દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ: ઉમરપાડામાં 16 ઈંચ

10 September 2019 11:08 AM
Surat Gujarat
  • દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ: ઉમરપાડામાં 16 ઈંચ
  • દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ: ઉમરપાડામાં 16 ઈંચ
  • દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ: ઉમરપાડામાં 16 ઈંચ
  • દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ: ઉમરપાડામાં 16 ઈંચ
  • દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ: ઉમરપાડામાં 16 ઈંચ

ગુજરાતના 216 તાલુકાઓમાં વરસાદ: સિઝનનો 113.55 ટકા થયો : ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા જેવા જીલ્લાઓમાં ભારે વરસાદ: હજુ મેઘસવારી ચાલુ રહેવાની આગાહી : નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા: નદી ભયજનક સપાટી વટાવીને 29 ફુટે; રાજપીપળાના કાંઠાળ ગામોમાં પાણી ઘુસ્યા

રાજકોટ તા.10
ગુજરાતના વિવિધ ભાગોમાં મધ્યમ-ભારે વરસાદનો દોર જારી જ રહ્યો છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ હોય તેમ કેટલાંક ભાગો જળબંબાકાર થયા હતા. ઉમરપાડામાં અનરાધાર 16 ઈંચ ખાબકયો હતો. જળાશયોમાં પાણીની જંગી આવક વચ્ચે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નર્મદા નદી ભયજનક સ્તર વટાવી ગઈ હતી. કાંઠાળ ગામોમાં નદીના પાણી ઘુસતા સેંકડોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયના 33 જીલ્લાના 216 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાંથી સૌથી વધુ 16 ઈંચ સુરતના ઉમરપાડામાં ખાબકયો હતો. અનરાધાર વરસાદથી જળબંબાકારની હાલત થઈ હતી અને સંખ્યાબંધ લોકોના સ્થળાંતર સાથે વહીવટીતંત્રને એલર્ટ રખાયુ હતું. સુરત જીલ્લાના બારડોલીમાં 6 ઈંચ, માંડવીમાં પાંચ ઈંચ, પલસાણામાં ચાર ઈંચ તથા અન્યત્ર બે થી ત્રણ ઈંચ વરસાદ થયો હતો. ડાંગના આહવામાં પાંચ તથા વધઈ-સુબીરમાં ચાર-ચાર ઈંચ વરસાદ હતો. વલસાડના ધરમપુરમાં પાંચ ઈંચ અને વલસાડમાં ચાર ઈંચ હતો. નર્મદા જીલ્લાના સાગબારા તથા ડેડીયાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા.

ઉતર ગુજરાતના જીલ્લાઓમાં મેઘરાજાનું જોર હળવુ હતું અને સાર્વત્રિક બે ઈંચ સુધીનો હળવો વરસાદ થયો હતો.
મધ્ય-પુર્વ ગુજરાતમાં પણ મધ્યમ-ભારે વરસાદ થયો હતો. વડોદરાના કરજણમાં 3॥ ઈંચ, ડભોઈમાં 3 ઈંચ તથા વડોદરામાં બે ઈંચ વરસાદ થયો હતો. છોટા ઉદેપુર, પંચમહાલ તથા દાહોદ-આણંદમાં પણ ત્રણ ઈંચ સુધી વરસાદ હતો. અમદાવાદ જીલ્લામાં છુટાછવાયા છાપટાથી માંડીને બે ઈંચ સુધીનો વરસાદ હતો.

રાજયભરમાં વરસાદનો દોર જારી રહેવા સાથે તમામે તમામ તાલુકાઓમાં સિઝનનો કુલ વરસાદ 10 ઈંચ કરતા વધુ થઈ ગયો છે. રાજયમાં એકપણ તાલુકો એવો નથી જયાં 10 ઈંચથી ઓછો વરસાદ હોય એટલું જ નહીં. 20 ઈંચ સુધી વરસાદ થયો હોય તેવા તાલુકાઓની સંખ્યા પણ માત્ર 35 છે. અન્ય તમામમાં 20 ઈંચથી વધુ વરસાદ છે.

દરમ્યાન ભારે વરસાદ વચ્ચે રાજયના જળાશયોમાં પાણીની જંગી આવક છે. નર્મદા ડેમમાં એકધારી આવક વચ્ચે 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરિણામે નદીનું જળસ્તર ભયજનક કરતા વધી ગયુ છે. ભરૂચ ખાતે નર્મદાની સપાટી 29 ફુટે પહોંચી છે. રાજપીપળાના નદીકાંઠાના ગામોમાં પાણી ઘુસતા સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું અને વહીવટીતંત્રને એલર્ટ કરાયુ છે.


Loading...
Advertisement