ગાંધીધામમાં કારનો કાચ તોડી 3.38 લાખની રોકડની ઉઠાંતરી

10 September 2019 04:40 PM
kutch Crime
  • ગાંધીધામમાં કારનો કાચ તોડી 3.38 લાખની રોકડની ઉઠાંતરી

રાપર બંધ મકાનના તાળા તોડી રૂા. 4.60 લાખની મતાની ચોરી

ભુજ, તા. 10
પૂર્વ કચ્છમાં બેખોફ બનેલા તસ્કરોએ રાપરમાં બંધ રહેણાંક મકાનમાંથી 2.60 લાખની રોકડ સહિત કુલ 4.60 લાખની માલમત્તાનો હાથફેરો કર્યો છે. જયારે ગાંધીધામમાં મુખ્ય માર્કેટ નજીક માર્ગ પર ઉભેલી કારનો કાચ તોડી તેમાં પડેલા 3.38 લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી કરી છે.
કચ્છના સીમાવર્તી રાપરના ટીંડલવા ગામના વતની અને લાઈટ ફીટીંગના ધંધાર્થે રાપર શહેરમાં પાવર હાઉસ પાછળ આવેલી રઘુનંદન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 40 વર્ષિય સામતસિંહ હકુભા જાડેજા પરિવાર સાથે કારમાં ગાંધીધામમાં રહેતા પરિચિતને મળવા ગયા હતા. રાત્રિ રોકાણ કર્યા બાદ રવિવારે સાંજે તે પરત ફર્યાં ત્યારે ઘરના રસોડાનો દરવાજો ખુલ્લો હતો. મુખ્ય પ્રવેશદ્વાર પર નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો ઘરના સેટી પલંગમાં રાખેલાં થેલામાં રહેલી 2.60 લાખની રોકડ રકમ અને અન્ય થેલામાં રહેલા 2 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ઉસેટી ગયા હતા. તસ્કરો અઢી તોલાનો સોનાનો હાર, 3 તોલાનું સોનાનું લોકેટ, 3 વીંટી, ઝાંઝર વગેરે મળી 2 લાખના દાગીના અને 2.60 લાખની રોકડ મળી કુલ 4.60 લાખની માલમત્તા ચોરી ગયા છે. જે રોકડ રકમ હતી તેમાંથી એક લાખ રૂપિયા સામતસિંહને થોડાંક સમય પૂર્વે ગામની જમીન વેચી તેમાંથી મળ્યા હતા અને બાકીના 1.60 લાખ રૂપિયા ખેતીની ઉપજમાંથી થયેલી આવકના હતા. રાપર પીએસઆઈ જે.એચ.ગઢવીએ બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.
ગાંધીધામમાં લોકોની અવરજવરથી સતત ધમધમતા ગાંધી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે કારનો કાચ તોડી બે તસ્કરો 3.38 લાખની રોકડ ભરેલો થેલો લઈને રફૂચક્કર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. તસ્કરીનો બનાવ સાંજે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં બન્યો હતો. જશોદાધામ, ચીરઈ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી નાગજીભાઈ રબારી સોમવારે સાંજે આંગડીયા પેઢીમાંથી 3.38 લાખની રોકડ લઈ બીજી આંગડીયા પેઢીમાં ગયા હતા. તેમણે તેમની જીજે 1ર બીઆર-9655 નંબરની સ્વિફ્ટ કાર રત્નકલા આર્કેડ નામના કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરી હતી. પરત આવીને જોયું તો ડ્રાઈવરની બાજુની સાઈડનો કાચ તૂટેલો હતો અને સીટ પર મુકેલી નાણાં ભરેલી થેલી ગાયબ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર જઈ તપાસમાં પરોવાયો હતો. પોલીસે સીસીટીવી ચેક કરતાં બે બાઈકસવાર યુવકોએ ભરબજારે બિન્ધાસ્ત રીતે આ ઘટનાને અંજામ આપ્યો હોવાના ફૂટેજ મળ્યાં છે.


Loading...
Advertisement