉપર’ પહોંચાડે છે : સ્ફોટક સોગંદનામુ

અમરેલીમાં રેશનીંગ દુકાનદારના ધડાકાથી ખળભળાટ : કાર્યક્રમો માટે પણ ઉઘરાણુ

અમરેલી તા.11
અમરેલી પુરવઠા વિભાગના એક નાયબ મામલતદારે દર મહિને રેશનિંગ દુકાન ધારક પાસેથી રૂપિયા પ હજારની લાંચ માંગતા હતા. અને તે રકમમાંથી ઉચ્ચ અધિકારીઓ સુધી રકમ પહોંચતી કરવામાં આવતી હોવાનું સોગંદનામું રેશનિંગ દુકાનધારકોએ કરીને મીડિયા સમક્ષ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષથી પુરવઠા વિભાગનો ભ્રષ્ટાચાર બહાર આવી રહયો છે. અને અંતે પુરવઠા વિભાગના ભ્રષ્ટ બાબુઓ સામે કોઈ તપાસ કરવામાં ન આવી અને માત્ર રેશનિંગ દુકાનધારકોને નિશાન પર લેવામાં આવતા અને દિન પ્રતિદિન દુકાનધારકની પરેશાની વધી જતા દુકાનધારકોએ સામૂહિક રૂપે પુરવઠા વિભાગમાં મામલો ભ્રષ્ટાચાર ક્રમશ: પ્રકાશમાં લાવવા મરજીવાની ભૂમિકામાં આવી ગયા છે.
અમરેલીના રેશનિંગ દુકાનધારક રમેશકુમાર દેસાઈ, અમૃતલાલ નિમ્બાર્ક, નાસીરભાઈ દોઢીયા, નાશીરભાઈ ચૌહાણ, જયસુખભાઈ બાવીશી સહિતના 17દુકાનધારકોએ સોગંદનામા પર જણાવેલ છે કે તાજેતરમાં અમરેલી મામલતદાર ઓફિસના પુરવઠા શાખાના નાયબ મામલતદારે દર મહિને રૂપિયા પાંચ હજાર આપવાની સૂચના આપેલ અને તેમાંથી મામલતદાર, પુરવઠા ઈન્સ્પેકટર, પુરવઠા અધિકારીને આપવાના હોવાથી અમો દર મહિને રૂપિયા પાંચ હજાર નાયબ મામલતદારને આપતા હતા. તેમજ કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે, પણ અમારી પાસેથી ખર્ચા-પાણીના પૈસાની માંગણી કરતાં હોવાનો ઘટસ્ફોટ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.
એવું પણ જાણવા મળેલ છે કે દુકાનધારક પાસેથી ગોડાઉનની મંજૂરી માટે રૂપિયા પ હજાર, ચાર્જ કાઢવા માટે રૂપિયા 10 હજાર અને દુકાનનું રાજીનામું મંજૂર કરવા માટે રૂપિયા પ0 હજારથી લઈને રૂપિયા એક લાખ માંગવામાં આવતા હોય છે.
આમ, પુરવઠા વિભાગમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર સામે સામૂહિક રૂપે લડત શરૂ કરવા માટે જિલ્લાભરના તમામ દુકાન ધારકો રાજીનામું ધરવા પણ તૈયાર થયા હોય આગામી દિવસોમાં અનેક કડાકા- ભડાકા થવાના એંધાણ જોવા મળી રહયા છે.


Loading...
Advertisement