ગુજરાતનો મોટર વ્હીકલ એકટ અન્ય રાજયો માટે ‘મોડેલ’ બનશે

11 September 2019 11:47 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતનો મોટર વ્હીકલ એકટ અન્ય રાજયો માટે ‘મોડેલ’ બનશે

સલામતીને અગ્રતા આપતો માનવીય અભિગમ પણ અપનાવાયો છે: મુખ્યમંત્રી : દ્વીચક્રીમાં ત્રીપલ સવારી- પાછલી સીટ પર બેસનારને હેલ્મેટ ફરજીયાત નહી તેવા સુધારા ગરીબ વર્ગ માટે રાહત રૂપ : ભાજપ શાસન સહીત અનેક રાજયો કેન્દ્રનો આકરો કાનૂન લાગુ કરવામાં હિચકીચાટ અનુભવે છે: હવે ‘સાહસ’ કરશે

રાજકોટ: દેશભરમાં લાગું થયેલા નવા મોટર વ્હીકલ એકટનો અમલ ગુજરાતમાં તા.16 સપ્ટે.થી થશે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક ખાસ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય કાનૂનમાં ટ્રાફીક ભંગના વિવિધ અપરાધોમાં જે આકરા દંડની જોગવાઈ છે તેને પુરી રીતે લાગું નહી કરવા માટે જાહેરાત કરતા માર્ગો પર લોકોની સલામતી ને પ્રાથમીકતા આપવાની સાથે માનવીય અભિગમ અપનાવાયો છે તેવું જણાવ્યું હતું. વાસ્તવમાં આ કાનૂન સંસદમાં રજુ થયો તે સમયે જ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ તે ‘મોડેલ’ કાનૂન છે અને રાજયો તેમાં ફેરફાર કરી શકે છે તેવું જણાવ્યું હતું અને આ ફેરફાર કરવા પણ ગુજરાત પ્રથમ રાજય બન્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે લોકો પર દંડનો ‘બોજ’ ન પડે તેથી તેમાં ઘટાડો કરાયો છે. દ્રષ્ટાંત રૂપે એમ્બ્યુલન્સ સહીતના ઈમરજન્સી વાહનોના માર્ગમાં વિધ્ન સર્જાય તે રીતે ડ્રાઈવીંગ બદલ કેન્દ્રએ રૂા.10000ના દંડની જોગવાઈ કરી હતી પણ ગુજરાતમાં તે રૂા.1000નો જ દંડ થશે તો લાયસન્સ વગર ડ્રાઈવીંગ બદલ રૂા.5000નો દંડ છે પણ ગુજરાતમાં તે રૂા.500 જ વસુલાશે.
દેશના અનેક રાજયોમાં આ પ્રકારના આકરા દંડની જોગવાઈ સાથે ખુદ રાજય સરકારોએ વિરોધ કર્યો છે પણ તેમાં સુધારા-દંડ ઘટાડીને અમલ કરવામાં ગુજરાત પ્રથમ રાજય બન્યું છે. શ્રી રૂપાણીએ કહ્યું કે અમોએઆ કાયદાનો પૂર્ણ અભ્યાસ કરીને જ દંડ ઘટાડવા માટેનો નિર્ણય લીધો છે. ખાસ કરીને જેમાં ટુ વ્હીલર પર મુસાફરી કરી છે તેના માટે અમોએ ખાસ ચિંતા કરી છે.
શ્રી રૂપાણીએ ઉમેર્યુ કે અગાઉ જે દંડ હતો તેમાં પણ નવો દંડ 10 ગણો વધી ગયો છે. સરકાર ઓવરસ્પીડ વાહનો બેદરકારી પૂર્વકના ડ્રાઈવીંગ અને રજીસ્ટ્રેશન વગરના ડ્રાઈવીંગ જેવા ગંભીર ગુન્હામાં જરા પણ બક્ષવા માંગતી નથી. કારણ કે તે ફકત એક વ્યક્તિ નહી બે ત્રણ કુટુંબોને અસર કરે છે તેમ છતાં ટુ વ્હીલર પર રૂા.1000ના બદલે રૂા.100નો જ દંડ લેવાશે. શ્રી રૂપાણીએ કહ્યું કે ગરીબ પરિવારમાં નાના બાળક સાથે ત્રણ લોકો હોય તો તેને રીક્ષા કે તેવા ભાગના વાહન પોષાય નહી જયારે કેન્દ્રીય કાનૂનમાં ટુ વ્હીલરમાં પાછળની સીટ પર બેસનારને પણ હેલ્મેટ ફરજીયાત બનાવાયા છે પણ ગુજરાતમાં તે લાગુ પડશે નહી.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના ગુજરાતને આ કાનૂનને હળવો કરતા અનેક રાજયો માટે ગુજરાત મોડેલ બનશે. ખાસ કરીને ગુજરાતે પહેલ કરતા ભાજપ શાસનના રાજયોને પણ હિમ્મત આવશે.


Loading...
Advertisement