સોનાની ડીમાંડ અડધી, હજારો કારીગરો બેકાર, આયાત મામુલી; ઝવેરાત ઉદ્યોગને બચાવવા નીતિવિષયક બદલાવ કરો! ઝવેરીઓની ધા

10 September 2019 07:33 PM
Business India
  • સોનાની ડીમાંડ અડધી, હજારો કારીગરો બેકાર, આયાત મામુલી; ઝવેરાત ઉદ્યોગને બચાવવા નીતિવિષયક બદલાવ કરો! ઝવેરીઓની ધા

પાનકાર્ડની ઝંઝટ દુર કરવા, માસિક હપ્તાથી વેચાણની સ્કીમ તથા ક્રેડીટ કાર્ડથી ખરીદીની છુટ્ટ આપવા સહીતની માંગ આગળ ધરતા સોની વેપારીઓ

કોલકતા તા.10
સોના-ચાંદી તથા ઝવેરાત ઉદ્યોગ લાંબા વખતથી મંદીમાં ધકેલાયો છે ત્યારે તેને બેઠો કરવા માટે કેટલાક નીતિવિષયક ફેરફારો કરવાની માંગ ઝવેરીઓએ ઉઠાવી છે. ઝવેરાતની ખરીદી માટે પાનકાર્ડ પેશ કરવા જેવા ઝંઝટભર્યા નિયમનોમાં છુટછાટ મુકવા તથા તે સંબંધી મર્યાદા વધારી દેવા સહીતની માંગણીઓ આગળ ધરવામાં આવી છે.
ઓલ ઈન્ડીયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટીક કાઉન્સીલના શંકર સેને કહ્યું કે બે લાખ રૂપિયા કે તેથી અધિકના દાગીનાની ખરીદી પર પાનકાર્ડની વિગતો આપવાનું ફરજીયાત છે. ગ્રાહકો આવી ઝંઝટમાં પડવા માંગતા નથી. ગયા વર્ષે સોનાના ભાવ 20 ટકા વધી ગયા છે. ઉંચી કિંમતને કારણે બે લાખનુ સોનુ મામુલી ગણાય. આ સંજોગોમાં પાનકાર્ડની માહિતી આપવાની નાણાંકીય મર્યાદા બે લાખથી વધારીને પાંચ લાખ કરી દેવી જોઈએ. આ નિયમથી ખાસ કરીને ગામડાઓમાં મોટી તકલીફ છે. કૃષિ આવક કરમુક્ત છે એટલે ગ્રામ્ય લોકો પાસે પાનકાર્ડ હોતા નથી. બે લાખથી અધિકના સોનાની ખરીદીમાં અનેકવિધ પ્રશ્ર્નો પેદા થાય છે.
સોનાના દાગીનાની ડીમાંડમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો ઘટાડો છે. છેલ્લા મહિનાઓને ગણનામાં લેવામાં આવે તો માંડ 20-30 ટકા ખરીદી છે. કારીગરો પાસે કામ નથી અને છેલ્લા બે-ત્રણ મહિનામાં જ હજારો કારીગરોએ રોજગારી ગુમાવવી પડી છે.
ડીમાંડમાં મોટા ઘટાડાની સાથોસાથ સોનાની આયાતમાં પણ કાપ આવતો રહ્યો છે. ભારતમાં ઓગષ્ટ મહીનામાં સોનાની આયાત માત્ર 30 ટન રહી હતી જે ગત વર્ષના ઓગષ્ટમાં 111.47 ટન હતી. આ મહિનાની કુલ આયાતમાં અંદાજીત 22 ટનનો ઉપયોગ તો નિકાસમાં થયો હતો એટલે ઘરઆંગણે વપરાશ માટે માત્ર 8 ટન સોનાની જ આયાત થઈ છે.
ઝવેરાત ક્ષેત્રને ફરી ધબકતો કરવા માટે અનેકવિધ પગલા લેવા ઝવેરી સંગઠનો માંગ ઉઠાવી રહ્યા છે. સોનાના દાગીના હપ્તેથી ખરીદવા માટેની સ્કીમ શરૂ કરવાની છુટ્ટ માંગવામાં આવી છે. આ પ્રકારની સ્કીમથી ગ્રાહકોની ડીમાંડમાં વધારો શકય છે. આ સિવાય ક્રેડીટ કાર્ડ મારફત પણ સોનાના દાગીનાની ખરીદીની છુટ્ટ માંગવામાં આવી છે.
સોના-ચાંદી ઉદ્યોગમાં નવો ચળકાટ સર્જવા માટે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં મોટો બદલાવ કરવા પણ માંગ ઉઠાવવામાં આવી છે. ભારતીયો પાસે 22000 ટન સોનુ પડયુ છે. ભારતની સોનાની આયાત ઘટાડવા માટે આ સોનાનો ઉપયોગ જરૂરી છે પરંતુ તે માટે આકર્ષક સ્કીમ બહાર પાડવી પડે તેમ છે. આયાત ઘટે તો દેશની ચાલુ ખાતાની ખાધ પણ નીચી આવી શકે તેમ છે. સાર્વત્રિક મંદીની આશંકા વ્યક્ત થઈ રહી છે. વોટર-વેચાણના આંકડાઓ મંદી સૂચવવા લાગ્યા જ છે. સોના-ચાંદી ક્ષેત્ર તો લાંબા સમયથી મંદીમાં ધકેલાયેલું છે. લાખો લોકોની રોજગારીના સ્ત્રોત એવા આ ક્ષેત્ર માટે કોઈ નીતિવિષયક ફેરફારો કરવામાં નહીં આવે તો મહતપથારીએ ધકેલાઈ જવાનો ભય છે.


Loading...
Advertisement