સિગારેટ ઠુંઠા, સ્ટ્રો સહિત 12 પ્લાસ્ટીક પ્રોડકટસ પર તોળાતો પ્રતિબંધ

10 September 2019 11:30 AM
Business India
  • સિગારેટ ઠુંઠા, સ્ટ્રો સહિત 12 પ્લાસ્ટીક પ્રોડકટસ પર તોળાતો પ્રતિબંધ

સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ અટકાવવા વડાપ્રધાનના આહવાન પછી સરકાર અમલ માટે સક્રીય : ફુગ્ગા, ધ્વજ, કેન્ડી, શેમ્પુ, તેલના નાના પાઉચ, 50 માઈક્રોનથી પાતળી કેરીબેગ સહીતના પેકેજીંગ નિયમો બદલાશે

નવી દિલ્હી તા.10
દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક નાબુદ કરવાની દિશામાં સરકાર યોજનાબદ્ધ રીતે આગળ વધી રહી છે. વિશ્ર્વમાં સૌથી મોટા પ્લાસ્ટીક પ્રદૂષક સિગારેટના છેવાડાના ભાગ (બરૂલ) સહીત કેટલીક આઈટેમ્સ પર પ્રતિબંધ મુકવા સરકારે યાદી તૈયાર કરી છે. સ્ટ્રો, માની કટલરે, કાનમાં પુમડા માટે ઉપયોગ થતી પ્લાસ્ટીક સ્ટિક બલુન, ધ્વજ અને કેન્ડી, 50 માઈક્રોનથી પાતળી કેરી બેગ અને વણાટ ન કરાયેલી કેરી બેગ્સ 12 પ્લાસ્ટીક પ્રદૂષક ચીજોની યાદીમાં સામેલ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીઈસીબી) એ આવી આઈટેમ પર પ્રતિબંધ મુકયાની ભલામણ કરી છે.

એક અહેવાલ મુજબ શેમ્પુ, તેલ સહીત અનેક ચીજોના નાના પ્લાસ્ટીક પાઉચ જલ્દીથી બંધ થઈ શકે છે. એનજીટીમાં રજુ થયેલા રીપોર્ટમાં નિષ્ણાંતોની સમીતીએ એકવાર ઉપયોગમાં લેવાતા શેમ્પુ-તેલ જેવી સામગ્રીઓના પ્લાસ્ટીક પાઉચ પર્યાવરણ માટે ખતરનાક બતાવી એના પર પ્રતિબંધ મુકવા ભલામણ કરી છે.

સમીતીએ રિપોર્ટમાં પાણીની નાની બોટલો પર પણ પ્રતિબંધ મુકવા ભલામણ કરી છે. સમીતીએ જણાવ્યું હતું કે એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીક પાઉચનો કચરો એકત્ર કરવામાં મુશ્કેલી ઉપરાંત એના નિકાલમાં પણ તકલીફ પહે છે. સમીતીએ એના સ્થાને બાયો-પ્લાસ્ટીક અને પોલીસ લેકટીકથી બનેલા બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીકના ઉપયોગની ભલામણ કરી છે.
એનજીટીએ હિમજાગૃતિ વેલફેર સોસાયટીની અરજીના અનુસંધાને નિષ્ણાંતોની એક સમીતીની રચના કરી હતી. સમીતીએ ખાદ્ય પદાર્થોથી માંડી સૌંદર્ય પ્રસાધનો, બિનસરકારી સંગઠનો સાથે વિશદ ચર્ચા વિચારણા કરી રીપોર્ટ તૈયાર કર્યો હતો.

સમીતીએ પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અને નિયમનો દાખલ કરવા ભલામણ કરવા સાથે પ્લાસ્ટીક વેસ્ટના નિકાલ માટે નિયમો બનાવવા સૂચનો કર્યા છે.
સમીતીએ જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રોની કંપનીઓએ તેમના ઉત્પાદનોનું પેકેજીંગ બદલી પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પ્લાસ્ટીકના સ્થાને અન્ય મટીરીયલનો ઉપયોગ કરતી કંપનીઓને પ્રોત્સાહન આપવા પણ સમીતીએ ભલામણ કરી હતી.

સમીતીએ પ્લાસ્ટીકના સ્થાને, પર્યાવરણ હિતૈષી ચીજોને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. વાંસ અને લાકડાના બનેલા વાસણો અને પાનની બનેલી પ્લેટનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. જૂટ અને કપડાની થેલીઓનો ઉપયોગ કરવાપણ સુચવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિને દેશને સંબોધતા પહેલીવાર સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા આહવાન કર્યું હતું. એ પછી સંસદની કેન્ટીનમાં અને એરઈન્ડીયાએ 2 ઓકટોબરથી પ્લાસ્ટીકની ડીશ જેવી વસ્તુઓ બંધ કરવા નિર્ણય લીધો હતો. જુદા જુદા મંત્રાલયોએ પણ આ દિશામાં દિશાનિર્દેશ જારી કર્યા હતા. ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને પણ જુદી-જુદી કંપનીઓને પેકેજીંગમાં પ્લાસ્ટીકનો વિકલ્પ શોધવા જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ ગઈકાલે પણ યુએનના એક સંમેલનમાં ભારત સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા સંકલ્પબદ્ધ હોવાનું જાહેર કરી અન્ય દેશોને અનુસરવા અનુરોધ કર્યો હતો.


Loading...
Advertisement